Abtak Media Google News
  • શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
  • જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ એવોર્ડ મેળવનાર  શિક્ષક રાતડીયા અનુભાઈ, ઉનડપોત્રા રજાક,જગદીશભાઈ ઝાપડિયા, ડાભી શિલ્પાબેન અને ઉમેશભાઈ વાળાનું સન્માન

જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિન- 2022 જિલ્લા/તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ નો શુભારંભ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

1662365246004

ધોળકીયા સ્કુલ ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રી રૈયાણીએ કહ્યું હતું કે, તમામ શિક્ષકોમાં રહેલા ગુરુ એ પાયાના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ટીચર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રની વિચારધારામાં શિક્ષકો મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણમાં ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાની તાકાત છે અને એ તાકાત આવનારા સમયમાં સમગ્ર દેશ અને દુનિયા જોશે.  દેશમાં શિક્ષણને નવી ઊંચાઈ પર લઈ જવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું મોટું યોગદાન છે. ગુજરાતમાં દરેક બાળકને શિક્ષિત કરવાનું બિડું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઝડપ્યું છે.

આ તકે જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર જીવાપર પ્રાથમિક શાળા જસદણના શિક્ષક રાતડીયા અનુભાઈ, જિલરિયા તાલુકા શાળા પડધરી તાલુકાના શિક્ષક ઉનડપોત્રા રજાક તથા  કડુકા પ્રાથમિક શાળા નંબર- 1, જસદણના શિક્ષક જગદીશભાઈ ઝાપડિયાને મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી, સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર સાથે સન્માન કરાયું હતું તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.

1662365245993

રાજ્યકક્ષાએ એવોર્ડ મેળવનાર સરસ્વતી શાળા નંબર-97, રાજકોટના શિક્ષિકા ડાભી શિલ્પાબેનને રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતેથી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર સેન્ટમેરી સ્કૂલના શિક્ષક ઉમેશભાઈ વાળાનું સન્માન ન્યુ દિલ્હી ખાતે કરાયું હતું.

ધોળકિયા સ્કૂલના બાળકોએ વિવિધ મહાનુભાવોની વેશભૂષા ધારણ કરીને લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તેમજ શિક્ષણ અને શિક્ષકોનું મહત્વ સમજાવતી ડોક્યુમેન્ટરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

શિક્ષકોના સન્માન સમારોહમાં સાંસદ  મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા, જિલ્લા શિક્ષણ તાલીમ કેન્દ્રના મીનાક્ષીબેન, શાસનાધિકારી  કિરીટસિંહ પરમાર તથા ધોળકીયા શૈક્ષણીક સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષકો વિના શિક્ષણ નથી અને શિક્ષણ વિના વિકાસ નથી : કલેક્ટર

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ કહ્યું હતું કે, શિક્ષકો એ રાષ્ટ્રની ઓળખને પ્રસ્થાપિત કરે છે. આજે આપણે સૌ કોઈ  લોકો જીવનમાં જે મુકામ પર પહોંચ્યા છે તેમાં ગુરુઓનો વિશેષ ફાળો રહ્યો છે. માતા-પિતા અને ગુરુદેવો ભવ: માં ગુરુને માતા-પિતા કરતા પણ વિશેષ માન આપવામાં આવ્યું છે. શિક્ષકો દેશ નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગાંધીજી એ વિશ્વ ગુરુ છે કે જેણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો અને શાંતિથી જીવતા શીખવ્યું. શિક્ષકો વિના શિક્ષણ નથી અને શિક્ષણ વિના વિકાસ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.