Abtak Media Google News

કલેકટર કચેરી ખાતે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક, જિલ્લામાં થયેલી નુકસાનીની ઝીણવટભરી વિગતો મેળવી 

પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મુખ્યમંત્રી રાજકોટની મુલાકાત, ભાજપ અગ્રણીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર આપ્યો આવકાર

અબતક, રાજકોટ  : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બપોર બાદ રાજકોટની મુલાકાતે પધાર્યા છે. અહીં તેઓએ લોધિકા પંથકમાં પુરથી થયેલા વિનાશનું નિરિક્ષણ કર્યું હતું. સાથે કલેકટર કચેરી ખાતે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં થયેલી નુકસાનીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. અને અધિકારીઓને જરૂરી આદેશો પણ કર્યા હતા.

રાજકોટ અને જામનગરમાં ગઈકાલે પુર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જેને લીધે હજારો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઉપરાંત અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હોય એનડીઆરએફ, નેવી, એસડીઆરએફ તેમજ સ્થાનિક સુરક્ષા દળોની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી લોકોના જીવ બચાવ્યા હતા. આ દરમિયાન નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની તમામ વિગતો મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે જ મુખ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. ત્યાં જ ગઈકાલે સૌરાષ્ટ્ર ઉપર કુદરતી આફત આવી પડી હતી. આ દરમિયાન તેઓએ સતત વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી જરૂરી સૂચનો આપ્યા હતા. ગઈકાલે 6 હેલિકોપ્ટરને પણ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. તેના દ્વારા ફસાયેલા લોકોને એરલીફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતા.

ગઈકાલની પુરની સ્થિતિથી સર્જાયેલી નુક્સાનીનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ બપોર પછી 4 વાગ્યાના અરસામાં રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ડીડીઓ દેવ ચૌધરી, એસપી બલરામ મીણા સહિતના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જિલ્લાની પરિસ્થિતિની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

ત્યારબાદ તેઓએ લોધિકા પંથકની બાય રોડ વિઝીટ કરી હતી. આ વેળાએ અધિકારીઓ પણ તેમની સાથે રહ્યા હતા. તેઓએ પુરગ્રસ્ત વિસ્તારનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેઓ પૂરગ્રસ્ત લોકોને પણ મળ્યા હતા. તેઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમની મુશ્કેલી પણ જાણી હતી. તેઓએ પુરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.