Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. ખાતેથી દોટનો પ્રારંભ

સ્વચ્છતા અને તેની જાળવણીમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ: સાંસદ મોહનભાઈ કુંડારીયા

‘સ્વચ્છતા અભિયાન’ થકી લોકોમાં સફાઈ અંગે જનજાગૃતિ કેળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ: ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

નહેરૂ યુવા કેન્દ્ર-રાજકોટ, કેન્દ્રીય રમત-ગમત અને યુવા પ્રવૃતિઓના વિભાગ, તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન અને પ્લોગિંગ રન નું ફ્લેગ ઓફ સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કરાવ્યું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે

ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં 31 ઓક્ટોબર સુધી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની આઝાદીને 75 વર્ષ થયા પછી પણ ગાંધીજીના વિચારો  શાશ્ર્વત રહી શક્યા છે અને રહેશે. ગાધીજીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી બાળકોથી લઈને વડીલોમાં સફાઈ અંગે જનજાગૃતિ કેળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા કુલપતિ વિજયભાઈ દેશાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડીંગ ખાતેથી શરૂ થઈને મુંજકા સર્કલ, આકાશવાણી સર્કલ,  પ્રમુખધામ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ થઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંપન્ન થઇ હતી.. રોજિંદા જીવનમાં શારીરિક ચુસ્તી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મેદસ્વિતા-આળસુપણું-તનાવ-ચિંતા-અન્ય રોગો વગેરેથી છુટકારો મળે તેવા શુભાશયથી આ દોડનું આયોજન કરાયું હતું.

જ્યારે પ્લોગિંગ રનનો ઉદેશ્ય જોગીંગ કે રનીંગના રૂટ પરનો કચરો ઉપાડીને થેલીમાં ભરી લેવાનો હતો, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને શારીરીક કસરતો પણ થાય. ઉપરોક્ત બંને રનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા તેની સંલગ્ન કોલેજના 380 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સાથે કલેક્ટર અને ડીડીઓએ પણ દોટ લગાવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નહેરૂ યુવા કેન્દ્રના ડીસ્ટ્રીકટ યુથ ઓફિસર સચિન પાલ, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાધેલા, જિલ્લા રમત-ગમત અધિકારી જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારિરીક શીક્ષણ વિભાગના નિયામક જતિન શાહ અને નેશનલ સર્વિસ સ્કીમ(એન.એસ.એસ.) વિભાગના કર્મચારી ડોબરીયા તથા વિવિધ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.