Abtak Media Google News

સોના-ચાંદી, ચામડાની પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક આઇટમો અને કાપડની આયાતમાં ચિંતાજનક વધારો, હવે બીનજરૂરી આયાત ઉપર સરકાર કડકાઈ દાખવે તો નવાઈ નહિ

દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આયાતને નિકાસથી વધવા ન દેવી જોઈએ. જો આવું થાય તો અર્થતંત્ર પીડાવાનું શરૂ થાય છે. ભારતમાં હાલ આવું થઈ રહ્યું છે. વધતી જતી રાજકોસીય ખાદ્ય ચિંતાનો વિષય બની છે. માટે જ સરકારે હવે આયાત પર વોચ રાખવાની શરૂ કરી દીધી છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, મે મહિનામાં વેપાર ખાધ રેકોર્ડ 24.3 બિલિયન ડોલરને આંબી જતાં મહેસૂલ અધિકારીઓ સાવચેત થઈ રહ્યા છે. બીજી તરફ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. કે આયાત ઉપર ચાંપતી નજર રાખવામાં આવે.

કિંમતી ધાતુઓ, ખાસ કરીને સોનાની આયાતની તપાસ કરવામાં આવી રહી છે.  મે 2022માં સોનાની આયાત એક વર્ષ અગાઉ કરતાં નવ ગણી વધીને 7.7 બિલિયન ડોલર થઈ હતી, જ્યારે ચાંદીની આયાત વધીને 556 મિલિયન ડોલર થઈ હતી. એક વર્ષ પહેલા આ આંકડો 15.4 મિલિયન ડોલર હતો.  ઈંધણ સિવાયની આયાતમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે જેમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ચામડાની વસ્તુઓ અને કાપડનો સમાવેશ થાય છે.

ભારતે ભૂતકાળમાં અમુક વસ્તુઓની આયાત ઘટાડવા માટે નિયંત્રણો લાદ્યા છે અથવા કસ્ટમ ડ્યુટી વધારી છે.  જો કે, આવા નિયંત્રણો આર્થિક વૃદ્ધિને પણ નબળી પાડી શકે છે, જે વર્તમાન નાણાકીય વર્ષમાં અનેક અવરોધો છતાં મજબૂત રહી છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે, “ભારતને તેની રાજકોષીય ખાધનું સંચાલન કરવા, આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા, ફુગાવાને કાબૂમાં રાખવા અને ભારતીય ચલણના વાજબી મૂલ્યને જાળવી રાખીને ચાલુ ખાતાની ખાધને નિયંત્રિત કરવામાં નજીકના ગાળાના પડકારોનો સામનો કરવો પડે છે.

જોકે 2022ના ચોથા ક્વાર્ટરમાં ખાધ અપેક્ષા કરતા ઓછી હતી, તેમ છતાં તે તીવ્ર પોર્ટફોલિયો આઉટફ્લો વચ્ચે ચિંતાનું કારણ છે, એમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટર માટે ખાધ અગાઉના ક્વાર્ટરના 22.2 બિલિયન ડોલરથી ઘટીને 13.4 બિલિયન  ડોલર થઈ હતું, પરંતુ એક વર્ષ અગાઉના ગાળામાં તે 8.1 બિલિયન ડોલર હતી.

રાજકોષીય ખાધ વધે તો હાલત શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થાય

રાજકોષીય ખાધ વધે તો હાલત શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થાય. મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સતત આયાત વધવાથી સમસ્યાઓ વધી રહી છે.  આ દિવસોમાં ઈંધણની અછતને કારણે હાહાકાર મચી ગયો છે.  દેશમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે પેટ્રોલ અને ડીઝલ સંપૂર્ણપણે ખતમ થવા જઈ રહ્યું છે.  શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલનો માત્ર એક જ દિવસ બાકી છે.  આવી સ્થિતિમાં, 10 જુલાઈ સુધી, પ્રાથમિકતાના ધોરણે માત્ર આવશ્યક સેવાઓને જ પેટ્રોલ અને ડીઝલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ- ડિઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યાંતો ચાના ભાવ પણ આસમાને પહોંચ્યા હોય, સરકાર દેશવાસીઓને ચા ન પીવાની સલાહ આપીને ચાની આયાત ઘટાડવા માટે મદદરૂપ થવાની અપીલ કરી રહી છે.

