Abtak Media Google News

માનવ સમાજ, ધર્મ સંહિતા અને સંસ્કૃતિમાં આરંભથી લઇ અત્યાર સુધી સદાચારને સત્ય અને હંમેશા સાચવી રાખવાનો માનવ ધર્મ માનવામાં આવે છે. સદાચારને દુરાચાર પર વિજય અપાવવો હોય તો કલયુગમાં પણ ભગવાન રામના સંસ્કારો સંજીવની જેવા બની રહે છે. દશેરાનો તહેવાર આમ તો આસૂરી શક્તિ પર દૈવીશક્તિના વિજયના આનંદ ઉત્સવ તરીકે માનવામાં આવે છે. સાંપ્રદ સમાજમાં આસૂરી શક્તિ અનેક રૂપમાં પડેલી હોય છે. જેમ કે ક્રોધ, અસત્ય, વેર, ઇર્ષ્યાભાવ, દુ:ખ, આળસ, કોઇપણ આંતરિક બૂરાઇના રૂપમાં પડેલી આ આસૂરી શક્તિ સામે યુધ્ધ કરી તેના પર વિજય મેળવવો પણ આત્મવિજય ગણાય. આખુ વર્ષ કોઇપણ રૂપમાં વ્યક્તિની અંદર પડેલી ખરાબીઓનો ખાત્મો કરી આત્મશુધ્ધ બનીને જે વિજય મનાવવો જોઇએ તે ગમે ત્યારે દશેરાની ઉજવણીથી જરાપણ કમ નહીં થાય.

આંતરિક અવગુણો પર વિજય મેળવીને જ તમામ ઇન્દ્રીયો ઉપર રાજ કરી શકાય. દુરાચાર પર સદાચારનો વિજય પૌરાણિક કાળની જેમ અત્યારે પણ આવશ્યક છે પણ રાવણના દશ માથાની જેમ પ્રવર્તમાન સમયના સામાજીક પડકારો, ક્રોધ, અસત્ય, વેર, ઇર્ષ્યા, દુ:ખ, આળસ, કપટ, ભોગવિલાસ અને અન્યની ખરાબ ભાવનાઓને પોષણ આપવા જેવી દશ બદીઓ અત્યારે સમાજમાં રાવણના દસ માથાની જેમ જ સમાજ માટે અભિશાપ બની રહી છે. આ માટે મનની શક્તિના શસ્ત્ર આત્મશક્તિ અને સત્યના આચરણથી કલયુગના રાવણ સામે દરેક વ્યક્તિને રામ બની યુધ્ધ કરવાની અત્યારે ફરજ પડી છે. રાવણરૂપી આસૂરી શક્તિઓને મ્હાત આપવી હોય તો આજે પણ અક્ષર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના સંસ્કારોના આચરણની જરૂર પડે છે. કલયુગના આ યુગમાં આસૂરી શક્તિનો વધ કરવો દરેક માટે આવશ્યક બન્યો છે.

ધાર્મિક કાર્યક્રમ અને તહેવારોની ઉજવણી માત્રને માત્ર પરંપરા, રિવાજ અને માન્યતા પૂરતું સિમિત નથી. તેના પૂણ્યફળ પામવા હોય તો તેનો મર્મ માત્ર ક્રિયાઓમાં નહિં જીવનના આચરણમાં પણ ઉતારવું જોઇએ. દશેરાને વિજયની ઉજવણીના રૂપમાં બનાવવામાં આવે છે. ઉજવણીનો મર્મ દરેક માટે અલગ-અલગ હોય છે. ખેડૂતો માટે નવી ઉપજ ઘેર લાવવાની ખુશી કર્મયોગીઓ માટે ઓજારોની પૂજા, સૈનિકો માટે શસ્ત્રોની પૂજાની પરંપરા પાછળ પણ એક જ કારણ હોય છે અને તે છે બૂરાઇ પર ભલાઇનો વિજય. ખેડૂતો માટે મહેનતની વિજય, સૈનિકો માટે દુશ્મન ઉપર ફતેહનો વિજય બની રહે છે.

દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આજે પણ સમાજમાં અનેક આસૂરી શક્તિઓ અને મનના રાગદ્વેષના રૂપમાં રાવણ આપણાં વચ્ચે જ છે. તેના વધ માટે દરેકે સ્વયંમ રામ નહિં પણ રામમય બનીને જીવનમાં દરરોજ આસૂરી શક્તિ સામે વિજયના રૂપમાં દશેરા જેવો આનંદ લેવો જોઇએ. દશેરા જેવા તહેવારો સામાજીક સંબંધો, પારીવારિક ભાવના અને ભાઇચારાને મજબૂત બનાવવાનો અવસર આપે છે. જે સમાજમાં માનવ-માનવ વચ્ચે સાત્વિક, મૈત્રાચારી, મનમાં પડેલી ધૂણા અને વેરના મેલને સાફ કરી એકબીજાને અપનાવીએ તે જ સાચું જીવન છે. દરેક ધાર્મિક માન્યતાઓ પાછળ એક જ ભાવના હોય છે અને તે છે પ્રેમ અને સદાચારની ભાવના. તહેવારો એકતાની શક્તિની યાદ અપાવે છે. જેને માનવી સમય-સમયે ભૂલતો જાય છે ત્યારે તહેવારો સમાજની જરૂરીયાતને યાદ દેવડાવશે. સમાજમાં પડેલાં અનિષ્ઠરૂપી રાવણનો વધ કરવા સ્વયંમ રામમય બની જશું ત્યારે દરરોજ દશેરા જેવી ખુશી મળતી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.