Abtak Media Google News

સાંદિપની આશ્રમની મુલાકાત લઇ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સાથે સત્સંગ કર્યો

ઉપલેટા ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ આજે પોરબંદરના આંગણે પધાર્યા છે ત્યારે તેઓને સત્કારવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. પૂ. લાલબાપુનું સવારે આગમન થયું હતું ત્યારબાદ પૂ.લાલબાપુએ સાંદિપની આશ્રમની મુલાકાત લીધી હતી અને હરિ મંદિર ખાતે દર્શન કર્યા હતાં. ત્યારબાદ સુ.પ્રસિધ્ધ કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સાથે 20 મિનિટ સત્સંગ/વાર્તાલાપ કર્યો હતો.

પૂ.લાલબાપુ સાંદિપની આશ્રમથી રિવરફ્રન્ટ તરફ રવાના થયા હતા. જ્યાં રાજપૂત સમાજ દ્વારા વાજતે-ગાજતે, ઢોલ નગારા સાથે ભવ્ય સામૈયા કરાયા હતા. ત્યારબાદ ભવ્ય સ્કૂટર રેલી નીકળી હતી. જે શહેરના રાજમાર્ગો પર ફરીને છાંયા દરબારગઢ ખાતે પહોંચી હતી. જે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી. છેલ્લે પૂ.લાલબાપુએ તેમના કુળદેવી વિંદ્યાવસિનિ માતાજીને શીશ ઝુકાવી આર્શિવાદ મેળવ્યા હતાં.

પોરબંદરની પવિત્ર ભુમીને પૂજ્ય સંત લાલબાપુ પાવન કરશે. બે દિવસ સુધી પૂજ્ય લાલબાપુની ઉપસ્થિતિમાં શોભાયાત્રા અને ધર્મસભા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય લાલબાપૂ અને રાષ્ટ્રીયસંત રમેશભાઇ ઓઝા ધર્મસભાને સંબોધશે. આ ધાર્મિક ઉત્સવને લઇને પોરબંદરમાં ભક્તિસર છલકાયો છે.

સમગ્ર વિશ્વમાં સુદામાપુરી તરીકે જાણિતા પોરબંદરની આ પાવન ભૂમિ ઉપર ગાયત્રી માતાના પરમ ઉપાસક અને ગધેથળ આશ્રમના પૂજ્ય લાલબાપુ પધારી રહ્યાં છે ત્યારે પોરબંદરમાં એક ધર્મ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના સૌરાષ્ટ્ર-કચ્છના ડાયરેકટર રાજભા જેઠવાના નિમંત્રણને માન આપી અને પૂજ્ય લાલબાપૂ પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે. તેમના કાર્યક્રમનું આયોજન જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા દ્વારા કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ દરેક સમાજ, સંસ્થાઓને જોડી અને આ ધર્મ ઉત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જ્ઞાતી-જાતીના ભેદભાવ વિના આ ધર્મઉત્સવ ઉજવવામાં આવશે. ગધેથળ આશ્રમના પરમ વંદનિય સંત સૌ પ્રથમ વખત આશ્રમની બહાર અને ખાસ કરીને પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે ત્યારે સમગ્ર શહેરીજનોમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પૂજ્ય લાલબાપૂના દર્શન કરવા માટે લોકો થનગની રહ્યાં છે. પૂજ્ય લાલબાપૂ પોરબંદરની પાવન ભૂમિ ઉપર પોતાના ચરણ મુકશે. રિવરફ્રન્ટ ખાતે તેમનું ભવ્ય અને ભક્તિરસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ ખાતેથી પૂજ્ય લાલબાપૂ રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝા સહિતના સંતો, મહંતો સાથેની એક શોભાયાત્રા નિકળી હતી.

જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે અને અનેક સ્થળોએ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથેની આ શોભાયાત્રામાં મહેર મણિયારો રાસ તેમજ ભજનની રમઝટ બોલાવી હતી અને આ શોભાયાત્રા છાંયા દરબારગઢ ખાતે પહોંચશે જ્યાં વિરામ પામી હતી. પૂજ્ય લાલબાપુ સહિતના સંતો, મહંતો દરબારગઢમાં બિરાજતા વિંઘ્યવાસીની માતાજીના દર્શન કર્યા હતાં. સાંજે પ કલાકે વાડી પ્લોટ ખાતે નવનિર્મિત રાજપૂત સમાજનું લોકાર્પણ પૂજ્ય લાલબાપૂના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે રાજપૂત સમાજ દ્વારા પૂજ્ય લાલબાપૂનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવશે. તા.ર8મી ઓક્ટોબરના રોજ સાંજે પ કલાકે ઓડદર રોડ ઉપર આવેલા રાજવી પાર્ટી પ્લોટ ખાતે એક ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય લાલબાપૂ, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સહિતના સંતો ધર્મસભાને સંબોધશે. આ પ્રસંગે પોરબંદરના દરેક હિન્દુ ધર્મના દરેક સમાજ અને મુસ્લિમ સમાજ તેમજ સંસ્થા દ્વારા પૂજય લાલબાપૂનું સ્વાગત કરવામાં આવશે. ધર્મસભાના પ્રારંભે રાજશાખા દ્વાર તિલકવિધિ કરવામાં આવશે.

આ ધર્મસભાનો દરેક લોકો ઘરબેઠા લાભ લઇ શકશે. આ ઉપરાંત આ ધર્મસભા માટે સુદામાચોકથી રાજવી પાર્ટી પ્લોટ સુધી ખાસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પૂજ્ય સંત લાલબાપૂ પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે ત્યારે તેમને વંદન સાથે આવકારવા શહેરના માર્ગો ઉપર બેનર અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. પોરબંદર આ ધર્મ ઉત્સવના રંગે રંગાઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.