Abtak Media Google News

ન્યુઝીલેન્ડની અંતિમ જોડી પિચ પર ટકી જતા કાનપુર ટેસ્ટ ડ્રો જાહેર કરાયો

કાનપુર ટેસ્ટમાં બેટ્સમેન કે બોલર નહીં પરંતુ પિચ નિર્ણાયક બની હતી તેવું સાબિત થયું છે. જે પિચ પર ભારત અને ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેનોને ટુક-ટુક રમવામાં પણ સમસ્યાઓ આવી રહી હતી તે જ પિચ પર ભારત તો ઠીક પણ ન્યુઝીલેન્ડ ટીમની અંતિમ જોડીએ કમાલ કરી પરાજયને ખાળવામાં સફળ રહ્યા હતા.

કાનપુરની પિચ પર ક્યારે બોલ કંઈ રીતે ટર્ન થશે, ક્યારે પિચ સ્લો રીએક્ટ કરશે અને ક્યારે બાઉન્સ મળશે તેનો અંદાજ બોલર્સ કે બેટ્સમેનો આવતો જ ન હતો. ક્યારેક આ પિચ બેટ્સમેનો માટે સરળ બની જતી હતી તો ક્યારેક બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દેતી હોય તેવું સ્પષ્ટ જોઈ શકાતું હતું.

કાનપુર ટેસ્ટ મેચના પાંચમા દિવસે વિકેટ પર અસમાન ઉછાળ, વિલિયમસન, લાથમ અને ટેલર જેવા બેટ્સમેન આઉટ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ જીતી શકી ન હતી. કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના પૂંછડીના બેટ્સમેનોએ સંયમ અને ઉત્કૃષ્ટ રક્ષણાત્મક ટેકનિક દર્શાવીને પોતાની હાર ટાળી હતી. ભારતે ન્યુઝીલેન્ડની ૯મી વિકેટ ૮૯.૨ ઓવરમાં જ પાડી દીધી હતી પરંતુ રમતના અંત સુધી ટીમ ઈન્ડિયા તેની અંતિમ જોડીને આઉટ કરી શકી ન હતી.

ન્યૂઝીલેન્ડની છેલ્લી જોડી માત્ર બે ભારતીય મૂળના ખેલાડીઓ હતી, જેમણે ૫૨ બોલ સુધી વિકેટ પર પોતાના પગ રાખ્યા હતા અને તે પછી મેચ ડ્રો થઈ હતી.

વાત કરી રહ્યા છીએ રચીન રવિન્દ્ર અને એજાઝ પટેલની જેમણે ૫૨ બોલમાં ૧૦ રનની અજેય ભાગીદારી કરી હતી. બંને બેટ્સમેનોએ મુશ્કેલ પીચ પર આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની બોલિંગ રમી હતી અને તેમ છતાં પણ તેમની વિકેટ આપી ન હતી. રચિન રવિન્દ્રએ ૯૧ બોલમાં ૧૮ રન જ્યારે એજાઝ પટેલે ૨૩ બોલમાં ૨ રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે રચિન અને એજાઝ બંને ભારતીય મૂળના ખેલાડી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ રચિનની ટેસ્ટ ડેબ્યૂ હતી અને એજાઝ પટેલ પણ ભારતીય ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

રાહુલ દ્રવિડે દિલ જીત્યું: ફિલ્ડ સ્ટાફને પોતાના ખિસ્સામાંથી આપ્યા રૂ. ૩૫ હજાર

કાનપુર ટેસ્ટમાં પાંચ દિવસ માટે સ્પર્ધાત્મક પીચ તૈયાર કરવા માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમના કર્મચારીઓના કામની પ્રશંસા કરતા, તેમણે તેમના વતી પ્રોત્સાહક રકમ આપી હતી. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને કહ્યું કે દ્રવિડે મેદાનના સ્ટાફને ઈનામ તરીકે પોતાના ખિસ્સામાંથી ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં દેખીતી રીતે નિરાશા જોવા મળી હતી.

રાહુલ દ્રવિડ પણ હેડ કોચ તરીકેની પોતાની પહેલી જ ટેસ્ટમાં જીતથી વંચિત રહ્યો હતો, પરંતુ તેમ છતાં દ્રવિડે પોતાનું મોટું દિલ બતાવ્યું હતું. યુપીસીએ મેચ પુરી થયા બાદ ગ્રીન પાર્ક સ્ટેડિયમના પ્રેસ બોક્સમાં જાહેરાત કર્યા બાદ દ્રવિડની આ વાતની જાણકારી આપી હતી. યુપીસીએ એ કહ્યું, અમે સત્તાવાર જાહેરાત કરવા માંગીએ છીએ. રાહુલ દ્રવિડે અંગત રીતે અમારા ફિલ્ડ વર્કરોને ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.