Abtak Media Google News

વિશ્વના શ્રેષ્ઠ 50 ટુરિઝમ સ્થળમાં અમદાવાદનાં સાયન્સ સિટીનો સમાવેશ

ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાજ્યના બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચિ કેળવાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. આ પ્રયત્નમાં ભારત સરકારનું પણ માર્ગદર્શન મળી રહે છે. આ પ્રકારે રાજ્યના બાળકોમાં વૈજ્ઞાનિક માનસ કેળવાય તે માટે ડબલ એન્જિન સરકારનો લાભ રાજ્યને મળી રહ્યો છે. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ ખાતે સાયન્સ સીટીની શરૂઆત કરી હતી. આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સાયન્સ સિટી દેશનું માનીતું સાયન્સ ટુરિઝમનું સ્થળ બન્યું છે. ટાઈમ્સ મેગેઝીન દ્વારા 2022ના વિશ્વના શ્રેષ્ઠ 50 સ્થળોમાં અમદાવાદ સાયન્સ સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના સ્થાપના દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. બાળકોને ડાયનાસોર વિશે માહિતી મળી શકે તે માટે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનાં રૈયાલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ના ફેઝ -2 નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.  આદરણી વડાપ્રધાનશ્રી દ્વારા હાલમાં જ ભૂજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની સાથે 21મી સદીના વિજ્ઞાન યુગના પગલે રિજિયોનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માનવીના માનસ પર વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરી વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવાનો સાથે જ વિદ્યાર્થીઓને આગામી પેઢીના વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરિત કરવાનો છે.

Pm Modi Spoke To Gujarat Cm Bhupendra Patel Over Phone, Inquired About The Flood Situation, Assured All Possible Help - Edules

અમદાવાદ સાયન્સ સિટી

107 હેકટરના વિશાળ હરિયાળા કેમ્પસ માં ફેલાયેલ સાયન્સ સિટી કેમ્પસ ના વિવિધ પ્રકલ્પો અને આકર્ષણો તમામ ઉમર ના લોકોને આકર્ષે છે. તે શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ છે. તે સામાન્ય માણસને વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમજ પૂરી પાડવા માટે સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, અનુભવો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર્સ, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન બતાવે છે. હાલમાં જ અહીં ત્રણ નવા આકર્ષણોના ઉમેરા સાથે – રોબોટિક્સ ગેલેરી, એક્વાટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.  સાયન્સ સિટીએ આ એક વર્ષમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. તે મુલાકાતીઓ માટે સ્વર્ગ બની ગયું છે. આ વિશ્વ-કક્ષાની ગેલેરીઓ માત્ર તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષી રહી નથી પરંતુ તેમને રાજ્ય અને રાષ્ટ્રમાં એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવાસન સ્થળ પણ સ્થાપિત કર્યું છે. ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે સાયન્સ સિટી ખાતે ઓનલાઈન બુકિંગ અને ટિકિટીંગ સિસ્ટમ વિકસાવી છે. મુલાકાતીઓ વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર અગાઉથી તેમની ટિકિટ સરળતાથી બુક કરવી શકે છે. સાયન્સ સિટીના અત્યાધુનિક આકર્ષણો લોકોને આકર્ષી રહ્યા છે તે આ મુજબ છે.

રોબોટિક ગેલેરી : અત્યાધુનિક ગેલેરી જે રોબોટિક ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે. હ્યુમનોઈડ રોબોટ મુલાકાતીઓનું સ્વાગત કરે છે અને ગેલેરીથી અવગત કરાવે છે.

એકવેટિક ગેલેરી : તે મુલાકાતીઓને જલસૃષ્ટિ ની વિશાળ દુનિયામાં લઈ જાય છે, અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એકવેરિયમમાં 27 મીટરની વોકવે ટનલમાં વિવિધ ટેન્ક માં શાર્ક સહિત વિવિધ જળજીવોનો સમાવેશ છે

નેચર પાર્ક: 20 એકર થી વધુ વિસરમાં ફેલાયેલ નેચર પાર્ક સાયન્સ સિટીનું એક ઘરેણું છે. તેમાં બાંબુ મિસ્ટ ટનલ, ઓક્સિજન પાર્ક, બટરફ્લાઈ ગાર્ડન , કલર ગાર્ડન , ચેસ , યોગા સ્પેસ તથા બાળકો માટે રમવાની જગ્યા છે.

