Abtak Media Google News

ઇન્ટરનેશનલ એરપોર્ટના 20 કિમિ વિસ્તારમાં કંઈ પણ કરવા માટે ઍરપોર્ટ ઓથોરિટી પાસે એનઓસી લેવું પડશે

 

અબતક, રાજકોટ

રાજકોટની ભાગોળે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. આ એરપોર્ટ તૈયાર થઈ ગયા બાદ અનેક ફાયદાઓ થવાના છે. જો કે તેની સાથોસાથ રાજકોટની ભાગોળે અનેક નિયંત્રણો પણ મુકવાના છે. જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના 20 કિમિ વિસ્તારમાં કંઈ પણ કરવા માટે ઍરપોર્ટ ઓથોરિટી પાસે એનઓસી સર્ટિફિકેટ લેવું પડશે.

આજથી ત્રણ વર્ષ પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે એમ.ઓ.યુ. કર્યા હતા. જે મુજબ રાજકોટના હિરાસર નજીક 2500 કરોડના ખર્ચે 2500 એકરમાં 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે.

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કીલોમીટરની સ્પીડથી ઉડી શકે તેવા સી પ્રકારના એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.  આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.  2500 એકરમાં બની રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સીટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે.

આ એરપોર્ટના નિર્માણથી સૌરાષ્ટ્રના વિકાસનો એક નવો આયામ રચાશે તે નિશ્ચિત છે. પણ સામે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાથી રાજકોટની ભાગોળે અમુક પ્રતિબંધો પણ આવવાના છે. એરપોર્ટના નિયમ પ્રમાણે હીરાસર એરપોર્ટથી 20 કિલોમીટરના દાયરામાં કઈ પણ કરવા માટે એરપોર્ટ ઓથીરિટી પાસેથી એનઓસી લેવાનું રહેશે. સુરક્ષા માટે આવા નિયમો આવશે. એરપોર્ટથી 20 કિમિ સુધીના વિસ્તારમાં કોઈ પણ બાંધકામ કે હાઇરાઈઝ બિલ્ડીંગ બનાવવા માટે પ્રથમ એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લેવું પડશે. આ ઉપરાંત સામાન્ય મોબાઈલ ટાવરની ઉંચાઈ 81 મીટર જેટલી હોય છે. પણ 20 કિમિ સુધીના વિસ્તારમાં મોબાઈલ ટાવર 20 મીટર સુધીની ઊંચાઈના જ રહેશે. આ ઉપરાંત આ વિસ્તારમાં પવનચક્કી પણ નાખી શકાશે નહીં. આ નિયંત્રણો છેક કુવાડવા સુધી લાગુ પડવાના છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલ એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.  બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે. ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે

એરપોર્ટની નિર્માણની કામગીરી 24ડ્ઢ7 અવિરત ચાલી રહી છે, જેમાં 600 થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી.

એનઓસી સર્વિસ પ્રોવાઇડરો માટે મોટું માર્કેટ ઉભું થશે

હીરાસર એરપોર્ટના લીધે 20 કિમિ વિસ્તારમાં નિયંત્રણ મુકાવાના હોય, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એરપોર્ટ ઓથીરિટી પાસે એનઓસી લેવું ફરજીયાત બનવાનું છે.જેને કારણે એનઓસી સર્વિસ પ્રોવાઇડર માટે મોટુ માર્કેટ ઉભું થવાનું છે. આવી સેવા આપનારા પ્રોફેશનલની સંખ્યા શહેરોમાં વધશે.

હીરાસર આસપાસ જમીનના ભાવ ચાર ગણા ઉંચકાયા

હીરાસર ગામ આસપાસ અગાઉ એક એકર જમીનનો માત્ર 1 લાખ જેટલો જ ભાવ ગણવામાં આવતો હતો. આ વિસ્તારમાં જમીનનો ભાવ નીચો હતો. પણ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અહી આવતા ભાવ ઉચકાયા છે. હાલ અહીં જમીનના ભાવ એક એકરના રૂ. 4 લાખ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ જમીનના ભાવમાં અંદાજે 4 ગણો વધારો નોંધાયો છે.

શહેરને નિયંત્રણ ન નડે એટલે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે દુરનું સ્થળ પસંદ કરાઈ છે

સામાન્ય રીતે લોકોને પ્રશ્ન થતો હોય છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરની બહાર કેમ હોય છે. લોકોને શહેરથી 30 કિમિ જેટલું અંતર ખેડીને એરપોર્ટ સુધી પહોંચવું પડે છે. આ સવાલનો જવાબ એ છે કે જો શહેરની નજીક એરપોર્ટ બનાવવામાં આવે તો શહેરને અનેક નિયંત્રણનો સામનો કરવો પડે. સુરત શહેર આ જ સમસ્યાથી હાલ પીડાઈ રહ્યું છે.

1000 એકર જગ્યાની જરૂરિયાત, પણ એરપોર્ટ ઓથોરિટીએ 2500 એકર લીધી

મળતી માહિતી પ્રમાણે એરપોર્ટ ઓથોરિટીને હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે અંદાજે 1000 એકર જેટલી જમીનની જ જરૂર પડવાની છે. તેમ છતાં તેને અંદાજે 2500 એકર જેટલી વિશાળ જમીન રાજ્ય સરકાર પાસેથી લીધી છે. આટલી વધારાની જગ્યામાં ભવિષ્યમાં અનેક બીજી સવલતો પણ શરૂ કરવામાં આવનાર છે.

એક સપ્તાહમાં હીરાસર ગામનું સ્થળાંતર થયા બાદ એરપોર્ટની જગ્યા થશે ચોખ્ખી ચણાક

હીરાસર એરપોર્ટની હદમાં આવતા હીરાસર ગામનું સ્થળાંતર હજુ બાકી છે. આ ગામમાં અંદાજે 20 જેટલા કાચા પાકા મકાન છે. આ ગામને એકાદ સપ્તાહમાં સ્થળાંતર કરી દેવામાં આવશે. આ ગામના સ્થળાંતર બાદ એરપોર્ટ ઓથોરિટીને આપવામાં આવેલી તમામ 2500 એકર જગ્યા ચોખ્ખી ચણાક થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે.

હોટેલ- રેસ્ટોરન્ટ મોટા પ્રમાણમાં ખુલશે

હીરાસર એરપોર્ટના 20 કિમીના વિસ્તારના નિયંત્રણો આવવાના છે. સામે અનેક ફાયદા પણ થવાના છે. હીરાસરથી નજીકના વિસ્તારોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ મોટા પ્રમાણમાં ખુલશે. આ વિસ્તારમાં હોસ્પિટાલીટી ક્ષેત્ર ધમધમતું થઈ જશે. આસપાસના ગામના લોકોને વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ બનશે.

કેવા કેવા નિયંત્રણો હશે ?

1 કોઈ પણ બાંધકામ માટે એનઓસી લેવું પડશે

Construction2 હાઇરાઈઝ બિલ્ડીંગ માટે એનઓસી લેવું પડશે

High Rise

3 મોબાઈલ ટાવરની ઊંચાઈ માત્ર 20 મીટર સુધી જ રાખી શકાશે

Mobile Tower

4 પવનચક્કી નહિ નાખી શકાય

Windmill

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.