Abtak Media Google News

પ્રદેશ ભાજપ દ્વારા શહેર કે જિલ્લા સંકલનને પેનલ બનાવવાની હાલ કોઇ સુચના નહીં, છેલ્લી ઘડીએ પેનલ બનાવવાનું નક્કી કરાય તો રાજકોટની ચાર બેઠકો માટે 20 મજબૂત દાવેદારો: નિરિક્ષકો સમક્ષ સેન્સ દરમિયાન આવેલા તમામ નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવાશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખોનું એલાન આગામી 24-48 કલાકમાં ગમે ત્યારે કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. રાજ્યની વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરિક્ષકો સમક્ષ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરનારા તમામ દાવેદારોના નામ બોર્ડમાં રજૂ કરી દેવામાં આવશે. જો છેલ્લી ઘડીએ પેનલ બનાવવાની સુચના આપવામાં આવશે તો બેઠક વાઇઝ ત્રણ-ત્રણ નામોના બદલે આ વખતે પાંચ-પાંચ નામોની પેનલ બનાવવામાં આવશે. જો તમામ નામો રજૂ કરવામાં આવશે તો અગ્રતાક્રમ અપાશે. દાવેદારોના નામો પર ચારણો મારી પ્રદેશ દ્વારા દિલ્હી દરબારમાં પ્રબળ દાવેદારોના નામો રજૂ કરવામાં આવશે.

શહેર ભાજપમાં કાર્યકરો અને આગેવાનોમાં થતી ચર્ચાઓ મુજબ જો ટર્મ અને ઉંમરનો બાધ નક્કી કરવામાં નહી આવે તો રાજકોટની ચાર પૈકી ત્રણ બેઠકો પર સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. એક માત્ર રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને નવો ચહેરો આવી શકે છે. હાલ શહેર ભાજપના હોદ્ેદારોને બેઠક વાઇઝ પેનલ બનાવવાની કોઇ સુચના આપવામાં આવી નથી. સેન્સ દરમિયાન આવેલા નામો રજૂ કરી દેવા જણાવવામાં આવ્યું છે. છતા પણ જો છેલ્લી ઘડીએ પેનલ બનાવવાનું નક્કી કરવામાં આવે તો આ વખતે ત્રણના બદલે પાંચ નામોની પેનલ બનશે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી ઉપરાંત પૂર્વ ડેપ્યૂટી મેયર વલ્લભભાઇ દુધાત્રા, શાસક પક્ષના પૂર્વ નેતા દલસુખભાઇ જાગાણી, પૂર્વ મેયર અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ અને પૂર્વ ડેપ્યૂટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયાના નામોની પેનલ બની શકે છે. જ્યારે 69 રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને આ બેઠકના વર્તમાન ધારાસભ્ય વિજયભાઇ રૂપાણીએ દાવેદારી નોંધાવી નથી. આ બેઠક માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુક્લ, જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇ અને ડેપ્યૂટી મેયર ડો.દર્શીતાબેન શાહના નામની પેનલ બનાવવામાં આવશે.

70- રાજકોટ દક્ષિણ બેઠક માટે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, પૂર્વ ડેપ્યૂટી મેયર નરેન્દ્રભાઇ સોલંકી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીના નામની પેનલ બનશે.

જ્યારે 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, મોહનભાઇ ધ્રાફડા અને ગિરીશ પરમારના નામની પેનલ બને તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જો કે બેઠક વાઇઝ પેનલો બનાવવામાં આવશે તો પણ સેન્સ દરમિયાન જે કાર્યકરો કે આગેવાનોએ કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે તે તમામના નામો પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરી દેવામાં આવશે. જો સ્થાનિક સંકલન સમિતિ દ્વારા બેઠક વાઇઝ પેનલો નહી બનાવવામાં આવે તો પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પેનલ બનાવાશે અને તે કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામની જાહેરાત દિલ્હીથી તબક્કાવાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.