Abtak Media Google News

કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો વધુ એક અખતરો

અગાઉ લેબોરેટરીમાં નોકરી કરતા કોમ્પ્યુટર એન્જિનિયરે કોઇપણ જાતની ડિગ્રી વગર પોતાની લેબોરેટરી શરુ કરી દીધી: એસ.ઓ.જી.ને બોગસ ગ્રાહક મોકલી ભાંડો ફોડયો

અબતક, રાજકોટ

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી બાદ નકલી ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે પોલીસ તંત્ર આવા બોગસ ડોકટરો સામે ક્રમશ કામગીરી કરી રહ્યા છે ત્યારે શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં છેલ્લા છ માસથી ધમધમતી બોગસ લેબોરેટરી  મળી આવતા પોલીસે સંચાલકની ધરપકડ કરી બ્લડ ટેસ્ટીંગના સાધનો કબ્જે કર્યા હતા.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના દેવપરા મેઇન રોડ પર જંગલેશ્ર્વર ખ્વાઝા ચોક પ્રણાલી આરોગ્ય કેન્દ્રની સામે અર્શ એપાર્ટમેન્ટમાં ચાલતી સ્પર્શ લેબોરેટરી પર એસ.ઓ.જી.ને મળેલ ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા લેબોરેટરી ચલાવતા જંગલેશ્ર્વર મેઇન રોડ પટેલ સોસાયટીમાં રહેતા ઇર્શાદ ફિરોજ નકાલી (ઉ.વ.ર3) પાસે મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટની માંગણી કરતા આરોપીએ કોઇપણ જાતના આધાર પુરાવા રજુ નહી કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે જંગલેશ્ર્વર વિસ્તારમાં બોગસ લેબોરેટરી ધમધમતી હોવાની એસ.ઓ.જી.ને માહીતી મળતા એક ડમી ગ્રાહક તૈયાર કરી સીબીસી અને સી.આર.પી.નો રિપોર્ટ કરાવવા મોકલ્યો હતો. જે રિપોર્ટ કરી આપવા ઇર્શાદે ડમી ગ્રાહક પાસેથી રૂ. 400 વસુલી રીપોર્ટ કરી આપ્યા બાદ દરોડો પાડવામાં  આવ્યો હતો.

પોલીસે છેલ્લા છ માસથી કોઇપણ જાતના આધાર પુરાવા વગર ધમધમતી લેબોરેટરીમાંથી બ્લડ ટેસ્ટીંગ મશીન, બ્લડ સીરીઝ, બ્લડ કલેકશન ટયુબ, કલીનીકલ સ્પીરીટ, જુદા જુદા પ્રકારની કિટ અને રોકડ રૂ. 1100 મળી કુલ 90,380 નો મુદામાલ કબ્જે કરી આરોપી સામે ગુનો નોંઘ્યો હતો.

પોલીસની પુછપરછમાં આરોપી ઇર્શાદ બી.સી.એ. (બેચરલ ઓફ કોમ્પુટર એપ્લીકેશન) નો અભ્યાસ કરેલ છે. અને અગાઉ લેબોરેટરીમાં નોકરી કરતો હોય ત્યાંથી લોહીના નમુનાનું ટેસ્ટીંગ કેવી રીતે કરાય તેની માહીતી મેળવ્યા બાદ છ માસ પહેલા પોતાની લેબોરેટરી શરુ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા લાગ્યો હતો.આ કામગીરી એસ.ઓ.જી.ના પી.આઇ. આર.વાય. રાવલ, પી.એસ.આઇ. એમ.એસ. અંસારી,  એ.એસ.આઇ. બી.પી. સોલંકી, ભાનુભાઇ મિયાત્રા, સુભાષ ડાંગર, સહીતના સ્ટાફે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.