Abtak Media Google News

7176 કેસો તો દાખલ થયાને 1 વર્ષ જેટલો જ સમય થયો: લોક અદાલતો થકી પેન્ડિંગ કેસોના નિકાલ છતાં સ્થિતિમાં સુધારો નહીં

સમગ્ર ગુજરાતની કોર્ટોમાં કેસોની સંખ્યા વધી રહી છે. નવા આવતા કેસોની સામે જૂના કેસોનો નીકાલ ના થતા અદાલતોમાં કેસોનું ભારણ વધી ગયુ છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાની કોર્ટોની વાત કરીએ તો, જિલ્લાની કોર્ટોમાં 25 હજારથી વધુ કેસો હાલમાં પેન્ડિંગ છે. જે પૈકી 40 કેસ તો એવા છે, જે છેલ્લા 3 દાયકાથી ચાલી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જિલ્લાની અદાલતોમાં પેન્ડિંગ રહેલા કેસોમાં સિવિલ કેસો કરતા ક્રિમિનલ કેસોની સંખ્યા વધારે છે.

આપણે બોલિવૂડની ફિલ્મોમાં અદાલતોના દ્રશ્યો જોતા હોઈએ છીએ. હિન્દી ફિલ્મોમાં “તારીખ પે તારીખ” આપીને કેસો લાંબા ચાલતા હોય છે, ત્યારે ફિલ્મોની જેમ જ હકીકતમાં પણ કોર્ટોમાં કેસોનો ખૂબ ભરાવો થઈ રહ્યો છે.

કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષમાં 4 વાર લોક અદાલતો યોજીને અનિર્ણિત કેસોનો બન્ને પક્ષકારોની સહમતિથી સમાધાન કરી નિકાલ કરવામાં આવે છે. આમ છતાં હજુ કોર્ટોમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટતું જ નથી. જે કેસોના ચુકાદા આવે અને નિકાલ થાય તેના કરતા નવા દાખલ થનારા કેસોની સંખ્યા ઘણી વધુ હોય છે.

સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો, હાલમાં જિલ્લાની વિવિધ અદાલતોમાં 25,034 કેસો પેન્ડિંગ છે. જેમાંથી 9023 સિવિલ કેસો છે, જયારે 16,011 ક્રિમિનલ કેસો છે.

જિલ્લાની અદાલતોમાં પેન્ડિંગ આ કેસો પૈકી 7176 કેસો તો દાખલ થયાને હજુ 1 વર્ષ જેટલો જ સમય થયો છે. જયારે 3 દાયકા કરતાં વધુ સમયથી ચાલતા હોય તેવા કેસોની સંખ્યા 40 છે. આ 40 કેસોમાંથી 90 ટકા એટલે કે, 36 કેસ સિવિલ કેસો અને 10 ટકા એટલે કે, 4 કેસો ક્રિમિનલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.