Abtak Media Google News

કમ્પ્યુટર, બોગસ સર્ટી, રબ્બર સ્ટેમ્પ અને પ્રિન્ટર સહિત રૂ.34 હજારનો મુદામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ

અબતક,રાજકોટ

રાજકોટના નાના મવા રોડ પર પીજીવીસીએલ પાસે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની ઓફિસ શરૂ કરી જેઓને એન્જિનીયરીંગનો કે મિકેનિકનો અભ્યાસ કર્યો ન હોય તેવી વ્યક્તિઓને રૂા.15 થી 20 હજારમાં બોગસ ડીગ્રી આપી છેતરપિંડી કરતા ભેજાબાજ વૃધ્ધને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી તેની પાસેથી કમ્પ્યુટર, પ્રિન્ટર, બોગસ સર્ટી, રબ્બર સ્ટેમ અને વિતેલા વર્ષના પ્રશ્ર્ન પત્ર સહિત રૂા.33,400નો મુદામાલ કબ્જે કરી તેની પૂછપરછ કરતા રાજકોટ ઉપરાંત જામનગર અને જૂનાગઢમાં પણ બ્રાન્ચ ખોલી જેઓએ અભ્યાસ કર્યો ન હોય તેઓને એન્જિનીયર બનાવવાની બોગસ ડીગ્રી ધાબડી દીધાની ચોકાવનારી કબુલાત આપતા તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. અને કેટલા સમયથી બોગસ ડીગ્રીનું કૌભાંડ ચલાવે છે તે અંગે પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર શાસ્ત્રીનગર સોસાયટી પાસે શિવ દ્રષ્ટી સોસાયટીમાં રહેતા જંયતીભાઇ લાલજીભાઇ સુદાણી નામના 62 વર્ષને પટેલ વૃધ્ધ નાના મવા રોડ પર પીજીવીસીએલ પાસે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સૌરાષ્ટ્ર ઇલેકટોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની ઓફિસ શરૂ કરી જેઓએ ડીપ્લોમાં એન્જિનીયરીંગનો અભ્યાસ ન કર્યો હોય તેવી વ્યક્તિઓને મિકેનિક અને સિવિલ એન્જિનીયરીંગની ડીગ્રીનું વેચાણ કરી અનેક સાથે છેતરપિંડી કર્યા અંગેની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી.ધોળા, પી.એસ.આઇ. એ.બી.વોરા, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને અશોકભાઇ કલાલ સહિતના સ્ટાફે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો.

મિકેનીક ફિટર અને ડિપ્લોમાં ઇન સિવિલ એન્જિનિયર બનાવતા ભેજાબાજ શખ્સના સાથે સંડોવાયેલા શખ્સોની શોધખોળ

સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં બ્રાન્ચ શરૂ કરી બોગસ ડીગ્રી ધાબડી રૂા.15 થી 20 હજાર ખંખેર્યાની કબુલાત

પોલીસના ડમી ગ્રાહકે રૂા.15 હજાર આપી 2008ના વર્ષની મિકેનીક ફીટરનું બોગસ સર્ટી ફિકેટ મેળવ્યાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જયંતી સુદાણી નામના પટેલ વૃધ્ધની ધરપકડ કરી તેની પાસેથી કમ્પ્યુટર સહિત રૂા.33,400નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કરતા તેને સિટી આર્કેટ જામનગર અને તળાવ ગેઇટ પાસે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની ઓફિસ ખોલી યુવાનો સાથે છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.

જયંતી સુદાણીની ઓફિસમાંથી 100 જેટલા કોરા સર્ટીફિકેટ, 200 જેટલી કોરી માર્કસિટી, બોર્ડ ઓફ હાયર સેક્ધટરી એજ્યુકેશન દિલ્હીની આન્સરસીટનો થપો, ભારત સરકારના શિક્ષા મંત્રાલયની બોર્ડ ઓફ હાયર સેક્ધટરી હેડ ઓફિસના સરનામાવાળા કવરો, ડિપ્લોટ ઇન સિવિલ એન્જિનીયરીંગ કોર્ષના સર્ટિફિકેટ, ડીપ્લો ઇન સિવિલ એન્જિનીયરીંગ કોર્ષના સેમેસ્ટર 1,2,3 અને 4ના માર્કસીટ અને ભારત સરકારની રાષ્ટ્રીય મુકત વિદ્યાલયના માર્ક સ્ટેટમેન્ટ તેમજ માઇગ્રેશનના પ્રમાણ પત્ર મળી આવ્યા છે.

આ ઉપરાંત બોર્ડ ઓફ હાયર સેક્ધટરી દિલ્હીના એપ્લીકેશન ફોર્મ, રજીસ્ટ્રેશન ફોમ, એડમીટ કાર્ડ, 2012 થી 2017 સુધીના ધોરણ 12ના અલગ અલગ વિષયના પશ્ર્ન પત્ર કબ્જે કરી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. અને કેટલા સમયથી આ કૌભાંડ ચલાવવામાં આવતું તેમજ બોગસ ડીગ્રી કોને કોને મેળવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા ટૂંક સમયમાં જ કેટલાક ચોકાવનારા ખુલ્લાસા સામે આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે અને સુત્રધાર મનાતા જયંતી સુદાણીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.