Abtak Media Google News

અબતક, રાજકોટઃ

કોરોના વાયરસ સામે જીત મેળવી વૈશ્વિક મહામારીને નાબૂદ કરવા હાલ રસી અને નિયમ પાલન જ એક અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. કોરોના આવ્યો કે તરત જ રસી અંગેના સંશોધનનું શરૂ થઈ ગયા હતા. વિશ્વના મોટાભાગના દેશો, સરકાર તેમજ ડોક્ટર અને વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગી ગયા હતા. પરંતુ આ સાથે જ રસીની રસ્સાખેંચ પણ ઊભી થઈ હતી. 100 ટકા વિશ્વસનીયતાનો અભાવ, આડઅસર, કિંમત અને સંગ્રહક્ષમતાને લઈને તો રસીની રસ્સાખેંચ ખરા જ પણ આ સાથે રસીની પેટન્ટ, ટ્રેડમાર્કને લઈને પણ રસ્સાખેંચ શરૂ થઈ હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ભારતની હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલી રસી કોવેક્સિનને લઈ શરૂ થયેલી રસીની રસ્સાખેંચનો હવે અંત આવે તેમ લાગી રહ્યું છે.

જો કે ભારતના મોટા તહેવાર દિવાળી ટાણે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ભારતની સ્વદેશી રસી કોવેક્સિનની વિશ્વભરમાં બલ્લે બલ્લે થઈ જ છે પણ આ સાથે ગઈકાલે વિશ્વ આરોગ્ય સંગઠને કોવેક્સિનને મંજૂરી આપી દેતા ભારતની વધુ એક મોટી સિદ્ધિ વિશ્વ સામે પ્રસ્તુત થઈ છે. ડબ્લ્યુ.એચ.ઓ- વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ મંજૂરી આપતા હવે ભારતીયો કોવેક્સિન લઈને વિશ્વના ગમે તે ખૂણે કોઇપણ રોક ટોક વગર હરી ફરી શકશે..!! આનાથી હવે કોવેક્સિનને લઈ શરૂ થયેલી રસીની રસ્સાખેંચનો અંત આવે તેવી શક્યતા છે..!! જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંસ્થામાં ભારતની સ્વદેશી રસી કોવેક્સિનને મંજૂરી આપવાનો મામલો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતો. આને લઇ વિવાદ પણ શરૂ થયા હતા. ભારત બાયોટેકના ડો. પૂનવાલાએ અનેક વખત વિશ્વ આરોગ્ય સંસ્થાને રજૂઆતો પણ કરી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા મળતા કોવેક્સિન લેનારાઓને વિશ્વની મુસાફરીનો પીળો પરવાનો મળી ગયો છે..!! અત્યાર સુધી એવું હતું કે ઘણા ખરા દેશોમાં ભારતીયોને મુસાફરી કરવી અઘરી પડતી..!!
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ભારત બાયોટેકની મંજૂરીની ભલામણ કરી છે. આ ભલામણ ટેકનિકલ ગ્રુપ દ્વારા માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરવામાં આવી છે. વૈશ્વિક સંસ્થા દ્વારા રસીની મંજૂરીમાં વિલંબને લઈને ગયા મહિને ઓક્ટોબરમાં એક મોટું નિવેદન બહાર આવ્યું હતું, જેમાં ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે તેને ભારત બાયોટેકની રસી વિશે હજુ વધુ માહિતીની જરૂર છે, જેથી રસીનો ઉપયોગ કરી શકાય. કટોકટીના ઉપયોગ માટે તેને મંજૂરી આપવામાં આવે તે પહેલાં તેનું સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે.

WHO દ્વારા કોવેક્સિનને માન્યતા મળતા શું ફાયદો થશે..?

WHO દ્વારા ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરીથી ભારતીય નાગરિકોને સૌથી વધુ ફાયદો થશે. ભારતીયો વિશ્વના ગમે તે ખૂણે રોકટોક વગર હરી ફરી શકશે. વિશ્વની મુસાફરી માટે ભારતીયોને પીળો પરવાનો મળ્યો છે. વિશ્વના લગભગ તમામ દેશોમાં, WHO દ્વારા કોવિડ રસી આપમેળે મંજૂર કરવાનો નિયમ છે. આવી સ્થિતિમાં, રસીના બંને ડોઝ લેતા નાગરિકોએ હવે વિશ્વના કોઈપણ દેશમાં મુસાફરી કરતી વખતે ફરજિયાત ક્વોરેન્ટાઇનનો સામનો કરવો પડશે નહીં. અગાઉ, વિવિધ દેશો તેમના પરસ્પર સંબંધો અનુસાર રસીને મંજૂરી આપતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.