Abtak Media Google News

એશિયાટીક લાયનના પાર્ટીશિપેટીંગ બ્રિડીંગ સેન્ટરની માન્યતા ધરાવતા

હાલ પ્રધ્યુમન પાર્ક ઝુ માં 5 સિંહ અને 11 સિંહણ કરી રહ્યાં છે વસવાટ: રાજકોટ ઝુ થી હૈદરાબાદ, લખનઉ, પંજાબના છતબીરપુર, મૈસુર, છત્તીસગઢ અને અમદાવાદ ઝુ ખાતે મોકલાયા છે સિંહ

આજે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સોરઠના એશિયાટીક લાયન વિશ્ર્વ વિખ્યાત છે. સિંહ અને માનવ વચ્ચે સ્વભાવ સુમેળ થવાના કારણે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એશિયાટીક લાયનના પાર્ટીશિપેટીંગ બ્રિડીંગ સેન્ટરની માન્યતા ધરાવતા રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત ઝુ માં 1991 થી આજ સુધીમાં 49 સિંહ બાળનો જન્મ થયો છે. આજની તારીખે પ્રધ્યુમન પાર્ક ઝુ માં 5 નર સિંહ અને 11 માદા સિંહણ સાથે સિંહ પરિવાર વસવાટ કરી રહ્યો છે જે પાર્કની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Lion 6 રાજકોટમાં 1992માં ઝુ ની સ્થાપના કરવામાં આવી હતી. એશિયાટીક લાયનના બ્રિડીંગ માટે સક્કરબાગને કોર્ડીનેટીંગ ઝુ તરીકે માન્યતા પ્રાપ્ત થવા પામી છે. જ્યારે રાજકોટ ઝુ ને પાર્ટીશિપેટીંગ બ્રિડીંગ સેન્ટરની માન્યતા મળી છે. 29 વર્ષના સમયગાળા દરમિયાન રાજકોટ ઝુ માં કુલ 49 સિંહબાળનો જન્મ થયો છે. રાજકોટથી હૈદરાબાદ, લખનઉ, પંજાબ છતબીર પુર, મૈસુર, છત્તીસગઢ ઝુ અને અમદાવાદ ખાતે સાવજોને મોકલવામાં આવ્યા છે.

છેલ્લે વર્ષ 2016માં મોજ અને મસ્તી નામની સિંહણે સિંહ અર્જૂન સાથે સફળ સંવનન બાદ સિંહબાળને જન્મ આપ્યા હતા. જે હાલ પુખ્ત બની ચૂક્યા છે. ગિરના જંગલ વિસ્તારને એશિયાટીક સિંહોનો અંતિમ આશ્રય સ્થાન માનવામાં આવે છે. રાજ્યના 9 જિલ્લામાં સિંહો વસવાટ કરી રહ્યાં છે. 2020ની સિંહોની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં હાલ જંગલોમાં વિહરતા સિંહોની સંખ્યા 674 જેટલી થવા પામે છે.

રાજકોટનું વાતાવરણ સિંહોને માફક આવી ગયું હોય તેટલા માટે કહેવું યથાયોગ્ય છે કે, છેલ્લા ત્રણ દાયકામાં રાજકોટ ઝુ માં 49 સિંહબાળનો જન્મ થયો છે. બીજી તરફ એકપણ સિંહનું અકાળે મોત નિપજયું હોવાનો દાખલો બન્યો નથી જે પ્રસ્થાપિત કરે છે કે, રાજકોટ ઝુ માં સિંહોની સર્વોચ્ચ દેખભાળ કરવામાં આવી રહી છે.

Lion 2

મોજ અને મસ્તીએ સૌથી વધુ 16 સિંહબાળને જન્મ આપ્યો

રાજકોટ ઝુ માં જન્મેલી મોજ અને મસ્તી નામની સિંહણે સૌથી વધુ 16 સિંહબાળને જન્મ આપ્યો છે. આ બન્ને સગી બહેનોની ઉંમર હાલ 14॥ વર્ષની છે. છેલ્લે વર્ષ 2016માં મોજ અને મસ્તીએ સિંહબાળને જન્મ આપ્યો હતો. જેની ઉંમર હાલ સાડા ચાર વર્ષ જેવી પહોંચી જવા પામી છે. રાજકોટ ઝુ માં સાડા ચાર ર્વેથી લઈ સાડા 14 વર્ષની ઉંમર ધરાવે છે. સિંહ અર્જૂન સાથે મોજ અને મસ્તીનું સંવનન ખૂબજ સફળ રહ્યું છે.

નેચરલ ઈકો સીસ્ટમના બેલેન્સમાં સિંહનો મોટો ફાળો: ડો.હિરપરા

પ્રધ્યુમન પાર્ક ઝુ ના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, નેચરલ ઈકો સીસ્ટમના બેલેન્સમાં સિંહનો ખુબજ મોટો ફાળો રહેલ છે. સિંહની વસ્તીમાં વધારો થતાં આ બેલેન્સ જળવાઈ રહે છે. જો આવું ન થાય તો કાળીયાર, નિલગાય, સાબર સહિતના વન્ય પશુઓની સંખ્યામાં મોટો વધારો આવે અને આ પશુઓ ખેતી સહિત માનવ વસાહતમાં મોટી નુકશાની પહોંચાડે. સાંસણ ગીરમાં સિહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે  ખરેખર ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે. રાજ્યના 9 જિલ્લાઓમાં સિંહો વસવાટ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.