Abtak Media Google News

મુખ્ય ન્યાયાધીશે આ મામલામાં સમિતિની રચના કરવા અંગે તમામ પક્ષકારો પાસેથી સૂચનો માંગ્યા: 17 ઓગસ્ટે આગામી સુનાવણી

મફતની રેવડી પ્રજાને આળસુ, બેજવાબદાર અને કામચોર બનાવે છે. આ મામલો સુપ્રીમમાં પહોંચતા સુપ્રીમે પણ રેવડી કલ્ચરને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. અને સાથે અર્થતંત્ર અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન જરૂરી હોવાનું કહ્યું હતું. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણીની મોસમ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત આપવાનું વચન એ ’ગંભીર મુદ્દો’ છે, કારણ કે તે અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. સુપ્રીમ કોર્ટમા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી, જેમાં ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષવા માટે મફત આપવાનું વચન આપતાં રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં ચૂંટણી ઢંઢેરા અને તેમાં આપવામાં આવેલા વચનો માટે રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવવા જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ એન.વી. રમના અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અતાર્કિક મફત આપવાનું વચન એ ગંભીર મુદ્દો છે, પરંતુ જો આ અંગેની બંધારણીય સ્થિતિ સ્પષ્ટ ન હોય તો પણ તેઓ વિધાનસભાના ક્ષેત્રમાં અતિક્રમણ કરશે નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ કહ્યું કે, કોઈ એવું નથી કહેતું કે, આ કોઈ મુદ્દો નથી. આ એક ગંભીર મુદ્દો છે. કેટલાક લોકો જે મેળવે છે, તે મેળવવાનું ચાલુ રાખવા માંગે છે, કારણ કે આપણી પાસે કલ્યાણકારી રાજ્ય છે.

તે જ સમયે કેટલાક કહેશે કે, તેઓ ટેક્સ ચૂકવે છે, અને તેનો ઉપયોગ વિકાસ માટે કરવાનો છે. તેથી આ એક ગંભીર મુદ્દો છે.બંને વચ્ચે સંતુલન જાળવવું પડે છે, અને તેથી જ તે ચર્ચાનો વિષય છે. કોઈ એક એવો હોવો જોઈએ, જે પોતાની દ્રષ્ટિ અને વિચારોને આગળ કરી શકે. કૃપા કરીને મારી નિવૃત્તિ પહેલાં કેટલાક સૂચનો આપો. ચીફ જસ્ટિસ 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, વરિષ્ઠ વકીલો દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. તેમણે બાકીના પક્ષકારોને તેમની નિવૃત્તિ પહેલાં જરૂરી પગલાં લેવા જણાવ્યું, અને આ મામલે વધુ સુનાવણી માટે 17 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

આમ આદમી પાર્ટી તરફથી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું કે, કલ્યાણકારી યોજનાઓ અને ફ્રી રેવડી કલ્ચરમાં તફાવત છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, અર્થવ્યવસ્થાએ સંપત્તિ અને લોકોના કલ્યાણ વચ્ચે સંતુલન જાળવવું પડશે. આમ આદમી પાર્ટીએ અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે, લાયક અને વંચિત લોકોના સામાજિક-આર્થિક કલ્યાણ માટેની યોજનાઓને મફત તરીકે વર્ણવી શકાય નહીં.

પાર્ટીએ અરજદાર પર પણ આરોપ લગાવી કહ્યું કે, અરજદારના ભાજપ સાથે મજબૂત સંબંધો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલાં મતદાન માટે મફત સુવિધાઓ આપવાના રાજકારણની આકરી ટીકા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ ખતરનાક છે. વડા પ્રધાનના આ નિવેદન પર વિરોધ પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોઈનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે, જેઓ મિત્રોની હજારો કરોડની લોન માફ કરે છે, અને વિદેશ પ્રવાસોથી મિત્રોને હજારો કરોડના કોન્ટ્રાક્ટ મેળવે છે, તેઓ રેવડી કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા છે.

મફતની રેવડી બાટતા પક્ષોની માન્યતા રદ કરવાનો વિચાર અલોકતાંત્રિક

ચીફ જસ્ટિસ એન.વી. રમના અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું કે,ચૂંટણી દરમિયાન અતાર્કિક મફત ભેટનું વચન આપનારા રાજકીય પક્ષોને માન્યતા રદ કરવાનો વિચાર અલોકતાંત્રિક છે. બેન્ચ તરફથી ચીફ જસ્ટિસે કહ્યું કે, હું કોઈપણ રાજકીય પક્ષની નોંધણી રદ કરવાના મુદ્દામાં જવા માંગતો નથી, કારણ કે તે એક અલોકતાંત્રિક વિચાર છે, આખરે આપણી પાસે લોકશાહી છે.

ચીફ જસ્ટીસ સાંપ્રત પરિસ્થિતિના પોતાના અંગત અનુભવો વર્ણવ્યા

પોતાનો અંગત અનુભવ શેર કરતા ચીફ જસ્ટિસે કહ્યું, મારા સસરા ખેડૂત છે અને સરકારે નવા વીજળી કનેક્શન આપવાના બંધ કર્યા હતા. ત્યારે તેઓ કનેક્શનની રાહ જોઈ રહ્યા હતા.  તેણે મને પૂછ્યું કે શું હું કંઈ કરી શકું?  મેં તેને કહ્યું કે આ પોલિસી છે.  પરંતુ બાદમાં સરકારે એવો નિર્ણય લીધો કે જે ગેરકાયદેસર કનેક્શન છે તેને નિયમિત કરવામાં આવે. એક તરફ  ખેડૂતો કાયદેસર રીતે કનેક્શનની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ ખોટું કરવા વાળાને રાહત મળી રહી હતી. તેઓએ ઉમેર્યું કે  હું મારા ઘરમાં એક ઈંટ પણ ઉમેરી શકતો નથી કારણ કે જો હું આવું કરું તો હું મંજૂર યોજનાનું ઉલ્લંઘન કરું છું.  પરંતુ મારી બાજુના પડોશીઓ મકાન ઉપર માળ બનાવી રહ્યા છે અને સરકાર તેને પછીથી નિયમિત કરે છે.  આજે આ સ્થિતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.