Abtak Media Google News

ટી-20માં 2-1થી પાછળ રહેલ ભારત રાજકોટમાં સિરીઝ સરભર કરી શકશે?

પ્રથમ બે મેચમાં કંગાળ પ્રદર્શન કરનારા ભારતીય બોલર્સે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની સીરિઝ જીવંત રાખી છે. હવે રાજકોટમાં શુક્રવારે રમાનારી મેચ જીતી ભારત શ્રેણી સરભર કરી શકશે? મંગળવારે રમાયેલી મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની અડધી સદી બાદ યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલની શાનદાર બોલિંગની મદદથી ભારતે પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમ સામે 48 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે પાંચ મેચની સીરિઝ જીવંત રાખી છે.

સાઉથ આફ્રિકા હાલમાં 2-1થી આગળ છે. પ્રવાસી ટીમના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 179 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ 19.1 ઓવરમાં 131 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. 180 રનના લક્ષ્યાંકના જવાબમાં સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બંને વન-ડેમાં ધમાકેદાર બેટિંગ કરનારા સાઉથ આફ્રિકન બેટર્સ આ મેચમાં વધારે કમાલ કરી શક્યા ન હતા. સુકાની ઓપનર ટેમ્બા બાવુમા આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે રીઝા હેન્ડરિક્સ સાથે મળીને 23 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ તેમાં તેનું યોગદાન ફક્ત આઠ રનનું રહ્યું હતું. હેન્ડરિક્સે 20 બોલમાં 23 રન ફટકાર્યા હતા જેમાં બે ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જ્યારે ડ્વેઈન પ્રીટોરિયસે 16 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે 20 રન ફટકાર્યા હતા.

પ્રથમ બંને મેચમાં ભારતીય બોલર્સ નિષ્ફળ રહ્યા હતા પરંતુ વિશાખાપટ્ટનમની પિચ પર તેમણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર હર્ષલ પટેલે ધમાકેદાર પ્રદર્શન કર્યું. ચહલે પ્રીટોરિયસ બાદ રાસી વાન ડેર ડુસેનને એક રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ડેવિડ મિલર ત્રણ રન નોંધાવીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. જ્યારે ત્યારપછી ચહલે બીજી મેચના હીરો રહેલા હેનરિચ ક્લાસેનને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. તેણે 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 29 રન ફટકાર્યા હતા. વેન પાર્નેલ 22 રને નોટ આઉટ રહ્યો હતો. આ ઉપરાંત કાગિસો રબાડાએ નવ અને કેશવ મહારાજે 11 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે હર્ષલ પટેલે ચાર તથા યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.