Abtak Media Google News

પોલીસનું નામ પડતા આ સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો

ફોજદાર જયદેવે પોલીસ ખાતામાં દાખલ થયા પહેલા કોલેજ કાળમાં જ મેટ્રીકની પરીક્ષાના પરિણામની મેરીટ ઉપર ટેલીફોન ઓપરેટરની નોકરી મેળવી લીધેલી. ટેલીફોન ઓપરેટર તરીકે રાત્રીનાં નોકરી કરતો અને દિવસના કોલેજનો અભ્યાસ કરતો સાથે સાથે પબ્લીક સર્વિસ કમીશન તથા અન્ય અધિકારી કક્ષાની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતો.

ટેલીફોન ઓપરેટરની ત્રણ મહિનાની અમદાવાદની ટ્રેનીંગ પુરી થતા જયદેવની નિમણુંક પાલીતાણા ખાતે ટેલીફોન એક્ષચેંજમાં થયેલી આ પાલીતાણાનું ટેલીફોન એક્ષચેંજ પાલીતાણા સ્ટેટના રજવાડાના જુના મકાનોમાં આવેલું. શેત્રુંજી પુલ પસાર કરતા જ મુખ્ય બજારમાં ડાબી બાજુ અંદરનાં ભાગે ચોરસ ચોક જેને ફરતી કચેરીઓ જે જૂના જમાનાની બાંધણીની હતી ચોકની સામેના ભાગે ડાબી બાજુ એક ડેલા જેવો પેસેજ તેમાં અંદર જતા જેની એક બાજુ જુનુ પગથીયા વાળુ પડતર થીએટર અને બીજી બાજુ જુના બંધ મકાનો હતા. આ પડતર થીએટર રોડ સાઈડમાં સાવ ખૂલ્લું હતુ અને તેમાં દિવસરાત ચોવીસે કલાક ગાંડાઓની હાજરી રહેતી કોઈ ગાંડા બોલબોલ કરતા હોય તો કોઈ રાડો પાડતુ હોય તો કોઈ સુતુ હોય કોઈક ઝનુની ગાંડો પથ્થર મારો પણ કરતો હોય. આ થીએટર પુ‚ થતા જ ગઢની રાંગ હતી જે શેત્રુંજી નદીમાં પડતી હતી અને આગળ થોડે દૂર જતા એક જુનવાણી મકાનમાં ટેલીફોન એક્ષ્ચેંજ આવેલું હતુ આ જગ્યાએ ટેલીફોન કર્મચારીઓ સિવાય દિવસે પણ કોઈ આવતું નહિ. તો પછી રાત્રીનાં આવી વખંભર જગ્યાએ કોણ આવે? આજુબાજુમાં કોઈ માનવ વસ્તી જ નહતી તો થીએટરમાં પડયા રહેતા ગાંડાઓને દિવસ શું કે રાત શું? રાત્રે પણ ઘણી વખત આ ગાંડાઓ ધબધબાટી અને દેકારો બોલાવતા હતા આ કારણે તો કોઈને કામ હોયતો પણ રાતનાં આ બાજુ આવતા નહિ.

તે સમયે મોબાઈલ ફોન કે એસ.ટી.ડી.ની કોઈ સુવિધા હતી નહિ ટેલીફોન એ વૈભવ અને પ્રતિષ્ઠાનું લકઝરીયસ સાધન ગણાતુ પરંતુ ટેલીફોન ઓપરેટર લગાડે તેજ ફોન લાગતો એટલે ઓપરેટરની મધ્યસ્થી તો રહેતી જ. તેથી તે સમયે ટેલીફોન ઓપરેટરની નોકરી ગામમાં પ્રતિષ્ઠા વાળી ગણાતી અને વેપારીઓ ઉદ્યોગપતિઓ, ઓપરેટરોને ખાસ માન પાન આપી વાના ખાત્રી કરતા પરંતુ જયદેવને તેવી કોઈ ઈચ્છા નહોતી તેને તો સ્પર્ધાત્મક પરિક્ષા આપી સત્તા અધિકારી થવું હતુ. તેથી ઓપરેટરની જે રાત્રીની નોકરી આવતી તેજ પસંદ કરતો કેમકે દિવસે આ પરીક્ષાઓની તૈયારી થઈ શકે.

