Abtak Media Google News

સૌના જીવનમાં વિકાસમાં શિક્ષણનું વિશેષ મહત્વ છે: શ્રેષ્ઠ નાગરિક ઘડતર અને ગુણવત્તાયુક્ત જીવન માટે શિક્ષણ લેવું જરૂરી: 21મી સદી જ્ઞાનની સદી હોવાથી જીવનમાં ડગલેને પગલે શિક્ષણની જરૂર પડે છે

આજના યુગમાં સૌ કોઇ તેની મહત્તા સમજીને તેના થકી સંર્વાંગી વિકાસ કરી રહ્યા છે ત્યારે હજી પણ ઘણાં નિરક્ષરો છે: 100 ટકા શિક્ષણનો લક્ષ્યાંક સિધ્ધ થશે ત્યારે જ આપણે સાચી પ્રગતિ કરી શકીશું

જીવના જીવવા માટે ક્વોલીટીસભર લાઇફ માણવા માટે સૌથી પ્રથમ શિક્ષણ આવશ્યક છે. શિક્ષણ વગર દુનિયાનો કોઇપણ માનવી વિકાસ ન કરી શકે. વિકસીત દેશોનો વિકાસ તેની પ્રજાના શિક્ષણના ઉંચા ગ્રાફ થકી છે. આપણાં દેશમાં 21મી સદીમાં પણ ઘણા મા-બાપો તેમની મહત્તા સમજતા નથી. જીવનમાં ડગલેને પગલે શિક્ષણની આવશ્યક ઉભી થાય છે. દેશનો કોઇપણ માનવી તેનો સંર્વાંગી વિકાસ શિક્ષણ થકી જ કરી શકે છે.

આજે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ની ઉજવણી થઇ રહી છે ત્યારે આપણાં દેશની શિક્ષણની સ્થિતિ વિશે ચિંતા અને ચિંતન કરવાનો સમય પાકી ગયો છે. આજે પણ આપણે બેટી પઢાવોના નારા લગાવીને જાગૃતિ ફેલાવવી પડે છે. શિક્ષણમાં ડ્રોપઆઉટનો રેશિયો પણ ચિંતાજનક છે. પ્રવેશોત્સવ વખતે 100 ટકા નવા નામાંકન તો કરીએ છીએ પણ તે છાત્ર ધો.10 સુધી પહોંચતો જ નથી અધવચ્ચે જ શાળા છોડી દે છે. જેના કારણોમાં આર્થિક મુશ્કેલી પ્રથમ ક્રમે આવે છે. ગરીબી પણ શિક્ષણ ન લેવામાં બાધા બને છે. આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના ને એટલે કે ધો.1 થી 8 સુધીના ને મફ્ત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ છે પણ આજે ઘણા મા-બાપ તેના સંતાનોને શાળાએ ભણવા મોકલતા જ નથી.

આપણા દેશમાં 11મી નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરીને લોકોને તેની મહત્તા, લાભો, વિકાસ બાબતે જાગૃત કરાય છે. આઝાદી બાદ આપણને આપણા પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદે મહત્વ સમજાવ્યું. તેમના જન્મ દિવસે દર વર્ષ આ દિવસની ઉજવણી કરાય છે. તેની જન્મજયંતી પર્વે 2008થી આપણે દિવસ સેલિબ્રેશન કરીએ છીએ. તમામના પ્રયાસો થકી આપણને થોડી સફળતા મળી છે પણ હજી લાંબી મજલ શિક્ષણને વિસ્તારવા માટે બાકી છે. આજના દિવસે સૌનો સંકલ્પ 100 ટકા શિક્ષણનો હોવો જોઇએ.

ગત્ વર્ષે દેશમાં નવી શિક્ષણ નિતિ-2020 અમલમાં મુકાઇ આગામી વર્ષોમાં સતત ઇમ્પિલીમેશન થતાં શિક્ષણમાં નવો બદલાવ આવી રહ્યો છે. શિક્ષકોને પણ પૂર્ણ સજ્જતા સાથે વિવિધ શિક્ષણ ટેકનીકની તાલિમ અપાઇ રહી છે. શિક્ષણની સાથે તેને રસમય બનાવવા સંગીત, ચિત્ર, રમત-ગમત જેવી ઇત્તર પ્રવૃતિને સાંકળીને છાત્રોના રસ, રૂચી, વલણો આધારિત શિક્ષણ વિકસાવાય રહ્યું છે. આજે નિરક્ષરોનું કશું જ સ્થાન નથી તે હવે બધા સમજી ગયા છે. નાગરિક ભણેલો હશે તો જ તેનો સંર્વાંગી વિકાસ શક્ય બની શકશે તેથી જ મા-બાપ ગમે તેમ કરીને છાત્રોને તેના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવી રહ્યાં છે.

આજે ‘શિક્ષણ’ દિવસે ક્ધયા કેળવણી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર પડી છે. ક્ધયા ભણશે તો જ તે તેનું મહત્વ સમજશેને તેના સંતાનોને શિક્ષણ અપાવશે. ભણેલી ક્ધયા બે ઘરને પ્રકાશિત કરે છે. અમુક એઇજ પછી ક્ધયાને મા-બાપો ભણાવતા નથી ને શાળા વચ્ચેથી છોડાવી દે છે જે એટલું જ નગ્ન સત્ય છે. આજના ઇન્ફરર્મેશન ટેકનોલોજીના યુગમાં ક્ધયાઓ પણ પુરૂષ સમોવડી બનવા થનગની રહી છે ત્યારે દરેક મા-બાપે તેની ક્ધયા સંતાનને શિક્ષણ માટે પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવો જ પડશે.

