Abtak Media Google News

બોગસ પેઢી ઉભી કરી સારૂ વળતર આપવાના નામે નાણા પચાવી પાડી કરી છેતરપીંડી

જામનગર શહેર અને જિલ્લાના કેટલાક નાગરિકો પાસેથી રોકાણના બહાને નાણાં ખંખેરવાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જામનગરના બે નિવૃત શિક્ષકો સહિતની ત્રિપુટીએ બોગસ પેઢી ઊભી કરી રોકાણકારોને આકર્ષક વળતરની લાલચ આપી તેઓની બે કરોડ 37 લાખ જેટલી રકમ ચાઉં કરી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં નવદીપ નામના મકાનમાં રહેતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા કે જેણે પોતાના નામની એચ.યુ.એફ. પેઢી તથા તંજીલા ટ્રેડિંગ કંપની ઉભી કરી હતી, અને પોતાના જ બે અન્ય સાગરીતો નિવૃત શિક્ષક એવા જામનગરમાં મહિલા કોલેજ પાછળ રહેતા નિઝર બદરુદ્દીન આડતિયા તેમજ નિવૃત શિક્ષક વાલકેશ્વરી સોસાયટીમાં રહેતા દોલતરાય દેવાનંદદાસ આહુજા કે જેની મદદથી અનેક લોકોને દર મહિને ત્રણથી સાડા ચાર ટકા જેટલું ચોક્કસ વળતર મળશે, તેમ કહી રોકાણ કરવા માટે લાલચ આપી હતી.

જે બાબતે સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરી આપ્યું. હતું. ત્યાર પછી જુદા જુદા વ્યક્તિઓ પાસેથી ચેક મારફતે રકમ મેળવી લઇ તે રકમનું પણ લખાણ કર્યું હતું, અને કુલ 2,37, 50,000 જેટલી રકમ કે જે રોકાણકારોને પરત આપ્યા વિના અંગત ઉપયોગમાં વાપરી નાખી પરત આપવા માટે હાથ ઉંચા કરી લીધા હતા.

આખરે સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જામજોધપુરના રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા હિમાંશુભાઈ ચંદુલાલ મહેતાએ આ ચીટીંગ ના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે ભાવેશ મહેતા ઉપરાંત બે નિવૃત શિક્ષકો નિઝારભાઈ આડતિયા, અને દોલત આહુજા સામે આઈ.પી.સી. કલમ 120-બી,406, 420, 114, તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ (ઇન ફાઈનાન્શિયલ ઇન્સ્ટે બલીસમેન્ટસ) એકટ-2003ની કલમ-3 મુજબ ગુનો નોંધ્યા છે, અને ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.