શ‚આતમાં થોડો સમય જયદેવે દિવસે નોકરી કરી બધો પ્રત્યક્ષ અનુભવ લઈ લીધો અને જેવો તમામ ખ્યાલ આવી ગયો એટલે જયદેવે સુપરવાઈઝરને કહ્યું કે હવે પોતાને પણ નાઈટ ડયુટી ફાળવે ફેમીલીવાળા ઓપરેટરો લગભગ નાઈટ ડયુટી લેતા નહિ તેથી તેમની નાઈટ ડયુટી જયદેવ જેવા કે કોઈ સાઈડ બીઝનેસ વાળા લેતા. હવે જયદેવ ઉમેરાયો. નાઈટમાં કાંઈ ખાસ કામ રહેતું નહિ અને શાંતિ રહેતી દિવસના મેન્યુઅલ એક્ષચેંજ હોઈ નંબર પ્લીઝ કરીને થાકી જવાતું અને ટ્રંક એક્ષ્ચેંજમાં સામેના સ્ટેશનના ઓપરેટર સાથે લમણાજીક કરવાની રહેતી.

જયારે પ્રથમ વખત જયદેવને નાઈટ ડયુટી ફાળવાઈ એટલે આનંદી અને મશ્કરી સ્વભાવ વાળા આલભાઈએ જયદેવને હસતા હસતા કહ્યું બાપુ આ એક્ષ્ચેંજનું મકાન ‘બાદ’ વાળુ છે. જે પ્રથમ નાઈટ ડયુટી કરે તે અહી બિલ્ડીંગમાં અગરબતી કરી શ્રીફળ વધેરે છે. એટલે કોઈ વાંધો રાત્રીનાં આવતો નથી. આવી પ્રથા છે. આલભાઈ પીઢ અને આધેડ હતા પરંતુ મશ્કરી વાળો સ્વભાવ હોઈ તેમને થયું કે આવા અવાવ‚ અને ઢંઢેકાર મકાનમાં રાત્રીનાં એકલા રહેવાનું હોય જયદેવ ડરે છે કેમ? તેની ખાત્રી કરવા આ વાત કરી હોય તેમ લાગ્યું આથી જયદેવનો અહંમ ઘવાયો કે શું પોતે રાત્રીનાં અહી એકલા રહેતા ડરે? જરા પણ નહિ આથી તેણે આલભાઈને સ્પષ્ટ કહ્યું આલભાઈ હું મકાનમાં તો શું વગડામાં રાત્રીનાં એકલો હોઉ તો પણ ડરતો નથી. આલભાઈ બોલ્યા ‘બાપુ ઝેરના પારખા ન હોય’ આ જગ્યાતો જુઓ રાત્રે રાડો પાડશો તો કોઈ અવાજ પણ નહિ સાંભળે અને કોઈ બચાવવા પણ નહિ આવે.

હું કહૂં તેમ વિધિ કરી નાખો. પરંતુ જયદેવને અહંમ ઘવાતો હોય તેણે સ્પષ્ટ રીતે ના પાડી અને કોઈ વિધિ કરી નહિ અને જયદેવે નાઈટ ડયુટી ચાલુ કરી દીધી કોઈ પ્રશ્ર્ન જ નહતો. પરંતુ એક્ષચેંજના ફળીયામાં એક તોતીંગ પીપળાનું ઝાડ હતુ અને બાજુમાં જ શેત્રુંજી નદીનો પટ હતો તેથી હવા ખૂબ આવતી અને પિપળાના પાનના ચિત્ર વિચિત્ર અવાજ આખી રાત આવ્યા કરતા અઠવાડીયું પુ‚ થઈ ગયું અને બાદ દિવસની ડયુટી અને ફરીથી નાઈટ ડયુટી એ રીતે એકાદ મહિનો પસાર થઈ ગયો.

