Abtak Media Google News

ચલચિત્ર જગતના દિગજજોની હાજરીમાં અમદાવાદમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલીસીનું કરાયું લોન્ચીંગ

અબતક,રાજકોટ

મુખ્યમંત્રી   ભૂપેન્દ્રભાઇ પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું.પ્રવાસન મંત્રી  પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી  અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને તખ્તાના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા ગણમાન્ય આમંત્રિતો આ લોન્ચિંગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ સિનેમેટીક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ક્હ્યુંકે  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે.

Img 20220912 Wa0053

ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે અને  વિશ્વના રોકાણકારો,વ્યવસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે.આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણ થી આત્મ નિર્ભર ભારત  માટે આ પોલીસી  ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.તેમણે  કહ્યું કે આ પોલિસી  ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.1022 કરોડના ચાર એમ.ઓ.યુ.  પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.

ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે: અરવિંદ રૈયાણી

02 6

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સિનેમેટિક ટુરિઝમ પોલીસીથી રાજ્યના વિકાસને વધુ વેગ મળશે. તેમ “અબતક” સાથેની ખાસ વાતચિત દરમિયાન રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે આ નવી પોલીસીથી રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. સાથોસાથ ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ પ્લેટફોર્મ મળી રહેશે. નવી પોલીસીનો લાભ લેવા ઇચ્છતા પ્રોડક્શન હાઉસ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ પધ્ધતી અમલમાં મૂકવામાં આવી છે. જેનો મોટો ફાયદો થશે. તેઓએ ઉમેર્યું હતું કે બોલીવુડના ખ્યાતનામ કલાકાર અજય દેવગણે પણ ગુજરાતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે રસ દાખવ્યો છે. પોલીસી અંતર્ગત 1022 કરોડના એમઓયુ થયા છે. વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત મૂડી રોકાણ માટેની પ્રથમ પસંદગી રહ્યું છે ત્યારે સીનેમેન્ટિક ટુરિઝમ પોલીસીથી રાજ્યનો વિકાસ આભને આંબશે તેવો મને વિશ્ર્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.