Abtak Media Google News

રાહુલ- પ્રિયંકાની રમતમાં પંજાબ કોંગ્રેસના હાથમાંથી ગયું? 

ખેડૂત આંદોલનનો સુખદ અંત લાવીને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર આપીને સમગ્ર પંજાબમાં છવાઈ જવાનો અમરીંદર સિંઘનો તખ્તો તૈયાર

અબતક, નવી દિલ્હી : રાહુલ- પ્રિયંકાની રમતમાં પંજાબ કોંગ્રેસના હાથમાંથી ચાલ્યું જાય તેવી દહેશત ઉભી થઇ છે. કારણકે કોંગ્રેસ સામે જંગે ચડેલા કેપ્ટને નવી પાર્ટી બનાવીને ભાજપ સાથે હાથ મિલાવી પંજાબનો ગઢ સર કરવાનું એલાન કરી કોંગ્રેસ ઉપર તોપ તાંકી છે. બીજી તરફ ખેડૂત આંદોલનનો સુખદ અંત લાવીને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર આપીને સમગ્ર પંજાબમાં છવાઈ જવાનો અમરીંદર સિંઘનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ચૂકેલા કેપ્ટન અમરિન્દર સિંઘે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવશે. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠકરાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડુતો સહિત પંજાબ અને તેમના લોકોના હિતોની સેવા માટે જલ્દી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવશે. કેપ્ટને ભાજપ સાથે સશર્ત ગઠબંધન કરવાની પણ વાત કરી છે. સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટને નવી પાર્ટી બનાવાના સંકેત આપ્યા હતા.

પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું કે, જો આગામી વર્ષની શરૂઆતમાં યોજનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડુતોના હિતમાં ત્રણેય કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનું સમાધાન કરી દેવામાં આવે તો તેઓ ભાજપ સાથે સીટો શેર કરવા પર વિચાર કરશે. તેઓએ કહ્યું કે, તેઓ સમાન વિચારધારા ધરાવતા દળો જેવા અલગ થયેલા અકાલી સમૂહો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા સમૂહની સાથે ગઠબંધનની સંભાવના પણ જોઈ રહ્યાં છે.

અમરિન્દર સિંઘે કહ્યું કે, જ્યાં સુધી હું અમારા લોકો અને અમારા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત નથી કરી લેતો, ત્યાં સુધી આરામથી બેસીસ નહીં. પંજાબને રાજકીય સ્થિરતા અને આંતરીક તથા બહારના ખતરાથી સુરક્ષાની જરૂર છે. હું આપણાં લોકોને વચન આપું છું કે, એની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ બધું જ કરીશ કે જે આજે દાવ પર લાગેલું છે.

ઉલ્લેખનીય કે, સીએમ પદથી હટ્યા બાદ ગઈ 30 સપ્ટેમ્બરે કેપ્ટન અમરિન્દર સિંઘે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. અમરિન્દર સિંઘે એવું પણ કહ્યું હતું કે, તેઓ ભાજપમાં નથી જોડાઈ રહ્યાં. એ સમયથી જ અટકળો વહેતી થઈ હતી કે તેઓ જલ્દી પોતાની પાર્ટી બનાવી શકે છે. અમરિન્દર સિંઘે 18 સપ્ટેમ્બરે પંજાબ કોંગ્રેસના સીએમ પદથી રાજીનામુ આપ્યુ હતુ. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અમરિન્દર સિંઘે કહ્યું હતુ કે, હું અત્યાર સુધી કોંગ્રેસમાં છું, પરંતુ આગળ જતા નહીં રહું. મેં પહેલેથી જ મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે મારી સાથે આવો વ્યવહાર ન કરવામાં આવે. હું કોંગ્રેસમાં 50 વર્ષથી છું. મેં કહ્યું કે, સૌને ખબર છે કે મારો પોતાનો મત છે અને સિદ્ધાંત છે.

50 વર્ષ બાદ મારી વિશ્વાસનીયતા ઉપર શંકા કરી : કેપ્ટન 

અમરિન્દર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે રીતે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો, સાડા દસ વાગે મને કોંગ્રેસ હાઈકમાન્ડ કોલ કરે છે કે તમે રાજીનામુ આપી દો. મેં એક વાર પણ ન પૂછ્યું કે કેમ? મેં તરત જ રાજીનામુ લખીને ચાર વાગે રાજ્યપાલને સુપરત કર્યુ. જે નિરીક્ષકો આવ્યા હતા તેઓએ તમામને કોલ કર્યા, પરંતુ સીએમ હાઉસમાં કોઈને ખબર ન પડી. જો 50 વર્ષ બાદ મારી વિશ્વસનીયતા પર શંકા થઈ રહી છે તો પછી કંઈ બચ્યુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.