એક્ષ્ચેંજમાં રાત્રીનાં બાર વાગ્યા સુધી બે ઓપરેટર રહેતા તે પૈકી એકની બાર વાગ્યે નોકરી પૂરી થાય એટલે નાઈટ ડયુટી વાળો એકલો જ મકાનમાં રહે એટલે જે એકલો વધે તે પ્રથમ ફળીયાનો દરવાજો અને બાદ ઓસરીમાં આવી એક્ષ્ચેંજના ‚મના દરવાજા પણ બંધ કરી દે. અને ઓસરી ફળીયાની લાઈટો બંધ કરી દેવાતી.

તે સમયે ટેલીફોન મેન્યુઅલ હોય ઓપરેટરો કોઈ વ્યકિત બીજો નંબર માગે એટલે નંંબર આપીને ખાસ સ્વીચ ઓપરેટ કરી ને બંને વચ્ચેની વાત સાંભળી શકતા મોડી રાત્રે સામાન્ય રીતે ટેલીફોન કરવા વાળા લગભગ એકલદોકલ દુ:ખી કે પ્રેમી કે વીરહી કે લફરા વાળા જ પોતાના લગત પાત્ર સાથે વાત કરવા ઓપરેટર પાસે જ‚રી ટેલીફોન નંબર માગતા અને વાતો કરતા. સામાન્ય રીતે ઓપરેટરોને ખબર જ હોય કે કયો નંબર કોનો છે. તેથી ગામના લફરા લોચાની ઓપરેટરોને પ્રથમ જાણ થતી પરંતુ આદર્શ આચાર સંહિતા મુજબ ઓપરેટરો વાત ખાનગી જ રાખતા અને રાત્રીના આમ ટાઈમ પાસ કરતા. પરંતુ જયદેવ ‚મના દરવાજા બંધ કરીને પોતાનું સાહિત્ય મોડે સુધી વાંચતો.

એક વખત જયદેવ રાત્રીનાં આ રીતે વાંચતો હતો. ખૂબ મોડીરાત થઈ ગઈ હતી. ઓચિંતા એક્ષ્ચેંજના ફળીયામાં પગની ઝાંઝરીનો અવાજ પગલા સાથે સંભળાયો અને બંધ થઈ ગયો જયદેવે યાદ કર્યું કે પોતે ફળીયાનો દરવાજો તો અંદરથી બરાબર જ બંધ કર્યો હતો. જયદેવને પ્રથમ એમ લાગ્યું કે ખોટો આભાસ લાગે છે. જેથી વાંચવાનું ચાલુ રાખ્યું. પીપળાના પાનમાંથી પસાર થતી સખત હવાનો પણ સૂરર… સૂરર…. અવાજ ચાલુ હતો. પીપળા ના ઝાડની બાજુમાં ફળીયામાં સંડાસ બાથ‚મ આવેલ હતા ત્યાંથી થોડીવારે ફરીથી પગલા અને ઝાંઝરીનો અવાજ સંભળાયો અને જયદેવ ચોંકી ગયો જયદેવને મધુમતી ફિલ્મમાં છેલ્લે જે પગલા અને ઝાંઝરીના અવાજ વૈંજતીમાલાનું ભૂત કરે છે. તે દ્રશ્યની યાદ આવી ગઈ આ વખતે પગલા અને ઝાંઝરી નો અવાજ ફળીયામાંથી બાથ‚મ તરફ જતો લાગ્યો અને ધીમેથી બાથ‚મનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો હવે જયદેવ લગભગ ડરી ગયો પરંતુ હિંમત રાખી, પરંતુ મુંજાઈને મનમાં જ બોલ્યો ફસાણા? ‘ભૂત ને પીપળો મળી’ ગયો આજ સાચુ પડયું. સામાન્ય રીતે ગામડામાં એવી માન્યતા છે કે ભૂત પીપળા કે આંબલીના ઝાડમાં જ રહેતા હોય છે.