એમ્ફિથિયેટર: ગુજરાત સાયન્સ સિટી નું એમ્ફિથિયેટર ( ખુલ્લુ થિયેટર) 1200 લોકોની ક્ષમતા ધરાવે છે અને વૈજ્ઞાનિક ઈવેન્ટ  માટેનું આદર્શ સ્થળ છે. શિખનારાઓ અને શિક્ષણવિદો માટે વૈજ્ઞાનિક વાતાવરણમાં સંવાદમાટે આદર્શ સ્થળ છે.

એનર્જી પાર્ક: અંદાજે 9000 સ્ક્વેર મીટરમાં ષટ્કોણ આકારમાં પથરાયેલ એનર્જી એજ્યુકેશન પાર્ક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ નાપાંચ મૂળભૂત પાસાઓ (પંચભૂત) દ્વારા પ્રદર્શનનું વર્ગીકરણ કરે છે. હોલ ઓફ સાયન્સ: હોલ ઓફ સાયન્સ સંશોધન માટેની વિશાળ જગ્યા છે જ્યાં અનુભવ અને પ્રેક્ટિકલ લર્નિંગ થઈ શકે છે. તે મુલાકાતીઓને જાત અનુભવ થી સમજવા માટે પ્રોત્સાહિત કરે છે હોલ ઓફ સ્પેસ: હાઇ રિઝોલ્યૂશન પિક્ચર્સ અને વિઝટર- ઈન્ટરેક્ટિવ કંટ્રોલ ડિસ્પ્લે સાથે , અવકાશ સંશોધન ક્ષેત્ર આ ક્ષેત્રની મહત્વની સફળતાઓ નું નિદર્શન કરે છે. લાઈફ સાયન્સ પાર્ક: લાઈફ સાયન્સ પાર્ક બાળકોને કુદરત તરફ પ્રેરિત કરવા અને તે દિશામાં વૈજ્ઞાનિક જાણકારી આપવા માટે કાર્યરત છે. તે પૃથ્વી પર જીવન કેવી રીતે ચાલે છે તેનું નિદર્શન પણ કરે છે. આ પાર્ક નો મુખ્ય હેતુ બાળકો ને કુદરત વિશે શીખવા-જાણવા, તેના જીવન ઉત્ક્રાંતિ, પ્રસાર અને અસ્તિત્વ માટે જાગૃત કરવાનો છે.

પ્લેનેટ અર્થ: પ્લેનેટ અર્થ એ આપણા પૃથ્વી ગ્રહ વિષે જાણકારી આપે છે લોકોને કુદરતી આફતો જેમકે ભૂકંપ , જ્વાળામુખી , ભૂસ્ખલન વિષે માહિતગાર કરે છે તથા પૃથ્વીના આશ્ચર્યચકિત રહસ્યો વિષે જાણકારી આપે છે.

IMAX 3D: આઇમેક્સસનો અનુભવ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી ફિલ્મ જોવાનો અનુભવ કરાવે છે. 8 માળની ઊચાઇ અને 12000 વોટ ડિજિટલ ઓડિઓ થી સજ્જ ટેક્નોલોજી લોકોને ક્યારેય ન અનુભવ્યો હોય તેવો દર્શનિક અનુભવ આપે છે.

Raiyali

ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર

આ સેન્ટર આશરે 10 એકર જમીન ઉપર રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જે મુલાકાતીઓની વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરશે સાથે જ જીવન પર્યન્ત શીખવાની વૃત્તિ આગળ વધે તેવી વાઇબ્રન્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યુ છે. આ સાયન્સ સેન્ટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા સ્મૃતિવન પાસે, ભુજીયો ડુંગરની તળેટીમાં, માધાપર રોડ ખાતે વિકસાવવામાં આવ્યુ છે. કચ્છ ભુજની ભૌગોલિક પરીસ્થિતિને આધારે છ પ્રકારની વિવિધ થીમ આધારિત ગેલેરી વિકસાવાઈ છે. સ્પેસ સાયન્સ ગેલેરી : વિવિધ ખગોળીય સિદ્ધાંતો અને અવકાશી પદાર્થો પર કેન્દ્રિત વર્ણનાત્મક, ઇન્ટરએક્ટિવ અને ઇન્ફોટેઈનમેન્ટ થીમ આધારિત રાઇડ્સ ધરાવતું અંતરિક્ષ સંશોધનના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યનો ચિતાર આપતું પ્રદર્શન નિહાળવા મળે છે.

