Abtak Media Google News

5200 વાર જગ્યા પચાવી પડવાનું કારસ્તાન: મોટા માથાઓની સંડોવણીની પ્રબળ શકયતા

બાજુના સર્વે નંબરનો હવાલો આપી નાના ધંધાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ શેડ વેંચી મારવાનું કૌભાંડ

રાજકોટ શહેરમાં નવા ભળેલાં વિસ્તાર કોઠારીયામાં હજુ એક સરકારી જમીન પચાવી પડવાના કૌભાંડની તપાસ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક સરકારી જમીન દબાવી વેંચી મારવાનું કારસ્તાન સામે આવી રહ્યું છે. રાજકીય વગ ધરાવતા ભૂ-માફિયા દ્વારા આશરે 5200 વાર જમીનમાં દબાણ કરી બાંધકામ કરીને લોકોને સૂચિતના નામે ધાબડી દેવાતી હોવાની વાત સામે આવી છે. અધૂરામાં પૂરું ભોળી પ્રજાને સરકારી જમીનની બાજુમાં આવેલા ખાનગી માલિકીના પ્લોટના સર્વે નંબર આપીને જમીન સૂચિત હોવાનું જણાવી છેતરપીંડી આચરી જમીન ધાબડી દેવામાં આવતી હોય તે બાબત પણ જાણવા મળી છે.

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આડેધડ દબાણ થઈ રહ્યા છે. અગાઉ અનેક વિસ્તારોમાં મફતિયા ઉભા કર્યા બાદ હવે સરકારી જમીનો પર ઔદ્યોગિક બાંધકામ કરીને વેંચાણથી આપવામાં આવી રહ્યા છે. હાલમાં જ કોઠારીયા ખાતેના સાંઈબાબા સર્કલ પાસેની રેવન્યુ સર્વે નંબર 352 પચાવી પડવાના ગુન્હામાં લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આ ગુન્હાની તપાસનો ધમધમાટ ચાલુ જ છે ત્યારે કોઠારીયા વિસ્તારમાં વધુ એક ગેરકાયદે થયેલું દબાણ ’અબતક’ ના ધ્યાને આવ્યું છે.

કોઠારીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોલ્વન્ટની તદ્દન પાછળ આવેલા રેવન્યુ સર્વે 352 પૈકીની 5200 વાર જમીન દબાવી લેવા રઘવાયા થયેલા ભૂ-માફિયાઓએ ચોગઠા ગોઠવી બાંધકામ શરૂ કરી દીધેલું છે. 5200 વાર જમીનમાં હાલ ઔદ્યોગિક બાંધકામ ચાલી રહ્યું છે. આ તમામ કારસ્તાન ચંદુ કોઠીયા નામના શખ્સ દ્વારા આચરવામાં આવ્યું છે. આ શખ્સને રાજકીય પીઠબળ હોવાથી બેફામ બન્યાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં કોઠારીયા વિસ્તારના સિંહ રાશિના ક્ષત્રિય યુવાનની પણ સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રકરણમાં બે મકર રાશિના જાતકો પણ પ્રકરણમાં કળા કરી રહ્યા હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એક મકર રાશિનો જાતક એક રાજકીય પક્ષ સાથે સીધો સંકળાયેલો હોવાથી ’આપણે તો કલેકટર-કમિશ્નર સાથે સીધા સંબંધ’ના ડંફાસ અનેકવાર મારતો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ મકર રાશિના જાતકની કોઠારીયા લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું મનાય રહ્યું છે. લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયાની સાથે જ આ મકર રાશિનો જાતક રઘવાયો થયો હતો અને આજીડેમ પોલીસ સ્ટેશન તેમજ કમિશ્નર કચેરી ખાતે સેટિંગ પાડવા દોડધામ કરી રહ્યો હતો. ચંદુ કોઠીયા નામનો શખ્સ અગાઉ પણ આવા કૌભાંડ આચરી ગયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ચંદુ કોઠીયાને અમુક રાજકીય ટેકેદારોનો ટેકો હોય તેને કોઈ આડું નહીં આવે તેવા બણગાં મારતા હોવાનું પણ જાણવા મળે છે.

