Abtak Media Google News

શહેરના આહીરચોકમાં રહેતી 16 વર્ષની તરુણીનું અપહરણ કરી બાબરા તાલુકાના નવાણિયા ગામના શખ્સે સૌરાષ્ટ્રના અલગ અલગ ધાર્મિક સ્થળોએ ફેરવી પાંચ વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોધાંતા નવાણિયા ગામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આહીરચોકમાં રહેતી 16 વર્ષની તરુણીની સગાઈ છ મહિના પહેલા થઈ ગઈ હતી. આથી ગત 16 જુલાઈના રોજ બાબરા પંથકનો પ્રેમી રવિ જયંતિ ઉર્ફ જેન્તીભાઇ પીલુકીયા તેને ભગાડી ગયો હતો અને સૌરાષ્ટ્રના અલગ અલગ ધાર્મિક સ્થળોએ ફેરવી પાંચ વખત શરીર સંબંધ બાંધ્યા હતા. આથી સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ગઇકાલે પ્રેમી સગીરા સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.

સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી તેની  ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તરુણીના પિતા ચંદુભાઈ ગાંડુભાઇ લરખડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મજૂરી કરુ છું. મારે ચાર સંતાનમાં 16 વર્ષની દિકરીની સગાઇ અમે જ્ઞાતિના રિવાજ મુજબ ગત જાન્યુઆરી મહિનામાં કરી હતી. મારી દીકરીને તેના મંગેતરે સગાઇ વખતે મોબાઇલ ફોન આપ્યો હતો તે વાપરે છે.ગત તા. 16 જુલાઇના રોજ રાતે બે વાગ્યે મારી દીકરી ઘરેથી ગુમ થઇ ગઇ હતી.

તે કોની સાથે ગઇ તેની અમને ખબર નહોતી. અમે પરિવારના સભ્યોએ તેને શોધવા અનેક જગ્યાએ અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તે મળી નહોતી. તેની સગાઇ થઇ ગઇ હોય આબરૂ જવાની બીકે અમે ફરિયાદ કરી નહોતી. બાદમાં અમને જાણ થઇ હતી કે, અમારી દીકરીને બાબરાના નવાણીયા ગામનો રવિ પીલુકીયા ભગાડી ગયો છે. તે અમારી દીકરીને લઇને પોલીસ સ્ટેશને આવ્યો હોવાની અમને ખબર પડતાં અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હું રવિ સાથે પ્રેમ કરૂ છું અને તેની સાથે લગ્ન કરવા છે એટલે રવિ સાથે ભાગી ગઇ હતી. રવિ મારી દીકરીને ભગાડીને જૂનાગઢ લઇ ગયો હતો. ત્યાં બે દિવસ રોકાયા તે વખતે તેણે શરીર સંબંધ બાંધી લીધા હતાં. ત્યારપછી બસમાં બેસાડી ધારી ખોડિયાર ડેમ લઇ ગયો હતો. ત્યાં વાડી વિસ્તારમાં રોકાયા હતાં અને ત્યાં પણ બે વખત અવાવરૂ જગ્યામાં રવિએ મારી દીકરી સાથે સંબંધ બાંધી લીધા હતાં. બાદમાં તે બસમાં બેસી રાંદલના દડવા ગામે મારી દીકરીને લઇ ગયો હતો.

ત્યાં દોઢેક દિવસ રોકાયને ત્યાં પણ એક વખત શરીર સંબંધ બાંધી લીધા હતાં.ત્યારબાદ તે ગઇકાલે અમારી દીકરીને તે પરત લઇ ગયો હતો. ત્યાંથી રાજકોટ પોલીસ સ્ટેશને આવ્યા હોવાનું દીકરીએ અમને કહ્યું હતું. જેથી અમે ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પીઆઇ જે.ડી. ઝાલાને સગીરાએ તેના વાલીને વર્ણવેલી વિગતોને આધારે તેના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી રવિની ધરપકડ કરી છે. તેમજ સગીરાનું તબીબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.