Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા

ચોમાસાની ઋતુમાં મેઘ મલ્હાર થતા વાતાવરણ રોમાંચિત થઈ ઉઠે છે. એમાં પણ નદી નાળા ચેકડેમો છલકાઈ ઉઠતા પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠે છે. ત્યારે આવા જ દ્રશ્યો પોળો ફોરેસ્ટમાં જોવા મળી રહ્યા છે. સાબરકાંઠામાં સાંબેલાધાર વરસાદ વરસતા અહીંના ઝરણાં, પહાડો વચ્ચેનું વાતાવરણ એકદમ ખુશનુમાં થઈ ગયું છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલો સહેલાણીઓ માટે આમ તો મીની કાશ્મીર ગણાય જ છે. પણ વરસાદને કારણે વાતાવરણ વધુ પ્રકૃતિમય થઈ ઉઠ્યું છે. આસપાસના ડુંગરોમાં આલ્હાદક નજારો જોવા મળી રહ્યો છે એવું લાગે છે કે પ્રકૃતિ જાણે લીલી ચાદર ઓઢીને સોળેકળાએ ખીલી ઉઠી હોય.

અમદાવાદથી નજીક એવા પોલોના જંગલની મુલાકાત જો એક વાર લેશો તો અચુંક વારંવાર જવાની તૈયારી દાખવશો તે તો પાકું છે. અમદાવાદથી 150 KM દૂર કુદરતનું રમણીય નજારો અને પ્રકૃતિથી ભરપૂર એવું જંગલ એટલે પોળો ફોરેસ્ટ. જે 400સ્વેર કિ.મી.માં ફેલાયેલું અને વિજયનગર તાલુકાના આભાપુર ગામમાં આવેલું છે. ત્યાં જવા માટે કોઇ એન્ટ્રી ફ્રી કે રજીસ્ટ્રેશનની જરુર નથી રહેતી તેમજ આખો જંગલ વિસ્તાર જંગલખાતા દ્વારા સંભાળવામાં આવે છે. આ જંગલ વિસ્તાર સુંદર પહાડીઓથી ઘેરાયેલો છે તેમજ હરનવ નદી પણ ત્યાં આવેલી છે અને દરનવ ડેમ પણ છે.

આ ઉપરાંત ભગવાન શિવનું ઐતિહાસિક મંદિર પણ છે સાથે સાથે જૈન મંદિર પણ છે. અહિંના રમણીય, દ્રશ્યો, કેમ્પ સાઇટ, ટ્રેકિંગ, એડવેન્ચરને ખરેખર માણવું હોય તો ત્યાં ગાઇડની સુવિધા પણ છે જેના દ્વારા તમે જંગલને પુરેપુરુ માણી શકો છો. અહિંની મોટી ખાસીયત પોલો ફોરેસ્ટનો પોલો ઉત્સવ છે જે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવે છે. જેમાં ટ્રાવેલ ઇવેન્ટ, એડવેન્ચર, એક્ટીવીટી, સાઇક્લીંગ, કેમ્પીંગ અને બીજુ ઘણું બધુ યોજવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.