જયદેવને પરસેવો વળી ગયો અને વિચાર્યું કે બાજુમાં પણ કોઈ નથી ‚મની બરીના દરવાજા બંધ જ હતા જે બારી મકાનના પાછળના ભાગે પડતી હતી પરંતુ બારી ઉપરના વેંટીલેશન કાચના હતા તેમાંથી આગના ભડકા દેખાયા જે આવીને બંધ થઈ જતા હતા બારીની પાછળનો ભાગ તો સાવ અવાવ‚ અને વર્ષે પણ કોઈ માણસ જતુ નહિ લગભગ કચરો જ પડયો રહેતો જયદેવને તેના ગામની ડોશીનો કિસ્સો યાદ આવી ગયો મનને થોડુ આશ્ર્વાસન થયું કે તે તો કોઈ ‘કારણ’ નહતુ ગામડામાં ભૂતને કારણ પણ કહે છે તેતો તેજ શેરીના માજી હતા. પરંતુ આ? અડધી રાત્રે આવી જગ્યામાં આ બંધ મકાનમાં કોઈ સ્ત્રિ? અને બહાર પાછળ ગઢની રાંગ બાજુ અવાવ‚ જગ્યામાં આગના ભડકા? જયદેવ કાયદેસર ધ્રુજી ગયો.

અને મનોમન હનુમાન દાદાને યાદ કરવા લાગ્યો કે ‘ભૂત પીચાસ નીકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે’ ગળુ ખંખેરવા થોડો ખોખારો જયદેવે ખાધો ત્યાં જ પગલા અને ઝાંઝરીના અવાજ ચાલુ થઈ ગયા આ વખતે પીપળાના ઝાડ ઉપર ચીબરી ચીખો નાખવા લાગી અને ફળીયામાં જાણે રાસ લેવાતો હોય તેવા ઠુમકા સાથે તાળી પણ પડવા લાગી જયદેવનાં ‚ંવાડા ઉભા થઈ ગયા અને મનમતિ બંધ થઈ ગઈ છતા જયદેવે વિચાર્યું કે શું ચુડેલ તો નહિ હોય ને? ગામડામાં એવું કહેવાય છે કે ચુડેલ રાસડા લેતી હોય છે અને તે ખરાબમાં ખરાબ ભૂત હોય છે. અને ઘણી વખત એક કરતા વધારે પણ હોય છે. ઘણી વખત ટોળામાં પણ હોય છે. ત્યારે રાસડા પણ લેતી હોય છે. જયદેવ બચપણમાં આવી વાતો ગામમાં મિત્રોથી સાંભળીને ડર લાગતો તો તેના માતા પિતાને ભૂત અંગે પુછતો તો તેઓ કહેતા ભૂતબુત કાંઈ હોય જ નહિ. એક ખાલી વાતો છે. અને તેના બા કહેતા ભૂત ને શરીર જ ન હોય આપણને શું કરે? તે ખાલી ડર છે. પરંતુ જયદેવના મનનું સમાધાન થતું નહિ.

જયદેવને પોતાને અગાઉ આવા ભૂતના અનુભવો થયેલ તેના ઉપરથી તેણે તારણ કાઢેલ કે ખાસ જયારે વ્યકિત ઉંધમાં હોય અથવા ઉંધમાંથી તાત્કાલીક ઉઠી હોય અને કોઈ અવાજ કે પ્રકાશ કે આકૃતિ જેવું જોવે તો તે ડરી જતો હોય છે. કેમકે તે આવી જાગતી વખતેની તંદ્રાઅવસ્થા (માનસીક અનીર્ણાયક સ્થિતિ)માં હોય છે. અને આવી તંદ્રાઅવસ્થામાં ‘નકારાત્મક વાતો’ મનની સ્મૃતિમાં પહેલી આવે છે. તેથી કાંઈ સત્ય કે વાસ્તવિક તાત્કાલીક વિચારી નહિ શકતા વ્યકિત ડરી જાય છે. અને વળી ડર લાગ્યા પછી મન વિચારવાનું બંધ કરી દેતા વધુ ડર લાગે છે.

