Abtak Media Google News

સ્માર્ટકાર્ડ મેળવવા ઇ-નિમાર્ણ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

રાજયભરમાં બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિક વર્ગના લોકોનો ઉત્કર્ષ માટે રાજય સરકાર દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજનાજેવી વિવિધ યોજનાઓ અમલી બનાવાયેલ છે. આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકેની નોંધણી કરાવવી જરૂરી છે.

Advertisement

બાંધકામ શ્રમિક સરળતાથી નોંધણી કરાવી શકે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-નિર્માણ પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ઇ-નિર્માણ પોર્ટલ (https://enirmanbocw. gujarat.gov.in/) અને ગુગલ પ્લે સ્ટોર પરના ઇ-નિર્માણ એપ દ્વારા જાતેનોંધણી કરી શકે  છે. આ ઉપરાંત જીલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે.

18 થી 60 વર્ષની વય માર્યાદા ધરાવતા અને છેલ્લા 12 મહિનામાં 90 દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોય તેવા પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકો કામગીરીના પુરાવા સાથે આધાર કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશન કાર્ડ અને બેંકની વિગતો, ઓળખના સરકારી દસ્તાવેજો સાથે બાંધકામ શ્રમિક તરીકેની નોંધણી બોર્ડમાં ઇ-નિર્માણ પોર્ટલ પર ઓનલાઇન કરાવી શકે છે. આ માટે જિલ્લામાં કાર્યરત એવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકાશે.

વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી બોર્ડમાં નોધાયેલ છે તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઈલ નંબર અધુરી તથા ખુટતી હોવાથી જે-તે જિલ્લાના નજીકના સીએચસી સેન્ટર પર જઈ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે જઈ તમામ સાધનિક ડોક્યુમેન્ટ સાથે રાખી મોબાઈલ નંબર વેરીફાઈ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટકાર્ડ મેળવી લેવા શ્રમિક કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.