Abtak Media Google News

ઘેર-ઘેર તાવ, શરદી, ઉધરસના કેસના કારણે હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની કતારો

જામનગર શહેર-જિલ્લામાં વાયરલ રોગચાળાએ ભરડો લેતા ઘેર-ધેર તાવ, શરદી, ઉધરસના કેસના કારણે જી.જી. હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. શહેર-જિલ્લામાં ઓગષ્ટ મહિનામાં 15 દિવસમાં તાવના 2744 કેસ નોંધાયા છે. જુલાઇ મહિનામાં શહેરમાં 427 અને જિલ્લામાં 3171 સામાન્ય તાવના કેસ નોંધાયા હતાં. ભેજ, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

શહેર-જિલ્લામાં છેલ્લાં બે મહિનાથી વાયરલ રોગચાળો વકર્યો છે. જેના કારણે ઘેર-ઘેર તાવ, શરદી, ઉધરસના કેસના કારણે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાય રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમીના કારણે બેવડી ઋતુ અને ભેજના કારણે વાયરલ રોગચાળો વકર્યો છે. જુલાઇ મહિનામાં જામનગર શહેરમાં તાવ, શરદી, ઉધરસના 476 કેસ નોંધાયા હતાં. જયારે ઓગષ્ટ મહિનાના 15 દિવસમાં આ આંકડો 427 પર પહોંચ્યો છે.

જયારે જિલ્લામાં જુલાઇ મહિનામાં વાયરલ તાવના 3171 કેસ અને શરદીના 515 કેસ નોંધાયા હતાં. જયારે 15 ઓગષ્ટ સુધીમાં જિલ્લામાં તાવના 2317 અને શરદીના 211 કેસ નોંધાઇ ચૂકયા છે.જુલાઇ મહિનાથી વાયરલ રોગચાળો શરૂ થયો છે. જુલાઇમાં જિલ્લામાં 33 મેલેરિયાના અને ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા છે. ઓગષ્ટમાં વાયરલ રોગચાળો વકરતા તાવ, શરદી, ઉધરસના કેસનું પ્રમાણ ખૂબજ વધતા ધેર-ઘેર કેસ જોવા મળી રહ્યા છે.

વાયરલ રોગચાળાથી બચવા આટલું કરો

  • માસ્ક પહેરી રાખો
  • એલર્જી યુકત ખોરાક ન ખાવો
  • શરીરને માફક ખોરાક લેવો
  • એસી ફુલ ન રાખવું
  • તાવ, શરદી, ઉધરસના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.