Abtak Media Google News

‘મેઘ સમાન જલ નહીં’ કૃષિ પ્રધાન ભારતની કુલ વસ્તીના 80 ટકાથી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની વસ્તી પ્રત્યેક્ષ કે પરોક્ષરીતે ખેતી પર નિર્ભર છે. અલબત્ત દેશની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત હોવાથી દાયકામાં બે-ત્રણ વખત વરસાદની અનિયમિતતાથી અછત અથવા તો અતિવૃષ્ટિ કે કુદરતી આફતોના કારણે ખેડૂતોની ઉપજ આવતી નથી. કૃષિક્ષેત્રની આવક અનિશ્ર્ચિત હોવાથી આપણા દેશમાં કૃષિને ઉદ્યોગનો દરજ્જો અપાતો નથી. દેશના વિકાસદરમાં કૃષિ, ઉપજ અને આવક ખૂબ જ મોટી અસર કરતું પરિબળ હોવાથી ભારતના કૃષિ, સમાજ જીવન, સરકાર અને અર્થતંત્ર માટે નિયમિત, સમયસરનો અને પૂરતો વરસાદ અનિવાર્ય છે.

આ વખતે મેઘાના રૂંષણાથી ચિંતા ઉભી થઇ છે. વર્ષ-2021નું આ ચોમાસુ હજુ મન મુકીને વરસતું નથી અને વરસાદની ખેંચ ચિંતાનો વિષય બની છે ત્યારે સંપૂર્ણપણે કૃષિ આધારિત ખેતીને સૌથી વધુ મેઘરાજાનું ભારે પડે તે સ્વભાવિક છે. દેશના વિકાસદરની લક્ષ્યસિધ્ધી માટે ચોમાસુ ઉપજ મહત્વનું યોગદાન આપનાર હોવાથી વરસાદની ખેંચ જગતના તાતની સાથેસાથે દેશના અર્થતંત્ર માટે પણ ચિંતાનું વિષય બની શકે છે.

વરસાદ થાય તો ખેતીમાં સારી ઉપજ આવે, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય, અર્થતંત્રમાં ઉધમ અને નાણાંની તરલતાથી તેજી દેખાય, જો વરસાદ નબળો થાય તો બેરોજગારીથી શરૂ થતી સમસ્યા ધાન અને ખેતીના પેદાશની ઉપજની અછત સુધી લંબાઇ જાય. અછતના કારણે અર્થતંત્ર નબળું પડે અને સરકારને વિકાસ કામના નાણાં અછતનો સમય પસાર કરવા માટે વાપરવા પડે, વરસાદ અંગે કહેવત છે કે આપ સમાન બલ નહિં અને મેઘ સમાન જલ નહિં, વરસાદની અછત કોઇપણ સંજોગોમાં પૂરી ન શકાય. ખેતીમાં અછતની સાથેસાથે પીવાના પાણીની સમસ્યા પણ વરસાદના રૂંષણાથી વધુ વકરે, સરકારી પાણી પૂરવઠા, વ્યવસ્થા, સિંચાઇ યોજનાઓમાં પાણીનો સંગ્રહ, ચોમાસાને ધ્યાને લઇ કરવામાં આવે છે.

આ વર્ષની જેમ જો વર્ષારાણી રૂંષણા પર ઉતરી જાય તો વરસાદની અછત સૌપ્રથમ પીવાની પાણીને જ નડી જાય. આ વર્ષે હજુ સુધીના સમયગાળા દરમિયાન વરસાદ 30 થી લઇ 70 ટકા જેટલો ઘટમાં ચાલી રહ્યો છે. વરસાદ નહીં આવે તો રામમોલને મોટો ફટકો પડશે અને ડૂકી ગયેલાં જળાશયોના તળીયા દેખાઇ રહ્યાં છે ત્યારે વરસાદના રૂંષણા, પીવાના પાણીની સમસ્યા ઉભી કરે તો તંત્ર માટે પણ પડકારરૂપ બની શકે. વરસાદના રૂંષણા માત્ર જગતના તાતની જ ચિંતાનું કારણ બનતાં નથી. ઘરેલું અર્થતંત્રમાં પ્રવતર્તી નાણાં ખેંચ સામાજીક ચિંતાના કારણમાં બદલાઇ જાય છે. નાણાંની ખેંચથી સામાજીક, ધાર્મિક તહેવારો પણ નિરસ બની જતાં વાર લાગતી નથી. સારો વરસાદ થાય તો સર્વત્ર હર્ષ, આનંદ અને રૂપિયા વાપરવાનું જોમ ઉભું થાય. વરસાદના રૂંષણા માત્ર ખેતરોની મોલાતને જ મુરજાવતાં નથી. સામાજીક આનંદ અને લોકોના મોઢાનું નૂર પણ ચિંતાને કારણે છીનવી લે છે.

વરસાદને પ્રકૃતિની સૌથી મોટી કૃપા માનવામાં આવે છે. વરસાદથી જ બધું પ્રાપ્ત થાય, વરસાદ વિના કંઇયે જ ન વળે, પ્રકૃતિ, જીવસૃષ્ટિ, વનસ્પતિ, વસુંધરા, જળાશયોથી લઇ નાણાંની તિજોરૂઓ અને માનવીના મનમાં સંતોષ અને સલામતીનો વાસ વરસાદથી જ શક્ય બને છે. વરસાદના રૂંષણા સામાન્ય જનથી લઇ સરકાર, મા-બાપ અને સામાજીક વ્યવસ્થા સુધીના તમામને ચિંતા કરાવનારું બની રહે છે. કુદરતને પ્રાર્થના કરવાની રહી કે વરસાદની ખેંચ ન રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.