મરિન નેવિગેશન: આ ગેલેરીમાં સમુદ્ર યાત્રાનો પ્રાચીન ઇતિહાસ, વિવિધ સિગ્નલના આંતરરાષ્ટ્રીય કોડ્સ, દરિયાઈ નેવિગેશનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ, સાધનો કે જે સમુદ્રિ યાત્રામાં ઉપયોગમાં લેવાય છે તેની રસપ્રદ માહિતી ઇન્ટરએક્ટિવ પદ્ધતિથી દર્શાવતું પ્રદર્શન નિહાળવા મળે છે.

એનર્જી સાયન્સ : ઉર્જાના વિવિધ સિધ્ધાંતો પર આધારિત થિયરીથી લઈને તેની વ્યવહારુ એપ્લિકેશન રસપ્રદ રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે. મુલાકાતીઓને વિવિધ મોડેલ્સ મારફતે જણાવવામાં આવેલ છે કે કેવી રીતે ઉર્જા આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે.

નેનો ટેક્નોલોજી: નેનો ટેક્નોલોજીના વિવિધ સિદ્ધાંતો, સાધનો, તકનીક તથા એપ્લિકેશન્સને આ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. નેનો ટેક્નોલોજીની વર્તમાન સમયમાં માનવજીવનમાં  ઉપયોગીતા અને ભવિષ્યમાં તેના દ્વારા આવનાર પરિવર્તનને વિવિધ ઉત્પાદોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવેલ છે.

બોન્સાઇ: બોન્સાઇ વૃક્ષ વિકસાવવાની કળા તથા તેની સાથે સંકળાયેલ વિજ્ઞાન વિવિઘ ઇન્ફોગ્રાફીક્સ તથા જીવંત નમૂનાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે. સાથે સાથે બોન્સાઈ વર્કશોપમાં પોતાના હાથે બોન્સાઇ વૃક્ષ વિકસાવવાનો મોકો પણ મળે છે.

ફિલ્ડ્સ મેડલ : આ એક વિશિષ્ટતા ધરાવતી ગેલેરી બનાવવામાં આવી છે જેમાં ગણિતના ક્ષેત્રે આગવું યોગદાન આપનારા યુવા ગણિતજ્ઞો કે જેઓને ફિલ્ડ્સ મેડલ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે તથા ભારતના એવા ગણિતજ્ઞો જેમણે ગણિતના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપેલ છે, તેઓને સમર્પિત છે.

ભૂજ સાયન્સ સેન્ટરની અન્ય વિશેષતાઓ

સેન્ટરમાં ગેલેરીઓ ઉપરાંત લોકોના મનોરંજન માટે સબમરીન સિમ્યુલેટર, મરિન નેવિગેશન સિમ્યુલેટર, 3ઉ થિએટર, સોલાર ટ્રી, ફીબોનાચી સિદ્ધાંત આધારિત સ્કલ્પ્ચર, બાળકોને રમવા માટે નેનોટનલ, પી.એસ.એલ.વી. રોકેટ મોડેલ, બોન્સાઇ ગાર્ડન અને વર્કશોપ જેવી અદ્યતન સુવિધાઓનો મુલાકાતીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સંશોધકોને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળી રહે છે. આખા કેન્દ્રની ફરતે વિજ્ઞાનની થીમ આધારિત ઉદ્યાન વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં આઉટડોર પ્રદર્શનનો આનંદ પણ માણી શકાશે.આ ઉપરાંત સાયન્સ સેન્ટર ક્લીન એનર્જી એફિસિયન્ટ બને અને સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરી તેનો ઉપયોગ કરવા માટે કેન્દ્રની મુલાકાતે આવનાર લોકોને પ્રેરણા મળી શકે તે માટે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવશે. ભુજનું રિજિયોનલ સાયન્સ સેન્ટર સમગ્ર કચ્છ જિલ્લામાં વિજ્ઞાન અને તકનીકી આધારિત ઇનોવેશનનું કેન્દ્ર બનશે. સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝીયમ અને ફોસીલ પાર્ક 

આ ફોસિલ પાર્ક અને મ્યુઝિયમનો ઇતિહાસ અનોખો છે. વર્ષ 1980માં બાલાસિનોર નજીક રૈયોલીમાં પુરાતત્વવિદ્દોને અચાનક ડાયનોસોરના હાડકાં અને અન્ય અવશેષો મળી આવ્યાં. ત્યારબાદ, દુનિયાભરના સંશોધકો આ સ્થળે દોડી આવ્યાં અને આ વિસ્તારમાં અનેક ખોદકામ કરવામાં આવ્યાં, જેના તારણોમાં એ હકીકત સામે આવી છે કે 66 મિલિયન વર્ષો પહેલા ડાયનોસોરની 13 કરતા વધુ પ્રજાતિઓ જોવા મળતી હતી.