જયદેવ આમ વિચારતો હતો ત્યાં પગના ઠુમકા અને ઝાંઝરીનો અવાજ ઓસરીમાં આવી ગયો અને તાળીયો ને બદલે તાબોટા પડવા લાગ્યા બીજી બાજુ પાછળની બારી તરફ આગના ભડકાની આવન જાવન ચાલુ જ હતી જયદેવ ગભરાયેલો અને આ વિચિત્ર અવાજ અને ભડકાના દ્રશ્યને ભૂત ન જ હોય ના સિધ્ધાંત સાથે મેળ પાડવા કોશીષ કરી પરંતુ કાંઈ મેળ પડતો નહતો. બધા નકારાત્મક વિચારો જ મનમાં આગળ આગળ ચાલતા હતા જુનુ રાજા શાહી વખતનું અવાવ‚ ઢંઢેકાર મકાન અને તે પણ ‘બાદ’ વાળુ કહેવા છતા શ્રીફળની વિધિ ન કરી અરધી રાત્રી, મધુમતી ફિલ્મની હીરોઈનનું ભૂત ઝાંઝરીથી ચાલતું તે દ્રશ્યની યાદ અને આગના ભડકા વચ્ચે જયદેવ હનુમાન દાદાને યાદ કરતો હતો અને તેનામાં હિમત આવી અને એકદમ મોટેથી બોલ્યો તમે જે હોયતે હવે હું પોલીસ સ્ટેશને ફોન ક‚ છું અને આ રીંગ આપુ છું આમ કહ્યું અને ઓસરીમાં અને પાછળના ભાગે ધબધબાટી બોલવા લાગી અને ઓસરીમાંથી ભુવો ઘુણતો હોય તેવા કીકીયારી સાથે હાકલા પડકારા ના ભયંકર અવાજ ચાલુ થયા ડરેલો જયદેવ પોલીસ સ્ટેશને રીંગ આપવા હાથમાં રીંગકોડ લઈને જ બેઠો હતો તે અતિશયોકતી થઈ એટલે બોલ્યો હવે પથુભા જમાદારસાહેબ સાથે ૩૩ નંબરમાં વાત કર્યા સિવાય છૂટકો નથી. ત્યાં અવાજ આવ્યો એ રહેવા દયો બાપુ હવે નહિ અમે છીએ તે અવાજ ને જયદેવ ઓળખી ગયો તે અવાજ ટેલીફોન ઓપરેટર આલભાઈનો હતો. જયદેવે કોડ નીચે મૂકી દીધો અને ‚મ ખોલી નાખ્યો ઓસરીમાં આલભાઈ ઉભા હતા પગમાં ઝાંઝર બાંધેલા હતા જયદેવ કહે આલભાઈ તમે? આવિ રીતે? આલભાઈ કહે જેને તેને થોડા ડરાવવાના હતા નાનો તોય રાયનો દાણો કહી જયદેવને ભેટી પડયા ત્યાં ફળીયામાં ઓપરેટર તરવાડી લાકડીના છેડા ઉપર ગાભા વીંટીને કેરોસીન નાખી મશાલ જેવું બનાવેલ તે લઈને આવ્યો જયદેવે તેને કહ્યું એલા તને આ દલા તરવાડીની વાડી લાગી? તરવાડી કહે ના બાપુ મનમાં કાંઈ ના રાખશો આતો તમને તે દિવસે આલભાઈએ કહ્યું તો પણ શ્રીફળ વધેર્યું નહિ એટલે આલભાઈ એ કહ્યું બાપુની પરીક્ષા કરીએ જયદેવે કહ્યું થોડી વાર નાટક ચાલુ રાખ્યું હોત તો પથુભા જમાદાર તમારી પરીક્ષા લઈ લેતને? અને બધા હસવા લાગ્યા.

તરવાડી સાયકલ લઈને બસ સ્ટેન્ડથી ચા લઈ આવ્યો બધા એ ચા પીધા પછી જયદેવે કહ્યું હવે આવી બીજા કોઈની મશ્કરી કરતા નહિ.

આ કિસ્સો ફોજદાર જયદેવ ને યાદ આવ્યો અને આ યાદીથી તેનો આત્મ વિશ્ર્વાસ વધુ મજબુત થયો અને જમાદાર પાટીલને કહ્યુ આવા તો ઘણા જોઈ નાખ્યા તમ તમારે વાત કરવા માંડો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.