Abtak Media Google News

રોજ દારૂ પીને ત્રાસ આપતો હોવાથી રાત્રીના નિંદ્રાધીન હાલતમાં ગળુ કાપી ઢીમ ઢાળી દીધું

હત્યા કરી પત્ની આખી રાત પતિ પાસે બેઠી રહી

અબતક, દર્શન જોશી

જુનાગઢ

જૂનાગઢ શહેરના એક યુવાન ધારાશાસ્ત્રીનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળ્યાની ગણતરીની કલાકોમાં જ, પોલીસે આ ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને આ વકીલની હત્યા કરનાર તેની જ પત્ની હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જૂનાગઢ શહેરના મંગલધામ બે વિસ્તારમાં ગરબી ચોકમાં રહેતા એક વકીલનો મૃતદેહ તેના ઘરમાંથી જ ગત સવારે મળતાં ચકચાર મચી જવા પામી હતી. ઘરમાંથી મળેલા વકીલના મૃતદેહ પર છરીના ઘાના નિશાન હોવાથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા, વકીલની હત્યા થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામેે આવ્યું હતું. અને આ હત્યામાં વકીલના ખૂબ જ નજીકના અથવા ઘરનું જ કોઈ ઘાતકી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

દરમિયાન આ હત્યા અંગે જૂનાગઢ વિભાગીય ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જૂનાગઢના મંગલધામ બે વિસ્તારમાં રહેતા વકીલ નિલેશભાઈ દાફડા (ઉં.વ. ૩૦) નો ગત રાત્રિના સમયમાં તેમના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, અને આ અંગે મૃતકના પત્ની કાજલબેનએ મૃતકની બહેનોને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી કરી, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના હત્યાનું હોવાનું અનુમાન થઈ રહ્યું હતું, અને ઝીણવટ ભરી તપાસમાં વકીલની હત્યા કોઈ નજીકની વ્યક્તિ કે ઘરનો જ કોઈ ઘાતકી હોય તેવું જણાતા વકીલની પત્ની, વકીલના નજીકના મિત્રો તથા પરિવારજનોની ઝીણવટ ભરી તપાસ અને પૂછપરછ હાથ ધરાય છે, અને આ બાબતે વકીલની પત્ની અને અન્ય બે શખ્સોને ગઈકાલે જ  રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે વકીલની પત્ની કાજલબેન શંકાના દાયરામાં આવી હતી.

દરમિયાન મરણ જનારના અમરેલી ખાતે રહેતા બહેન હેતલબેન સંજયભાઇ સોલંકી એ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મરણ જનાર નિલેશભાઇ દેવજીભાઇ દાફડા (ઉવ. ૩૮) ને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે મરણજનાર નિલેશભાઇ સાથે તેની પત્ની કાજલ ઝઘડાઓ કરતા જે વાતનુ મનદુ:ખ રાખી કાજલબેનએ મરણજનાર નિલેશભાઇ દેવજીભાઇ દાફડાને રાત્રિના સમયે છરી વડે બન્ને હાથમા તથા ગળામા ગંભીર જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યું છે.

ફરિયાદી હેતલબેન સંજયભાઇ સોલંકીની પોલીસે ફરિયાદ લઈ જૂનાગઢ વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પીીએસ.આઈ. જે.જે.ગઢવી એ આરોપી કાજલબેનની અટકાયત કરેલ છે. અને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

દરમિયાન પરિવારજનો માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મરણ જનાર નિલેશભાઈ અને તેની આરોપી પત્ની કાજલબેનને પાંચ વર્ષનો પુત્ર તેમજ બે વર્ષની પુત્રી હતી અને આ પરિવાર સાથે રહેતો હતો. જ્યારે મરણ જનારના પિતાનું તાજેતરમાં એપ્રિલ માસમાં ન્યુમોનિયાથી અવસાન થયું હતું જ્યારે તેની માતા અલગ મકાનમાં રહેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.