આ ઔદ્યોગિક બાંધકામ લેવા આવતા સામાન્ય વર્ગના લોકોને બાજુના કોઠારીયા સર્વે નંબર 262નો હવાલો દેવામાં આવે છે. સરકારી જગ્યાનો સર્વે નંબર 352 હોય પણ ગ્રાહકોને સર્વે નંબર 262નું કહી અંધારામાં રાખીને જમીન મૂળ ખાતેદારના નામે રહેશે પણ કાચું લખાણ કરી દેશું તેવું કહીને છેતરપીંડી આચરી શેડ ધાબડી દેવામાં આવે છે.

બેફામ બનેલા ભૂ-માફિયાને કોનું પીઠબળ?

કોઠારીયા વિસ્તારમાં ભૂ-માફિયાઓ બેફામ બની રહ્યા છે. તેમાં પણ શહેરમાં ભળી ગયા બાદ તો જાણે ભૂ-માફિયાઓને સોનાની ખાણ મળી ગઈ હોય તેમ સરકારી જમીનો પર દબાણ કરીને આડેધડ વેચી મારવામાં આવે છે. હજુ થોડા દિવસો પૂર્વે જ કોઠારીયા વિસ્તારમાં સરકારી જગ્યા દબાવી લેવાના પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પણ ભૂ-માફિયાઓને સહેજ માત્ર પણ કાયદો વ્યવસ્થાનો ભય નથી. ત્યારે ચોક્કસ સવાલ ઉપજે છે કે આ બેફામ બનતા ભૂ-માફિયાઓને કોનું પીઠબળ છે? શું રાજકીય આકાઓની રાહદોરી હેઠળ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે? શું તંત્રની કડી સમાન અધિકારીઓના પણ મોંઢા મીઠા કરી દેવામાં આવે છે? જો યોગ્ય તપાસ થાય તો અનેક આશ્ચર્યજનક બાબતો સામે આવી શકે તેમ છે.

સરકારી પ્લોટમાં બાંધકામ ખડકી દેવાયું છતાં તંત્ર અજાણ?

કહેવાય છે કે, નાનું પાંદડુ ખરે તો પણ તંત્રને જાણ થઈ જતી હોય છે તો ’બાજ નજર’ ધરાવતા તંત્રને આટલા મોટા દબાણની ગંધ માત્ર પણ નહીં આવી હોય તેવો પણ સવાલ ઉદ્ભબ્યો છે. તલાતીમંત્રી અને મામલતદારને તેમના વિસ્તારની નાનામાં નાની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે અને તેવું થતું પણ હોય છે તો પછી આવડી મોટી બાબત તંત્રની બાજ નજરથી બહાર કેમ રહી ગયું? અને જો તંત્રના ધ્યાનમાં હતું તો તંત્રએ હજુ સુધી પગલાં કેમ લીધા નહીં? શું તંત્ર આ શેડ નાના ધંધાર્થીઓને વેચી મારવામાં આવે તેની રાહ જોઈને બેઠી છે કે કેમ?

નાના માણસોની ‘છત’નું ભરચોમાસે ડિમોલિશન તો મોટા મગરમચ્છ પર કાર્યવાહી કેમ નહીં?

નાના માણસો માથા પર ’છત’ થાય માટે સરકરી જગ્યામાં કાચું મકાન બાંધી આશરો મેળવતા હોય ત્યારે તંત્ર દ્વારા ભરચોમાસે ડીમોલિશન કરીને નાના માણસોને બેઘર કરી દેવામાં આવતા હોય ત્યારે મોટા મગરમચ્છો દ્વારા આર્થિક લાભ મેળવવા કરાયેલા દબાણ પર જે.સી.બી. ફેરવી કાયદાકીય પગલાંઓ કેમ લેવાતા નથી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

શું દોષીતો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પગલાં લેવાશે?

જે રીતે ભૂ-માફિયાઓએ જમીન દબાવી બાંધકામ ખડકી દીધું છે અને નાના માણસોને અંધારામાં રાખીને વેંચી મારવાનું કારસ્તાન રચી રહ્યા છે ત્યારે હવે શું આ મામલામાં યોગ્ય તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુન્હો નોંધી દોષીતોને જેલના સળિયા પાછળ ધકેલાશે? તેવો સવાલ ઉઠ્યો છે. હાલ સમગ્ર રાજ્યભરના ભૂ-માફિયાઓમાં લેન્ડ ગ્રેબિંગ વિરુદ્ધના કાયદાનો ભય વ્યાપ્યો છે તેવી પરિસ્થિતિમાં પણ કોઠારીયા વિસ્તારમાં બેફિકર થઈ જમીન કૌભાંડ આચરતા દોષિતોને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધી પાઠ ભણાવવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.