Abtak Media Google News

અબતક, રાજકોટ

સારા વરસાદની વાર જોતા સૌરાષ્ટ્રવાસીઓ માટે વધુ એક આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સાયકલોનીક સરકયુલેશનના કારણે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો દરમિયાન આગામી સોમવારે ઉતર બંગાળની ખાડીમાં એક નવુ લો-પ્રેસર ઉદ્દભવશે જેની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં બુધવાર અને ગુરૂ વારે સાર્વત્રિત વરસાદ પડવાની આશા ઉભી થવા પામી છે. સરકયુલેશન નબળુ પડી ગયું છે. છતાં આગામી ચાર દિવસ લોકલ ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે. ચોમાસુ ૩૦મી સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે વરસાદની મોટાભાગની ખાધ સરભર  થઇ જાય તેવી સંભાવના પણ હાલ વર્તાય રહી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર સાયકલોનક સરકયુલેશન સિસ્ટમ નબળી પડી જવા પામી છે. આજથી નબળી પડી થવા પામી છે. આજથી વરસાદનું  જોર ઘટશે. આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કોઇ જ સંભાવના નથી. છતાં લોકલ ર્ફોમેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસવાનું શરુ થશે આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ઉતર બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર બની રહ્યું છે. જે ઉદભવ્યા બાદ ઉતર-પશ્ર્ચિમ તરફ મુવ કરશે જેની અસરના કારણે આગામી ૮ અને ૯ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રિત વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

૩૦મી સપ્ટેમ્બર સુધી નૈઋત્વનું ચોમાસુ સક્રિય રહેશે: વરસાદની મોટાભાગની ખાધ સરભર થઇ જશે: આગામી ચાર દિવસ લોકલ ફોર્મેશનની અસર તળે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે

હવામાન વિભાગના સુત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં ચોમાસાના પવનો પાછા ફરવાનું શરુ થઇ જતા હોય છે. પરંતુ આ વર્ષ હજી ચોમાસાની વિડ્રોલ  સ્થિતિ ઉભી થવા પામી નથી. આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધી ચોમાસુ સક્રિય રહે તેવી સંભાવના રહેલી છે. જુલાઇ અને ઓગષ્ટ માસમાં વરસાદની જે ખાધ રહેવા પામી છે તે સપ્ટેમ્બર માસમાં મોટાભાગે સરભર થઇ જાય તેવી સંભાવના હાલ દેખાય રહી છે. સ્થિતિમાં મોટાભાગે સુધારો જોવા મળશે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજયના ૧૦૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ધનેરામાં દોઢ, અબડાસા, મેધરાજ, ભાણવડમાં એક ઇંચ, જુનાગઢ, નડિયાદ, રાણાવાવ, માણાવદર અને પોરબંદરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો  હતો સાયકલોનીક સરકયુલેશન પસાર થઇ ગયું છે. હવે લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે.

ગુજરાતમાં આજ સુધીમાં સિઝનનો ૪૯.૬૨ ટકા વરસાદ પડી ગયો છે. કચ્છમાં ૪૮.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતમાં ૩૮.૬૮ ટકા, પૂર્વ-મઘ્યમ ગુજરાતમાં ૪૪.૩૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૮.૯૦ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૨૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. રાજકોટમાં પણ ગત મધરાતે વરસાદનું એક જોરદાર ઝાપટુ પડી ગયું હતું.

 

આજી, બ્રાહ્મણી, ઉમિયા સાગર સહિત ૬ ડેમોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં ચાર દિવસથી અવિરત મેઘ મહેર ચાલુ છે વરસાદનું જોર ઘટયું છે. છતાં છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક ચાલુ છે. રાજકોટમાં સંતોષકારક વરસાદ પડયો નથી છતાં આજી ડેમમાં પાણીની આવક થવા પામી છે. સૌની યોજના અંતર્ગત ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાય રહ્યું છે. જેના કારણે સપાટીમાં વધારો થઇ રહ્યો છે. આજી-૧ ડેમમાં ૦.૬૨ ફુટ, આજી-ર ડેમમાં ૦.૧૬ ફુટ, બ્રાહ્મણી-રમાં ૦.૯૮ ફુટ, ઉમીયા સાગરમાં ૦.૧૬ ફુટ, કાબરકામાં ૦.૧૬ ફુટ અને ફલકુ ડેમમાં ૦.૧૬ ફુટ નવા નીરની આવક થવા પામી છે.

નર્મદા ડેમની સપાટીમાં ૧૨ કલાકમાં ૨૫ સે.મી.નો વધારો

ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડેમની સપાટી વધી: હાલ ડેમની સપાટી ૧૧૭.૨૯ મીટર

ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતનાં જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમા વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો વધારો થયો છે. હાલ ડેમની સપાટી ૧૧૭.૨૯ મીટરે પહોચી જવા પામી છે.ગુજરાતભરમાં હાલ વરસાદની ખેંચ વર્તાય રહી છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ ન પડવાના કારણે રાજયની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમા પણ પાણીની આવક થવા પામી નથી. જેથી ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજય સરકાર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, નર્મદા ડેમનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવશે. છેલ્લા ત્રણેક દિવસથી ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ  થવા પામી છે. છેલ્લા ૧૨ કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો વધારો થયો છે. ૧૩૮.૬૮ મીટરે છલકાતા ડેમની સપાટી હાલ ૧૧૭.૧૯ મીટરે પહોચી જવા પામી છે. ઉપરવાસમાંથી ૧૮૯૭૧ કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ૪૭૪૦ કવુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમમાં નવા નીરની આવક થવાના કારણે વહીવટી તંત્ર સાથે ગુજરાતની જનતાએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.