Abtak Media Google News

 

    અમર જવાનોને શ્રધ્ધાંજલિ, શ્ર્વાન-ગૌ માતાને રોટલી ભોજન સાથે કોરોનામાં અવસાન પામેલાને શ્રધ્ધાસુમન અર્પણ કરીને ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી: 8 ટન લોટમાંથી 11 હજાર રોટલી બનાવીને તે છાત્રો દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં અબોલ જીવને ભોજન કરાવ્યું

અબતક-રાજકોટ

શહેરમાં છેલ્લા 75 વર્ષથી શિક્ષણ કાર્ય કરાવતી અવ્વલ નંબરની શાળા વિરાણી હાઇસ્કૂલ દ્વારા તેના છાત્રોમાં વિવિધ ગુણોનું સિંચન થાય તે માટે વિવિધ પ્રવૃતિ પ્રોજેક્ટ કરાય છે. શિક્ષણની સાથે વિવિધ તહેવારની ઉજવણીમાં કંઇક નોખુ અને અનોખુ આયોજન વિરાણી હાઇસ્કૂલ વિશિષ્ટતા રહી છે. બાળકોમાં ભાઇચારો, સેવા, પ્રાણી પ્રેમ, ભારતીય સંસ્કૃતિની વિવિધ વાતો-ગુણોનું નિરૂપણ થાય તેવો હમેંશા હેતુ રહ્યો છે.

આજે સમગ્ર વિશ્ર્વ પાશ્ર્ચાત સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યું છે અને વેલેન્ટાઇન ડે ની ઉજવણીમાં મશગુલ છે ત્યારે વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા મૂલ્ય શિક્ષણના અને સંસ્કાર સિંચનના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી કરીને અબોલ જીવ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી યથાશક્તિ રોટલી લાવી શાળામાં એકત્રિત કરી હતી તેમજ શાળામાં પણ રોટલી બનાવવામાં આવી હતી.Dsc 2123 Scaled

અંદાજે 11 હજાર રોટલીઓ વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શ્ર્વાનોને તથા ગૌશાળામાં ગાયોને સ્વહસ્તે ખવડાવીને ‘દરેક જીવમાં શિવ છે’ના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું. 14 ફેબ્રુઆરી-2019ના રોજ પુલવામાં એટેકમાં શહીદ થયેલા સૈનિકો તથા કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્વાંજલિ અર્પણ કરી વિદ્યાર્થીઓએ આ જીવદયા સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સતકાર્યમાં તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા ટ્રસ્ટના પ્રમુખ જયંતભાઇ દેસાઇ તથા સી.જે.ગ્રુપના ચેરમેન ચિરાગભાઇ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની આ પ્રવૃતિને બીરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.