અહી રાજાસૌરસ નર્મનડેનિસ પ્રકારના ડાયનોસોર્સના અવશેષો, તેમના ઇંડાઓ અને અન્ય અશ્મિઓને ફ્રીઝ કરીને આ પાર્કની રચના કરવામાં આવી છે. આ એક ઓપન ફોસિલ પાર્ક છે, જ્યાં ટી-રેક્સ ડાયનાસોર અને બ્રોન્ટોસોરસ ડાયનાસોરના ખૂબ મોટા સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, જેને જોઇને એમ લાગે કે જાણે સાચા ડાયનાસોર જ આપણી સમક્ષ આવીને ઊભા હોય. અહીં જે અવશેષો સાચવવામાં આવ્યા છે તેમાં, ડાયનાસોરના સાંથળના અસ્થિઓ, આઇ હોલ એટલે કે આંખમાં છિદ્ર, ટિબિયા ફિબ્યુલા, કરોડરજ્જુના મણકાઓ, ઇંડા, પંજાઓ, ચામડી તેમજ લાકડાના અવશેષોનો સમાવેશ થાય છે. ડાયનોસોરના મગજના અવશેષો પણ આ પાર્કમાં જોવા મળે છે.

ફોસિલ પાર્કની પાસે જ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાંથી મુલાકાતીઓ ભારત અને ગુજરાતમાં મળી આવેલા ડાયનોસોરના અવશેષોના ઇતિહાસ વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે. વિવિધ પ્રજાતિઓની ઉત્ક્રાંતિ વિશે વિસ્તારપૂર્વક સમજણ આપવા માટે આ મ્યુઝિયમમાં મલ્ટિમીડિયા ડિવાઇસીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમ માટે બાલાસિનોરમાં એક માહિતી કેન્દ્ર પણ આવેલું છે, જેને ટાઈમ મશીન, 5-ડી થિયેટર, 3-ડી ફિલ્મ, મેસોઝોઇક સમયનું આબેહૂબ પ્રદર્શન, સોવેનિયર શોપ વગેરેથી સજ્જ કરવામાં આવ્યું છે. પૃથ્વીની ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરતા ડિસ્પ્લે ઉપરાંત, ત્યાં રાજાસૌરસ નર્મન ડેનિસનું એક મોટું સ્કલ્પચર પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં લગભગ 40 જેટલાં ડાયનોસોરના સ્કલ્પચર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે, જે તેમના કદ, આકાર, આદતો અને રહેણાંક વિસ્તાર વગેરે પર પ્રકાશ પાડે છે. પુરાતત્વવિદ્દો દ્વારા વર્ષોના કાળજીપૂર્વકના અભ્યાસ પછી આ પેટર્ન્સ તૈયાર કરવામાં આવી છે. આ અલ્ટ્રા-મોડર્ન મ્યુઝિયમની જાળવણી માટે ફોસિલ પાર્ક ડેવલપમેન્ટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત, બાળકોના મનોરંજન માટે ડિનો ફન પણ બનાવવામાં આવ્યું છે.

ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બાળકથી લઇને વડીલો સુધી તમામ ઉંમરના લોકો માટે એક પર્ફેક્ટ પ્રવાસન સ્થળ છે. આ એક મલ્ટિલેવલ એર કંડિશન્ડ મ્યુઝિયમ છે અને વ્હીલચેર્સ માટે રેમ્પ્સ અને પ્રામ્સની મદદથી તેને બાળકો તેમજ દિવ્યાંગો માટે મૈત્રીપૂર્ણ બનાવવામાં આવ્યું છે. પ્રવાસીઓ પાર્ક અને મ્યુઝિયમમાં લગાવવામાં આવેલા ડાયનોસોરના સ્ટેચ્યુ સાથે ફોટા પણ પડાવી શકે છે. આ પાર્કની એક મુલાકાત તમને ચોક્કસપણે ગુજરાતના ડાયનોસોરના ઇતિહાસમાં ડૂબકી લગાવવા માટે પ્રેરિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.