Abtak Media Google News

આપ અને કોંગ્રેસના કોર્પોરેટરો પ્રિ-મોનસૂન કામગીરી, રાજમાર્ગો પર પડેલા ખાડા સહિતના મુદ્ે શાસકો પર તડાપીટ બોલાવશે

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં આપ અને કોંગ્રેસના કોર્પોરેટરો શહેરના વિવિધ પ્રશ્ર્નોને લઇને શાસકો તથા અધિકારીઓ પર તડાપીટ બોલાવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. બોર્ડ સમક્ષ 13 કોર્પોરેટરોએ કુલ 28 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જો કે, પ્રથમ સવાલ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાનો હોય તેમાં જ એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ પૂરો થઇ જાય તેવી સંભાવના પણ દેખાઇ રહી છે.

મેઘરાજાએ કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ એક ઝાટકે ખોલી નાંખી છે. રાજમાર્ગોની દશા ગામડાંના રસ્તાથી પર બદ્તર થઇ જવા પામી છે. આવામાં કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં આપ અને કોંગ્રેસના કોર્પોરેટરો પ્રિ-મોનસૂન કામગીરી, વેક્સિનના ધાંધિયા, રાજમાર્ગોની દશા સહિતના મુદ્ે શાસકો પર તૂટી પડશે. પ્રથમ પ્રશ્ર્ન પક્ષપલ્ટું એવા વશરામ સાગઠીયાનો છે. તેઓએ શાળા-કોલેજને લગતો પ્રશ્ર્ન પૂછ્યો છે. આ ઉપરાંત લીલુબેન જાદવ, દેવાંગભાઇ માંકડ, ભાનુબેન સોરાણી, કોમલબેન ભારાઇ, અલ્પાબેન દવે, કંચનબેન સિધ્ધપુરા, ડો.દર્શના પંડ્યા, જયમીન ઠાકર, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, દક્ષાબેન વાઘેલા અને હાર્દિક ગોહેલ સહિત કુલ 13 કોર્પોરેટરોએ 28 પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે. કાલનું બોર્ડ તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણો મળી રહ્યા છે.

બોર્ડમાં અલગ-અલગ 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વાવડી વિસ્તારમાં કબ્રસ્તાન બનાવવા માટે જમીન ફાળવવા, જીએસએફસીને જમીન વેંચાણથી આપવા, જમીન કપાતના વૈકલ્પિક વળતરમાં ટીઆરડીનો સમાવેશ કરવા, અલગ-અલગ આવાસ યોજનાનું નામકરણ કરવા, વોર્ડ નં.15માં ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય દૂર કરવા, મવડી વિસ્તારમાં અલગ-અલગ ત્રણ ટીપી સ્કિમ બનાવવા તથા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નવી 18 ટીપી સ્કિમ અંગે મ્યુનિ.કમિશનરને અધિકૃત કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વિપક્ષ આપ અને કોંગ્રેસ બોર્ડમાં શાસકોને ભિડવવા માટે આક્રમક બને તેવા સ્પષ્ટ એંધાણ હાલ દેખાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.