Abtak Media Google News

અનામતના મુદ્દે કાયમી નહીં પણ કામચલાઉ કાંખઘોડી પકડાવાય!

નીટ-પીજી એડમિશન માટે ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોમાં અનામત મુદ્દે સુપ્રીમનો ચુકાદો જાહેર: 27 ટકા બક્ષીપંચ અને 10 ટકા

આર્થિક પછાત માટે અનામત રાખવાનો ચુકાદો વચગાળાનો રહેશે: ઈડબલ્યુએસ મુદ્દે માર્ચમાં થશે વિસ્તૃત સુનાવણી

 

અબતક, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે નીટ-પીજી એડમિશન માટે ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોમાં આર્થિક પછાત વર્ગને 10 ટકા અને ઓબીસીને 27 ટકા અનામત યથાવત રાખવાનો ચુકાદો જાહેર કર્યો છે જો કે, આ ચુકાદો વચગાળાનો છે હવે આગામી માર્ચ મહિનામાં ઈડબલ્યુએસ મુદે વિસ્તૃત સુનાવણી સુપ્રિમ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે તમામ પક્ષકારોને લેખિત દલીલો રજૂ કરવા

કહ્યું હતું. બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે અમે બે દિવસથી આ મામલે સુનાવણી કરી રહ્યા છીએ. અમને લાગે છે કે દેશહિતમાં કાઉન્સેલિંગ શર કરવું જોઇએ. કોર્ટે એ નક્કી કરવાનું છે કે ઈડબ્લ્યુએસ અનામત માટે વાર્ષિક 8 લાખ રૂપિયાની આવકમર્યાદા રહેશે કે નહીં? કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે

કોઇ નિયમ અધવચ્ચે નથી બદલાયો.

કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં નિટ પીજીના ઓલ ઈન્ડિયા ક્વોટામાં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઈડબ્લ્યુએસ આરક્ષણના અમલીકરણની તરફેણ કરી હતી. નિટ પીજીમાં અનામતને પડકારનારાઓએ ઓલ ઈન્ડિયા ક્વોટામાં અનામતના અમલીકરણનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે નિટ પીજી પરીક્ષાની પ્રક્રિયા શરૂ થયા પછી મધ્યમાં નિયમો બદલી શકાય નહીં. આ મામલાની સુનાવણી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેન્ચે કરી હતી.  કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઈડબ્લ્યુએએસ અનામત માટે વાર્ષિક આઠ લાખની આવકની મર્યાદાને યોગ્ય ઠેરવી હતી.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું જ્યારે નિટનું બ્રોશર બહાર પાડવામાં આવ્યું ત્યારે તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારના નિયમો મુજબ અનામત લાગુ થશે.  કાઉન્સેલિંગની શરૂઆત સમયે આરક્ષણની સ્થિતિની જાણ કરવામાં આવશે.  29 જુલાઈના રોજ, સરકારે નીટમાં યુજી અને પીજી અભ્યાસક્રમોના ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઓબીસી અને ઈડબ્લ્યુએસ આરક્ષણ લાગુ કરવાની જાહેરાત કરી હતી.  આ પહેલીવાર નથી જ્યારે સરકારે અનામતનો અમલ કર્યો હોય.

અગાઉ, આઈઆઇટી, એનઆઇટી અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ વગેરે જેવી કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી માટે 27 ટકા અને ઈડબ્લ્યુએસ માટે 10 ટકા આરક્ષણ લાગુ હતું.  મહેતાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો અગાઉનો એવો કોઈ નિર્ણય નથી જેમાં કહ્યું હોય કે પીજીમાં અનામત લાગુ નહીં થાય.  અરજદાર પ્રદીપ જૈનના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે નિર્ણય પીજી વિશે નથી, પરંતુ ડોમિસાઇલ આરક્ષણ વિશે છે.

કેન્દ્રએ 8 લાખની આવક મર્યાદા યોગ્ય ગણાવી

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સમિતિએ તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ વાર્ષિક આઠ લાખની આવકની મર્યાદાને યોગ્ય ગણાવી છે.  મહેતાએ કહ્યું કે વાર્ષિક આવકની આ મર્યાદા વ્યક્તિગત નથી, પરંતુ પરિવારની આવક મર્યાદા છે.  જો એક પરિવારમાં ત્રણ સભ્યો હોય અને ત્રણેયની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોય તો તે આર્થિક રીતે નબળા વર્ગમાં નહીં આવે. મહેતાએ કહ્યું કે તેઓ એક ભ્રમણા દૂર કરવા માગે છે કે નિટ પ્રક્રિયા શરૂ થયા પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઓબીસી અને ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવામાં આવી હતી,

પરંતુ એવું નથી.  અરજીકર્તાઓ દ્વારા જે ક્વોટાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે નિટના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સિવાય દરેક જગ્યાએ 2019 થી લાગુ થશે.

આવક મર્યાદા અઢી લાખ કરવાની અરજદારોની માંગ

બીજી તરફ, અરજદારોના વકીલ અરવિંદ દત્તરે જણાવ્યું હતું કે ઈડબ્લ્યુએસ માટે વાર્ષિક રૂ. 8 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે તે મનસ્વી છે.  આની પાછળ કોઈ અભ્યાસ નથી.  આ દેશમાં ઘણી વિવિધતાઓ છે.  આવક અને સંપત્તિની વાત કરીએ તો આખા દેશ માટે 8 લાખ વાર્ષિક આવકની સમાન મર્યાદા કેવી રીતે નક્કી કરી શકાય.  તેમણે કહ્યું કે કોર્ટે કલમ 142માં આદેશ આપીને 2.5 લાખની મર્યાદા નક્કી કરવી જોઈએ.

ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડોકટર્સએ પણ પ્રવેશ પ્રક્રીયામાં થતા વિલંબને કારણે કોર્ટના દ્વાર ખટખટાવ્યા

રેસિડેન્ટ ડોક્ટર્સના સંગઠન ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશને પણ કાઉન્સેલિંગ તત્કાલ શરૂ કરવાની માગ સાથે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. તેણે આ મામલે પડતર અરજીઓમાં પોતાને પક્ષકાર બનાવવાની ભલામણ સાથે કહ્યું કે પ્રવેશપ્રક્રિયાના અંતે ઓબીસી અને ઇડબ્લ્યુએસ અનામતના ધોરણોમાં ફેરફારથી ફાઇનલ સિલેક્શન પ્રોસેસમાં વધુ વિલંબ થશે. દર વર્ષે નીટ-પીજી દ્વારા 45 હજાર ઉમેદવારો પસંદ થાય છે.

વર્ષ 2021માં પ્રક્રિયા અટકાવી દેવાઇ છે. આ વર્ષે એક પણ જુનિયર ડોક્ટરનું એડમિશન ન થયું હોવાથી સેક્ધડ અને થર્ડ યરના પીજી ડોક્ટર્સ દર્દીઓને તપાસે છે. તેમણે દર અઠવાડિયે 80 કલાકથી વધુ કામ કરવું પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.