Abtak Media Google News

સોટી વાગે સમસમ….વિદ્યા આવે રમઝમ..

શિક્ષકે ઠપકો આપ્યા બાદ બાળકે કરેલા આપઘાત મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

શિક્ષકની જવાબદારી છે કે વિદ્યાર્થીને અનુશાસનના પાઠ શીખવવા. વારંવાર ઠપકો આપવો, તેની ક્રિયાઓ માતાપિતાના ધ્યાને મુકવી. ગુરુ આ બધું વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે.  જો કોઈ વિદ્યાર્થી તેનાથી કંટાળીને આત્મહત્યા કરે છે, તો શિક્ષક તેને ઉશ્કેરવા માટે જવાબદાર ગણી શકાય નહીં તેવું સુપ્રીમે નોંધ્યું છે.  સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજસ્થાનના એક શિક્ષક સામે ફોજદારી કેસ રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

ન્યાયમૂર્તિ એસ.અબ્દુલ નઝીર અને ક્રિષ્ના મુરારીની ખંડપીઠે કહ્યું કે, શાળામાં શિસ્ત હોવું જ જોઈએ, શિક્ષકે જે પણ કર્યું તે શાળાની શિસ્ત જાળવવા અને બાળકમાં સુધારો લાવવા માટે જરૂરી હતું.  જો બાળક એટલું સંવેદનશીલશીલ હોય અને તે આપઘાત જેવા કોઈ પગલાં લે અથવા તો કોઈ ખોટું પગલું ભરે તો તેના માટે શિક્ષકને જવાબદાર ઠેરવી શકાય નહીં તેવું સુપ્રીમે નોંધ્યું છે.

એક ૧૪ વર્ષીય બાળક કે જેણે જેણે વારંવાર ક્લાસ બંક કર્યા હતા, તેને શાળામાં ઠપકો આપ્યા પછી અને તેના પરિવારના સભ્યોને આ વિશે જાણ કર્યા પછી બાળકે આત્મહત્યા કરી લીધી હતી. તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, શિક્ષકના ઠપકાથી દુખી થઈને તેણે આ પગલું ભર્યું હતું.  સ્યુસાઈડ નોટના આધારે મૃતકની માતાએ શિક્ષક વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ એફઆઈઆર નોંધાવી હતી.  શિક્ષકે રાજસ્થાન હાઇકોર્ટમાં કેસ રદ્દ કરવા અપીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.  ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ખંડપીઠે કહ્યું કે, શાળા સંચાલન સતત અનુશાસન તરફ આંખ આડા કાન કરી શકતું નથી.  આ કિસ્સામાં પણ આત્મહત્યા માટે ઉશ્કેરવાના પુરાવા તરીકે કશું જ બન્યું નથી.  શિક્ષકે વર્ગને બંક મારતા વિદ્યાર્થીને આવું કરવા માટે મનાઈ ફરમાવી હતી.  ઘણી વખત જણાવ્યા પછી પણ તે સહમત ન થતાં તેણે આચાર્યને જાણ કરી અને તેણે બાળકના માતા -પિતાને બોલાવ્યા.  આમાં એવું કંઈ નથી જેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનું કારણ માનવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.