Abtak Media Google News

કાર્યપાલક ઇજનેર દ્વારા ડીપોઝીટ છુટી કર્યાનો એકરાર: રસ્તા અને પુલોના કામો સામાન્ય વરસાદમાં જ ધોવાઇ જતાં કૌભાંડ બહાર આવ્યું: ડીપોઝીટ છુટી કરવાના મુદ્દે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી

જિલ્લા પંચાયતની બાંધકામ શાખા કોઇને કોઇ મુદ્દે વિવાદમાં રહી છે જેમાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. જેમાં સરકારના ડીપોઝીટ અંગેના નિતીનિયમોનો ઉલાળીયો કરી કોન્ટ્રાકટરોને ડીપોઝીટ રીલીઝ કરી દેતા ભારે વિવાદ વકર્યો છે. એટલુ જ નહીં જે રસ્તાઓ ગેરેંટી પીરીયડમાં હોય તેવા રસ્તાઓમાં ભારે ધોવાણ થતાં બાંધકામ વિભાગની પોલ ખુલી હતી. અને જેના રીપેરીંગના મુદ્દે કોન્ટ્રાકટરની ડીપોઝીટ છુટી કરી દીધી હોવાનું કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જોકે જિલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરે સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરી હોવાનો બચાવ કર્યો હતો.બાંધકામ વિભાગ દ્વારા સરકારના નિયમ મુજબ કોન્ટ્રાકટર દ્વારા ડીપોઝીટની રકમ ભરવામાં આવતી હોય છે.

આ ડીપોઝીટની રકમ એજન્સીના કામની સમય મર્યાદા ગેરેટીં પીરીયડની જ્યાં સુધી હોય ત્યાં સુધી આ રકમ સરકારની એટલે કે જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં જમા રહે છે. આ ડીપોઝીટની રકમ છુટી કરવામાં આવતી નથી. આ ડીપોઝીટની રકમ જો છુટી કરવી હોય તો સરકારની મંજુરી લેવાનો નિયમ છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા અનેક એજન્સીઓએ વિવિધ પ્રકારના કામો કરેલ હતાં. જેમાં ખાસ કરીને રોડ અને રસ્તા અને પુલના કામો કરેલ હતાં. આ કામો તેની ગેરેટીં પીરીયડ પહેલા જ નુકશાન થયાની ફરિયાદો ઉઠી હતી. અને કામની ગુણવત્તા બાબત ઉપર પણ સવાલો ઉઠયા હતાં.

કેટલાક કામો તો થોડા વરસાદમાં ભારે નુકશાન પામ્યા હતાં. જ્યારે આ કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠતા અને મરામતનો પ્રશ્ર્ન સામે આવતા કોન્ટ્રાકટરના ગેરેટીં પીરીયડમાં આવતો હોય જેથી કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે કામો શરૂ કરવા જણાવાયું હતું.ત્યારે ડીપોઝીટ કોન્ટ્રાકટરની છુટી થઇ ગઇ હોવાનો પર્દાફાશ થયો હતો. અને કોન્ટ્રાકટરની ડીપોઝીટ શા માટે છુટી કરી દેવાઇ તે અંગે તપાસના ચક્રો ગતિમાન થયા હતાં. પ્રશ્ર્ન ગ્રામજનોના

રસ્તાનો આવ્યો હતો. સરકાર દ્વારા જે કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે કામોની ગુણવત્તા નબળી રાખેલ હોવા છતાં કોન્ટ્રાકટરોની ડીપોઝીટ ગેરેટીં પીરીયડમાં છુટી કરી દેવાતા હવે આ કામોની મરામતનો પ્રશ્ર્ન અને સાથે ખર્ચની બાબત પણ ગંભીર બની છે.કોન્ટ્રાકટરની ડીપોઝીટ છુટી કરવા અંગેના પ્રશ્ર્નના જવાબમાં જિલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર આર.બી. ડામોરે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરની ડીપોઝીટ છુટી કરેલ છે એ વાત સાચી છે પરંતુ સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતી અનુસંધાને કોવીડની ગાઇડ લાઇન મુજબ આ ડીપોઝીટ છુટી કરેલ છે. જ્યારે જે કામમાં નુકશાની થયેલ છે તે કામોના રીપેરીંગ માટે વાર્ષિક આયોજન હાથ ધરીશુ અને બાંધકામ સમિતિ સાથે સંકલન કરી અને કામો કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.