Abtak Media Google News

Table of Contents

મોદી- શાહના દુરંદેશી વ્યૂહથી મળી રહ્યા છે ચમત્કારિક પરિણામો

અબતક, રાજકોટ : મોદી- શાહના દુરંદેશી વ્યૂહથી  ચમત્કારિક પરિણામો મળી રહ્યા છે. જેને પગલે હવે ભાજપ 2030માં કમળને સોળે કળાએ ખીલવશે તે નક્કી છે. એક તરફ સતામાં ન હોય તેવા પક્ષ પણ નવા નિયમો લાગુ કરવાનું જોખમ નથી લઈ રહ્યા તેવામાં સતા ઉપર રહીને પણ ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા નવા જોખમી નિયમો બનાવીને સૌને અચંબિત કરી રહ્યું છે. હાલ ભાજપ જુના અને પીઢ નેતાઓને સલાહકારની ભૂમિકામાં રાખીને નવા ચહેરાઓને હોદા ઉપર સ્થાન આપી ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા કમર કસી રહ્યું છે. જેને મહદ અંશે સફળતા મળી રહી છે.

જુના અને પીઢ નેતાઓને સલાહકારની ભૂમિકામાં રાખીને નવા ચહેરાઓને હોદા ઉપર સ્થાન આપી ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા કસી રહ્યું છે કમર

જુના અને પીઢ નેતાઓને ઘરે બેસાડવા એ એક જોખમ જ કહી શકાય. પણ ભાજપ આ જોખમ ખેડી રહ્યું છે. તેની પાછળનું વિઝન ખૂબ જટિલ છે. ભાજપ અત્યારનું નહિ પણ આગામી 10 વર્ષને ધ્યાને રાખીને આ જોખમ ખેડી રહ્યું છે. ભાજપ હવે જુના નેતાઓને સલાહકારની ભૂમિકામાં ધકેલી રહ્યું છે. જો કે આ નેતાઓને માન સન્માન આપી તેનો અનુભુવનો લાભ નવી ટીમને મળે તે રીતે પણ વ્યવસ્થા ગોઠવતું જઈ રહ્યું છે.

સતામાં ન હોય તેવા પક્ષ પણ નવા નિયમો લાગુ કરવાનું જોખમ નથી લઈ રહ્યા, તેવામાં સતા ઉપર રહીને પણ ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા નવા જોખમી નિયમો બનાવીને કરી રહ્યું છે સૌને અચંબિત 

ભાજપે સમયથી પણ આગળ ચાલીને પરિવર્તનને અપનાવ્યું, જેના પરિણામ સ્વરૂપે હર એક કદમ ઉપર મળી રહી છે સફળતા

ભાજપ હાલ તમામ રાજ્યોમાં ફેરફારોની ખેતી કરી રહ્યું છે. જેની ઉપજ આગામી 10 વર્ષ સુધી મળતી રહેવાની છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે પક્ષ પાસે સતા નથી તેઓ પણ ફેરફારો કરવામાં ખચકાય રહ્યા છે. તેમાં પણ કોઈ નેતાને ઘરે બેસાડવાની વાત આવે તો સતામાં ન હોય તેવા પક્ષ પણ પરિણામથી ફફડી ઉઠે છે. પણ ભાજપે તે કરી બતાવ્યું છે કે અનુભવી નેતાઓને ઘરે બેસાડી હવે તેના અનુભવના જોરે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

સમય હમેશા પરિવર્તનશીલ હોય છે. સમયની સાથે પરિવર્તન સાધવામાં ન આવે તો કોઈ પણ સંગઠન કે કોઈ પણ વ્યક્તિ અસફળ જ રહે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોંગ્રેસ પક્ષ છે. જે ભૂતકાળમાં મહાકાય અને શક્તિશાળી પક્ષ તરીકે જાણીતો હતો. પણ પરિવર્તનના અભાવે આજે તેને ઠેર ઠેરથી અસફળતા મળી રહી છે. સામે ભાજપે સમયથી પણ આગળ ચાલીને પરિવર્તનને અપનાવ્યું છે. જેને પગલે ભાજપને હર એક કદમ ઉપર સફળતા મળી રહી છે.

