Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશન નજીક જ ખાનગી વાહનો આડેધડ રાખી ટ્રાફિકને અડચણ ઉભી કરી રહ્યાં છે. કેશોદના નવદુર્ગા મંદિર પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડ પર મુસાફરો એસટી બસની રાહ જોવા ઉભાં હોય છે ત્યારે ખાનગી વાહનચાલકો પેસેન્જર બેસાડવા આડાં વાહનો ખડકી અડચણ ઉભી કરી રહ્યાં છે. કેશોદ બસ સ્ટેન્ડ પાસે અને ચાર ચોક ટાવર પાસે ટેક્ષી પાસિંગ વગરનાં વાહનચાલકોને મુસાફરો બેસાડવાનો પીળો પરવાનો આપ્યો હોય એવી રીતે કાયદાનો ઉલાળીયો થઈ રહ્યો છે.

કેશોદ બસ સ્ટેન્ડ પાસે ટેક્ષી સ્ટેન્ડ આવેલું છે પરંતુ ટેક્ષી પાસિંગ વાહનોને બદલે ખાનગી વાહનોનો ખડકલો કરી દેવામાં આવી રહ્યો છે અને આવાં વાહનોમાં ફીટ કરવામાં આવેલ સીએનજી ગેસ કીટ આરટીઓ માન્ય છે કે નહીં એની ચકાસણી પણ કરવામાં આવતી નથી..!! કેશોદ બસ સ્ટેન્ડ પાસે અને ચાર ચોક પીકઅપ સ્ટેન્ડ પાસેથી બેસાડવામાં આવતાં મુસાફરોને કારણે એસટી ડેપોને પણ નુકસાન થઈ રહ્યું છે.

ત્યારે હવે કેશોદ એસટી ડેપોનાં અધિકારીઓ દ્વારા પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કેશોદનું જવાબદાર તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા કાયદાનો દંડો ઉગામશે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ એની રાહ જોશે..? એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.