Abtak Media Google News

રૂદ્ર સંહિતા અનુસાર કઠોર અને કપરી તપશ્ચર્યાના અંતે જયારે ભગવાન સદાશિવે મા પાર્વતીની મનોકામના અનુસાર પ્રસન્નતા પૂર્વક તેમની સાથે પાણીગ્રહણ કર્યું , અને તેમને પત્નિના રૂપમાં અંગીકાર કરી, રહ્યા ચાલવાનો આગ્રહ કર્યો ત્યારે માતા પાર્વતીએ નારી શકિતની મહિમા અને ગરીમાં તથા ભારતીય સંરકૃતિની પરંપરા અનુસાર સઆદર ભગવાન શિવજીને કહ્યું, આપ પ્રથમ મારા પૂ.પિતાશ્રી હિમવાન પાસે જઈ, મારી લાગણીપૂર્વક માંગણી કરો મને વિશ્વાસ છે કે, આ માંગણીનો તેઓ સહર્ષ સ્વીકાર કરશે અને આપણા વિવાહની અનુમતિ આનંદપૂર્વક આપશે અને પૂર્ણ શાસ્ત્રોકત વિધિથી આપણા વિવાહ સંસ્કાર કરાવશે.

પરંતુ પ્રથમ આપે આપણી સંસ્કૃતિની અનુરૂપ મારા માતાપિતા અને ભાઈઓ પાસે મારા હાથની માગણી કરવી જોઈએ આ જ આદર્શ ગૃહસ્થજીવનની આધાર શિલા છે અને વિવાહ સંસ્કાર વિધિનો મહિમા છે. ગત જન્મમાં શાસ્ત્ર વિધિની અવહેલના કરી, મારા પિતા દક્ષે આપની સાથે લગ્ન કરવાની અનુમતિ આપી, પરિણામ સ્વરૂપ આપણને કેટલા કષ્ટ ઉઠાવવા પડયા એટલે, આ વખતે ભારતિય સંસ્કૃતિ અને વિવાહ સંસ્કારની સંપૂર્ણ વિધિથી હું આપની ગૃહસ્વામીની બનીશ. આમ પ્રથમ વિવાહ સંસ્કાર વિધિની પરંપરાનો પ્રારંભ થયો.

તો સાથો સાથ કંકોત્રી લખવાના રીવાજની પરંપરા પણ ત્યારથી જ આરંભાઈ. પાર્વતીજીના લગ્ન સંસ્કાર સાથે સપ્તઋષિયોની આજ્ઞા અનુસાર પર્વતરાજ હિંમવાને પ્રસન્નતા પૂર્વક પોતાના પુરોહીત (જે યજમાનનું પુરેપુર હિત જાળવે તે પૂરોહિત ) મહર્ષિ ગર્ગ પાસે ” લગ્નપત્રિકા ” લખાવી . અને એની સાથે અનેક સોગાદો સહિત ભગવાન ભોળાનાથને કૈલાશ પર્વત પર ખાસ અંગત વ્યકિતઓ અને સ્નેહીઓ સહીત આપવા ગયા , ભગવાન શંકરે પણ દરેકનો ઉચિત સ્વાગત કરી યોગ્ય દક્ષિણા આપી અને પ્રણયપત્રિકાનો સ્વીકાર કર્યો ત્યાર બાદ જ કૈલાસથી પરત આવી પર્વતરાજે માતા પાર્વતીના વિવાહની વિધિવત તૈયારી જોરશોરથી શરૂ કરી આમ ભગવાન ભોળાનાથ દ્વારા પ્રથમ વિવાહ સંસ્કાર વિધિની પરંપરા અને પ્રણયપત્રિકાની પ્રથમ શરૂઆત થઈ.– ધનશ્યામ ઠકકર, રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.