Abtak Media Google News

જીલ્લામાં કુલ 1845 જેટલા બેડ ઉપલબ્ધ: 14.31 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા 46 ઓકિસજન પ્લાન્ટ ઉભા કરાયા

 

અબતક, અતુલ કોટેચા

વેરાવળ

કોરોના વાયરસની ત્રીજી લહેરના સામાન્ય ચિહ્નનો જોવા મળી રહ્યા છે. આ સંભવિત ત્રીજી લહેરની દસ્તકને ખાળવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજનનો ખ્યાલ આપતા જિલ્લા વિકાસ અધિકારી  રવીન્દ્ર ખતાલે કહે છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા એક યોજનાબદ્ધ રણનીતિ સાથે આગળ વધી રહ્યુ છે. આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં કોરોના કે બિમારીના લક્ષણોના આધારે ચાર વર્ગમાં વિભાજિત કરે છે. આ માહિતીની આધારે કોરોનાના સંક્રમણનું ચિત્ર સ્પષ્ટ થાય છે. સાથે સાથે લોકોની સમયસર સારવાર પણ શક્ય બને છે. આ માટે જિલ્લામાં 1041 ટુકડીઓ કાર્યરત છે. જેના મારફત દરરોજ લગભગ 40 હજાર જેટલા ઘરોનો સર્વે કરવામાં આવે છે. ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવેલા તમામ લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જીલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાના આગોતરા આયોજનની જાણકારી આપી

ગીર સોમનાથ જિલ્લામાં બીજી વેવમાં 757 બેડ હતા. જેમાં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે 1088 બેડનો વધારો કરવામાં આવ્યો છે. આમ, કુલ 1845 જેટલા બેડ ઉપલબ્ધ રાખવામાં આવ્યાં છે. જેમાં 35 વેન્ટીલેટર સાથેના અને 1042 જેટલા ઓક્સિજન સુવિધાવાળા બેડ છે. ઉપરાંત બાળકો માટે 94 જેટલા બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 9 વેન્ટીલેટર અને 34 ઓક્સિજન સાથેના બેડનો સમાવેશ થાય છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેએ ઉમેર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં બીજી વેવમાં દૈનિક 11 થી  12 મેટ્રિક ટન ઓક્સિજનના જથ્થાની જરૂરિયાત હતી. તેની સામે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને દૈનિક 14.31 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સમગ્ર જિલ્લામાં કુલ 16 જેટલા ઓક્સિજન પ્લાન ઉભા કરવામાં આવ્યાં છે. આ 16 પ્લાન્ટમાં 12 જેટલા ઓક્સિજન પ્લાન્ટનું પીએમ કેર, એમએલએ ફંડ, સીએસઆર, એનજીઓ સહિતના અનુદાનમાંથી અને 4 ખાનગી હોસ્પિટલ્સ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, સમગ્ર જિલ્લામાં તમામ તાલુકા ઉપરાંત સીમર અને ડોળાસા ખાતે પણ એક-એક ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે. તેમજ 108 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 861 જેટલા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમ જિલ્લા વિકાસ અધિકરીશ્રીએ જણાવ્યું હતુ. સાથે જ તેમણે કોરોના મહામારીને મ્હાત આપવા સતર્કતાની સાથે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બહાર પડાવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યકની સાથે અનિવાર્ય હોવાનું ઉમેર્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.