વિકસિત દેશોની મંદી ભારતને ફાયદો કરાવશે

વૈશ્વિક મંદીની આશંકા તમામ બજારોમાં સમાન રહી છે. જોકે, વિશ્લેષકો માને છે કે વિકસિત દેશોના અર્થતંત્રોમાં મંદીથી ભારતીય અર્થતંત્રને ફાયદો થઈ શકે છે.  આ વિષય પર, ભારતના મેનેજિંગ ડિરેક્ટર અને સિટીગ્રુપના મુખ્ય અર્થશાસ્ત્રી સમીરન ચક્રવર્તીએ સોમવારે જણાવ્યું હતું કે, “ભારત, કોમોડિટીના ચોખ્ખા આયાતકાર હોવાને કારણે, ફુગાવાના મોરચે લાભ મેળવવો જોઈએ.”  તેમણે કહ્યું કે ભારત હજુ પણ વૈશ્વિક મંદીના દબાણનો સામનો કરશે કારણ કે તેનાથી નિકાસ અને આર્થિક વૃદ્ધિ ઘટશે.સમીરન ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે, ’આ સમયે નીતિ નિર્ધારણ સંપૂર્ણપણે ફુગાવા નિયંત્રણ પર કેન્દ્રિત છે, એવું લાગે છે કે આનાથી ભારતને અમુક અંશે ફાયદો થઈ શકે છે.’

ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર: મોદી

Untitled 1 574

જર્મનીમાં આયોજિત જી-7 સમિટમાં મોદીની હાજરીએ ફરી એકવાર વિશ્વ મંચ પર ભારતનું મહત્વ સાબિત કર્યું છે. જી -7માં પ્રથમ સત્રમાં મોદીએ આબોહવા, ઉર્જા અને સ્વાસ્થ્ય પર વાત કરી હતી, જ્યારે બીજા સત્રમાં ભારતના મહિલા-આગેવાની વિકાસ અભિગમ પર ભાર મૂકતા ખાદ્ય સુરક્ષા અને લિંગ સમાનતાના મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે એ ખોટી માન્યતા છે કે ગરીબ દેશો પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે.  ભારતનો 1000 વર્ષથી વધુનો ઈતિહાસ આ દૃષ્ટિકોણને સંપૂર્ણપણે રદિયો આપે છે. પ્રાચીન ભારતે અપાર સમૃદ્ધિનો સમય જોયો છે.  આપણે પણ સદીઓની ગુલામી સહન કરી છે. હવે સ્વતંત્ર ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે.  તેમણે કહ્યું કે વિશ્વની 17 ટકા વસ્તી ભારતમાં રહે છે, પરંતુ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આપણું યોગદાન માત્ર 5 ટકા છે.  તેની પાછળનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી છે જે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વના સિદ્ધાંત પર આધારિત છે.ભારતે નિર્ધારિત સમય કરતાં નવ વર્ષ પહેલાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી 40 ટકા ઊર્જા ક્ષમતા હાંસલ કરી છે. પેટ્રોલમાં 10 ટકા

ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નિર્ધારિત સમય કરતાં પાંચ મહિના પહેલા પ્રાપ્ત કરવામાં આવ્યો છે.  ભારતમાં વિશ્વનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું એરપોર્ટ છે.  ભારતમાં સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી માટે એક વિશાળ બજાર ઉભરી રહ્યું છે. જી-7 દેશો આ ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને ઉત્પાદનમાં રોકાણ કરી શકે છે.  તેમણે કહ્યું કે ભારત દરેક નવી ટેક્નોલોજી માટે સુવિધાઓ આપી શકે છે, તે તે ટેક્નોલોજીને સમગ્ર વિશ્વ માટે પોસાય તેવી બનાવી શકે છે. ઊર્જાનો ઉપયોગ ફક્ત અમીરનો વિશેષાધિકાર ન હોવો જોઈએ અને એક ગરીબ પરિવારનો પણ ઊર્જા પર સમાન અધિકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.