આજનો શિક્ષણ દિવસ ‘રજા’ જાહેર કર્યા વિના સતત અને સક્રિય કામગીરી શિક્ષણની થાય તેવો હેતુસભર છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષણના મુખ્યા આર્કિટેક્ટ ગણાય છે તેવો 1947 થી 1958 સુધી સતત 11 વર્ષ દેશના શિક્ષણ પ્રધાન રહ્યાં હતા. જે શિક્ષિત થઇ શકે છે એ જ વિકસિત થઇ શકે છે. માનવી શિક્ષણ થકી જ તેમનો વિકાસ કરી શકે છે. શિક્ષણ એટલે માનવમાં રહેલી તમામ સંભાવનાઓનો વિકાસ છે. કોઇ સમાજ, સંસ્કૃતિ કે રાષ્ટ્રનું પછાતપણુંએ આખરે તો તેમના શિક્ષણના જ પછાતપણાનું પ્રતિબિંબ છે. વિદેશોનો વિકાસ માત્રને માત્ર તેના શિક્ષણ થકી જ થયો છે. માનવી ધારે તો શિક્ષણ થકી જ મહાન બની શકે છે.

જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ આ ત્રણેય શબ્દની પાછળ જ્ઞાન શબ્દ આવે છે. હવેનો યુગ શિક્ષણ યુગ છે, અર્વાચીનકાળ કે આજનો સમય શિક્ષણની બોલબાલાનો છે. સમાજનો છેવાડાનો માનવી તેની મહત્તા સમજે તેવા બધાના પ્રયત્નો જ દેશને વિશ્ર્વગુરૂ બનાવશે.

આજનું શિક્ષણ વ્યવસાયલક્ષી સાથે વ્યવહારલક્ષી છે. શ્રેષ્ઠ શિક્ષણ થકી જ શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર થઇ શકે છે. આજનો છાત્ર આવતીકાલનો નાગરિક છે તેથી અત્યારથી તેમનામાં શ્રેષ્ઠ ગુણોનું સિંચન કરીને શ્રેષ્ઠતા આપવાની જવાબદારી સૌની છે.

આજે શિક્ષણ દિવસે અદ્યતન ટેકનોલોજી, દ્રશ્ય, શ્રાવ્ય સાધનો કે ઓનલાઇન શિક્ષણ સાથે ટીચીંગ, લર્નીંગ મટીરીયલ્સને કોમ્પ્યૂટર થકી શ્રેષ્ઠ ઇન્ફરર્મેશન ટેકનોલોજીના યુગમાં સૌ શિક્ષણ મેળવી રહ્યાં છે ત્યારે બધા જ મા-બાપોએ સંતાનોને ધો.12 અને બાદમાં તેની રસ, રૂચી, વલણોને ધ્યાને લઇને વિવિધ ડિગ્રી કે ડીપ્લોમાં ના કોર્ષ કરાવીને તેની કુશળતાનો લાભ દેશને અપાવવાનો છે.

આજે દેશમાં ઘણા તેજસ્વી તારલાઓએ દેશનું નામ વિશ્ર્વભરમાં રોશન કર્યું છે. એક વાત ‘બાળમજૂરી’ પણ શિક્ષણના વિકાસની આડે આવે છે. બધાએ હવે જાગવાની જરૂર છે. બાળકોને તેનું બચપણ અને તેને માટે શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધા પુરી પાડીને તેના વિકાસ સાથે દેશ વિકાસમાં દરેક નાગરિકે ફાળો આપીને શ્રેષ્ઠ કાર્ય કરવાની જરૂર છે.

વિદ્યા સર્વસ્ય ભૂષણમ્

પ્રાચીનકાળ કે આદિમાનવથી આજના માનવીનો ઇતિહાસ શિક્ષણ થકી જ બદલાયો છે. આજે આંગળીના ટેરવે આખી દુનિયા આપણે ટચુકડા ગેઝેટમાં લાવી શક્યા છીએ. માનવ જીવનમાં પરિવર્તન લાવવા શિક્ષણ જ અગત્યનું પાસું છે. માનવનું સાચુ ઘરેણું તેનું શિક્ષણ છે. વિદ્યા પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. શિક્ષણ થકી માનવી સમાજમાં શિસ્તબધ્ધ, વાણી-વર્તન કેળવીને શ્રેષ્ઠ નાગરિક બની શકે છે.

જાગૃત આવા નાગરિકો જ રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે પોતાની ફરજ બજાવીને દેશને ઉપયોગી થઇ શકે છે. જીવનમાં આપણે સૌ વિદ્યા વડે વિકસિત અને સુખ્ત થઇ શકીએ છીએ. શિક્ષણ વગર માનવીનું વાતાવરણ અંધકારમય બને છે તેને પ્રકાશ તરફ કે જ્ઞાનરૂપી અજવાળું શિક્ષણ થકી જ મળે છે.

આજે પણ આપણે હજી 100 ટકા શિક્ષણનાં લક્ષ્યાંકને હાંસલ કરી શક્યા નથી. આજે લાઇફ સ્કીલ શબ્દ બહુ જ ચલણમાં છે, જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂરી એવું કૌશલ્ય જે જીવન શૈલી સુધારતું શિક્ષણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.