ભાજપે ચાર મહિનામાં ચાર મુખ્યમંત્રી બદલ્યા 

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ આખરે રાજીનામું આપી દીધું છે. તેઓની ઉંમર 78 વર્ષની હતી. ઉતરાખંડમાં પણ ચાર મહિના પૂર્વે ત્રીવેન્દ્રસિંહ રાવતે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યુ હતું. ગત 10 મી માર્ચે સાંસદ તીરથસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવાયા હતા. નિયમ મુજબ 10 સપ્ટેમ્બર સુધીમાં તેઓને વિધાનસભા ચૂંટણી લડીને જીતવાની હતી. બે બેઠકો ખાલી હતી. પરંતુ આવતા વર્ષે જ સામાન્ય ચૂંટણી હોવાથી ચૂંટણી પંચ બે બેઠકોની પેટા ચૂંટણી કરશે કે કેમ તે વિશે અનિશ્ચીતતા હોવાથી રાજીનામું આપવા તેઓને કહી દેવામાં આવ્યું હતું. આમ છેલ્લા 4 મહિનામાં ભાજપે ચાર મુખ્યમંત્રી બદલ્યા છે.

નવા ચહેરાઓને સ્થાન આપી ભાજપે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 80 ટકાથી વધુ બેઠકો કબ્જે કરી 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિયમ લાગુ કર્યો હતો કે નેતાના પરિવાર સભ્યને, 3 ટર્મ પુરી થઈ હોય તેને, 60 વર્ષ ઉપરના દાવેદારને, ભાજપનાં કોઈ હોદેદારો હોય તેના સગા માટે ટિકિટ માંગી હોય તેને ટીકીટ આપવામાં આવશે નહિ. આ નિયમ પાછળ સી.આર. પાટીલનું વિઝન હતું કે યંગ અને ફ્રેશ ટીમનું નિર્માણ કરવું. જેથી આવનારા 10 વર્ષ ભાજપ મજબૂત બની શકે. ઉપરાંત ભાજપમાં વર્ષોથી મહેનત કરતા લોકોને પણ હોદ્દો મળે. આ નિયમથી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફોને કારમી હારનો સ્વાદ ચખાડી 80 ટકાથી વધુ બેઠકો ઉપર કબજો મેળવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓને સ્થાન આપી મોદીએ દેશભરના સંગઠનમાં બદલાવના પાયા નાખ્યા

તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 43 મંત્રીઓ પૈકી 33 મંત્રીઓ તરીકે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના સંગઠનમાં બદલાવના પાયા નાખ્યા છે. તેઓએ યંગ અને ફ્રેશ ટીમ બનાવી છે. જેના દ્વારા તેઓ આગામી 10 વર્ષ સુધી સંગઠનને મજબૂત બનાવી રાખવાના છે. હવે ભાજપ દ્વારા આ બદલાવની દેશભરમાં અમલવારી કરવામાં આવનાર છે. અનેકવિધ રાજ્યોમાં તેની અમલવારી શરૂ પણ થઈ ગઈ છે.

પાર્ટીના આદેશને નેતાઓ પણ શિરોમાન્ય માને છે, તેથી જ સંગઠન વધુને વધુ મજબૂત બની રહ્યું છે

ભાજપના આદેશને નેતાઓ પણ શિરોમાન્ય માને છે, તેથી જ સંગઠન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ટક્કર આપવા ભાજપને કદાવર નેતાની જરૂર હતી. જે સંદર્ભે ભાજપે તેમના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને બંગાળના પ્રભારી તરીકે નીમ્યા છે. પાર્ટીના આદેશને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના દાવેદાર બની શકનાર કૈલાશ વિજયવર્ગીયએ હોંશભેર બીજા રાજ્યની જવાબદારી સ્વીકારી હતી. તેઓ છેલ્લા 7 વર્ષથી પશ્ચિમ બંગાળમાં પક્ષને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેઓ આખું અઠવાડિયુ ત્યાં કામ કરી વિક એન્ડમાં પોતાના વતન આવે છે. કૈલાશ વીજયવર્ગીય બીજેપીના નેતાઓની વફાદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.