Abtak Media Google News

આગામી એકાદ સપ્તાહમાં 10 ઇલેક્ટ્રીક બસ ફાળવી દેવાની એજન્સીની બાંહેધરી: બીજું ચાર્જિંગ સ્ટેશન બનાવવા કોર્પોરેશનની તૈયારી

રાજકોટમાં 150 ઇલેક્ટ્રીક બસ દોડાવવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત હાલ શહેરના બીઆરટીએસ રૂટ પર 18 ઇલેક્ટ્રીક બસ દોડી રહી છે. આગામી 15 જુલાઇ સુધીમાં રાજકોટને વધુ 50 બસ આપી દેવા માટે એજન્સી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રીક બસના ચાર્જિંગ માટે હાલ સામાકાંઠે એકમાત્ર ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે. ન્યૂ રાજકોટમાં રૈયા વિસ્તારમાં નવું ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે કોર્પોરેશન દ્વારા કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ શહેરમાં 18 ઇલેક્ટ્રીક બસ ચાલી રહી છે. જે બીઆરટીએસ રૂટ પર દોડે છે. સિટી બસના રૂટ પર પણ ઇલેક્ટ્રીક બસ દોડાવવા માટે કોર્પોરેશન દ્વારા નવી 50 બસોની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી કોન્ટ્રાક્ટ આપવા સહિતની કામગીરી આટોપી લેવામાં આવી છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્વના કારણે રો-મટીરીયલ્સની અછતના કારણે એજન્સી દ્વારા નિયત સમય મર્યાદામાં રાજકોટને ઇલેક્ટ્રીક બસની ડિલેવરી આપવામાં આવી ન હતી. આગામી એકાદ સપ્તાહમાં નવી 10 ઇલેક્ટ્રીક બસ આપી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે અને 15 જુલાઇ સુધીમાં વધુ 50 ઇલેક્ટ્રીક બસ આપવામાં આવશે. શહેરમાં આવતા મહિનેથી 80 જેટલી બસ દોડવા લાગશે.

દરમિયાન હાલ શહેરના આજીડેમ ચોકડી પાસે અમૂલ સર્કલ નજીક એકમાત્ર ચાર્જિંગ સ્ટેશન આવેલું છે. હાલ માત્ર 18 બસ દોડી રહી હોવાના કારણે ચાર્જિંગની કોઇ સમસ્યા ઉભી થતી નથી. પરંતુ હવે 80 બસ દોડવા લાગશે ત્યારે ચાર્જિંગની કોઇ સમસ્યા ઉભી ન થાય તે માટે રૈયા વિસ્તારમાં વધુ એક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે કલેક્ટર સમક્ષ કોર્પોરેશન દ્વારા જમીનની માંગણી કરવામાં આવી છે. જેને મંજૂરી મળતાની સાથે જ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.