Abtak Media Google News

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15  ઓગષ્ટ દેશભરમાં  હર ઘર તિરંગા અભિયાન: ગુજરાતમાં 1 કરોડ રાષ્ટ્રધ્વજ લહેરાશે

અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો તેને  75 વર્ષ પૂર્ણ થતા હાલ દેશભરમાં  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી  કરવામાં આવી રહી છે.જે  અંતર્ગત આગામી 13 થી 15 ઓગષ્ટ દરમિયાન  દેશભરમાં   હર ઘર તિરંગા અભિયાન  હાથ ધરવામાં આવશે આવતીકાલથી  કેસરીયો રંગ ઘુટાશે આજે રાજકોટમાં વિશાળ તિરંગા યાત્રા નિકળી હતી.  રાજયમાં એક કરોડથી રાષ્ટ્રધ્વજ આન,બાન, શાન સાથે  લહેરાશે દેશવાસીઓમાં જબરદસ્ત  ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હર ઘર તિરંગા અભિયાનને લઈ  દેશભાં વિવિધ રાજયમાં  તિરંગા યાત્રાનું આયોજન કરવામાં  આવ્યુંં હતુ. ગુજરાતમાં  પણ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની   સંસ્થા, સેવાકીય સંસ્થાઓ , એનજીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં ત્રણ લાખ મિલકતો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું લક્ષ્યાંક  રાખવામાં આવ્યું છે. જયારે રાજયમાં અંદાજે એક કરોડથી વધુ તિરંગા ફરકાવવામાં આવશે રાત્રે પણ તિરંગો ઉતારવાનો રહેશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં  થોડા ફેરફાર  કરાયા છે. જોકે તિરંગો ફરકાવવા માટે  કેટલીક  ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાનને લઈ દેશવાસીઓમાં જબરદસ્ત  ઉત્સાહ  જોવા મળી રહ્યો છે.  દેશવાસીઓ હોંશભેર તિરંગાની ખરીદી કરી રહ્યા છે. દેશભકિતના  કેસરીયા રંગમાં રંગાઈ ગયું છે.  પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતોમાં તિરંગો લહેરાવા માટે તમામ નાગરિકોએ કેટલીક સૂચનાઓનું પાલન કરીને માનપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવો જોઈએ. જે માટે નાગરિકોએ રાષ્ટ્રધ્વજને લહેરાવતા સમયે અને લહેરાવ્યા બાદ  કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

રાષ્ટ્રધ્વજ ખંડિત અથવા ચૂંથાયેલો હોય તો તેને ફરકાવી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા માટે ધ્વજ નીચે લાવવો નહીં. બીજો કોઈપણ ધ્વજ રાષ્ટ્રધ્વજ કરતા ઉંચે કે ઉપરના ભાગમાં કે તેની લગોલગ મૂકવો નહીં. તેમજ ધ્વજની કાઠી પર કે તેથી ઉપરના ભાગે ફુલ, હારતોરા અથવા મુદ્રા સહિતની કોઈ વસ્તુઓ મૂકવી નહીં.

આ ઉપરાંત રાષ્ટ્રધ્વજનો તોરણ કે ફુલ તરીકે કે ધજા તરીક સુશોભન માટે બીજી કોઈપણ રીતે ઉપયોગ કરવો નહીં. વક્તાના ડેસ્ક પર કે તેમની વ્યાસપીઠ ઉપર ધ્વજ પાથરવો કે વિંટાળવો નહીં. કેસરી રંગ નીચે આવે એ રીતે ધ્વજ લહેરાવવો નહીં. ધ્વજ જમીનને અડકે અથવા પાણીમાં રગદોળાય તેની કાળજી રાખવી. ધ્વજને નુકસાન પહોંચે તેવી કોઈપણ રીતે તેને ફરકાવવો કે બાંધવો નહીં.

વધુમાં  કોઈપણ પ્રકારે વસ્ત્ર શણગાર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો નહીં. વાહનના કોઈપણ ભાગમાં ધ્વજ વિંટવો નહીં, ધ્વજ મેલો થઈ જાય અથવા નુકસાન પહોંચે તેવી રીતે ઉપયોગ કરવો નહીં કે સંઘરી રાખવો નહીં. ધ્વજને નુકસાન પહોંચ્યુ હોય કે મેલો થયો હોય ત્યારે તેને જેમ તેમ ફગાવવો કે ફેંકવો નહિ. કોઈ પણ પ્રકારના પોશાક અથવા ગણવેશના ભાગ તરીકે ધ્વજનો ઉપયોગ કરવો ન જોઈએ.

ઓશિકા અથવા હાથ-રૂમાલો પર તેનું ભરતકામ કરવું નહીં કે નેપકીન અથવા પેટીઓ પર તે છાપવો નહીં. ધ્વજ પર કોઈપણ પ્રકારનું લખાણ લખવું નહીં. કોઈપણ ચીજ લેવા, આપવા, રાખવા અથવા લઈ જવા માટે પાત્ર તરીકે ધ્વજનો ઉપયોગ કરવો નહીં.

ધ્વજની શાન અને ગરિમા જળવાય તે રીતે વર્તવું તે દરેક નાગરિકની ફરજ છે. તે માટે આવી તકેદારીઓ રાખી અને જાગૃત બની હર ઘર તિરંગા અભીયાનમાં જોડાઈ ગર્વભેર તિરંગો ફરકાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.