Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ. સાથે સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજયુ. ટ્રસ્ટે  કર્યું જોડાણ: ચાલુ વર્ષથી અભ્યાસક્રમની તૈયારી શરૂ:  નિષ્ણાંતો, તબીબો અને પ્રોફેસરો આપશે માર્ગદર્શન

છેલ્લા ચાર દાયકાથી બ્લડ બેંકિંગ અને થેલેસિમિયા નાબૂદી માટે ગુજરાતની શ્રેષ્ઠ બ્લડ બેન્કો પૈકીની એક એવી લાઇફ બ્લડ સેન્ટર કાર્યરત રહી છે સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ દ્વારા ચાલુ વર્ષથી જ DMLT એટ્લે કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ શરૂ કરવામાં આવનાર છે અને આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મંજૂરી પણ મળી ગઈ છે. આ અંગે માહિતી આપતા પ્રોજેકટ લાઇફ ના જોઇન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી મિતલ કોર્ટિયા શાહે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથેના એફિલિએશનથી આ કોર્સ શરૂ કરવામાં આવનાર છે અને તે લાઇફ બ્લડ સેન્ટર, 24, વિજય પ્લોટ, ગોંડલ રોડ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવશે. ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં અનુસ્નાતક ડિપ્લોમા (PGDMLT) એ 1 વર્ષનો પેરામેડિકલ અભ્યાસક્રમ છે આ કોર્સક્લિનિકલ લેબોરેટરી, ક્લિનિકલ રિસર્ચ અને ગુણવત્તાના ધોરણોના વિવિધ ક્ષેત્રોમાં વિશ્લેષણાત્મક કુશળતા પ્રદાન કરે છે તબીબી જ્ઞાન અને કૌશલ્યોના ઝડપથી વિકસતા આ ક્ષેત્રમાં પ્રયોગશાળા વિજ્ઞાન તબીબી પ્રયોગશાળા, ટેકનિશિયન માટે અભ્યાસનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. PGDMLT કોર્સ કારકિર્દીલક્ષી છે જે લેબોરેટરી બ્લડબેંક, હોસ્પિટલ, ફોરેન્સિક અને આનુવંશિક વિજ્ઞાન, ફાર્માસ્યુટિકલ કંપની અને સંશોધન સંસ્થાઓમાં કામ કરવા માટે નવી ક્ષિતિજો ખોલે છે.

મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન માઇક્રોબાયોલોજી, હેમેટોલોજી, બ્લડબેંકિંગ, ઇમ્યુનોલોજી, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી, મોલેક્યુલર બાયોલોજી, ટ્રાન્સફ્યુઝન મેડિસિન અને હિસ્ટોપેથોલોજી જેવા ક્ષેત્રે કાર્યરત થઇ શકે છે આ કોર્સપાસ કર્યા પછી વ્યક્તિને ફ્લેબોટોમિસ્ટ, લેબ ટેકનિશિયન, લેબ ઇન ચાર્જ, સિનિયર લેબ ટેકનિશિયન, ટેક્નોલોજિસ્ટ અને જુનિયર સાયન્ટિફિક ઓફિસર જેવો હોદ્દો મળી શકે છે મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ માનવ શરીરના વિવિધ પ્રવાહી, પેશીઓ, સુક્ષ્મસજીવો, રાસાયણિક વિશ્લેષણ, કોષોની સંખ્યા વગેરેની તપાસ અને વિશ્લેષણ કરે છે.  મેડીકલ ડીરેક્ટર ડો.સંજીવ નંદાણીએ એમ પણ જણાવ્યુ છે કે, લાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ દ્વારા શરૂ થનારા આ કોર્સમાં બ્લડ બેંકિંગ સાથે વર્ષોથી સંકળાયેલા નિષ્ણાત તબીબો અને પ્રોફેસરો વિદ્યાર્થીઓને ભણાવશે વધુ માહિતી માટે ડો.નિશીથ વાછાણી, એડમીન મેનેજર (મો. 94282 77347) અથવા લાઈફ બ્લડ સેન્ટર, 24 વિજય પ્લોટ, માલવિયા રોડ રાજકોટ અથવા ફોન નંબર 0281 2234 242/243 ઉપર સંપર્ક  કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.