Abtak Media Google News

મતદાનના આગલા દિવસે ઉમેદવારો દ્વારા ઘેર-ઘેર જઇ હાથ જોડી મત માંગ્યા: નારાજ, અસંતુષ્ઠ, સમાજના આગેવાનોને મનાવી લેવા બેઠકનો ધમધમાટ: આજે રાતે મોટા ઓપરેશન પાર પડાશે

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં આવતીકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ગઇકાલે સાંજે પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ હવે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા મતદારોને મનાવવા માટે મનામણા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે કતલની રાત છે. છેલ્લી ઘડીએ મતદારોને પોતાની તરફ ખેંચી લાવવા માટે આજે રાત્રે મોટા ઓપરેશન પાર પાડવામાં આવશે.

રાજનીતીમાં મતદાનની આગલી રાતને કતલની રાત કહેવામાં આવે છે. આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. 2.40 કરોડ મતદારો દ્વારા 788 ઉમેદવારોનું રાજકીય ભાવી આવતીકાલે નક્કી કરવામાં આવશે. ગઇકાલ સાંજથી પ્રચાર-પડઘમ શાંત થતાની સાથે જ ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મતદારોને મનાવવા માટે રિતસર મથામણ કરવામાં આવી રહી છે. ઉમેદવારો હાથ જોડીને મતનું દાન માંગી રહ્યા છે. આજે સવારથી ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને પોતાની તરફ ખેંચી લાવવા માટે એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. નારાજ મતદારોને મનાવવા માટે કસરત શરૂ કરી દેવામાં આવી છે. આજે તાવા પાર્ટી, ભજીયા પાર્ટી, જમણવારનો જલ્શો ચાલી રહ્યો છે. જે વિસ્તારોમાં હજી લોકસંપર્ક કરવાની જરૂરિયાત છે. ત્યાં ઉમેદવારો દ્વારા આજ સવારથી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

મોટા સમૂહમાં મતદારો ધરાવતા હોય તેવા સમાજ, નારાજ અને અસંતુષ્ઠ રાજકીય આગેવાનોને મનાવી લેવા આજે રાત્રે ઓપરેશન ચલાવવામાં આવશે. શામ, દામ, દંડ, ભેદ કોઇપણ નીતિ અપનાવી મતદારોને પોતાની તરફ ખેંચી લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. યુવાનોને સ્પોર્ટ્સ કીટના પ્રલોભન આપવામાં આવશે. વડીલો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવાની બાહેંધરી આપવામાં આવશે. મહિલાઓની માંગણી પણ પરિપૂર્ણ કરવામાં આવશે. ટૂંકમાં આજે ઉમેદવારો માંગો તે હાજર કરી દેશે.ઉંચુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોતાના પરંપરાગત મતદારો કોઇપણ ભોગે મતદાનથી વંચિત ન રહે તે માટે રાજકીય પાર્ટી કે ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા મતદારોઓ માટે ઘરથી મતદાન બૂથ સુધી લાવવા અને લઇ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આવતીકાલે બપોર બાદ કાર્યકર્તાઓ મતદારોને મતદાન માટે ઘરની બહાર કાઢવા માટે તનતોડ મહેનત કરવામાં આવશે. જો થોડી મહેનત કરી હોત તો આપણે ધારાસભ્ય બની ગયા હોત! તેવો પસ્તાવો ન રહી જાય તે માટે આજે અંતિમ દિવસે અને કતલની રાતે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કરવામાં આવશે.

  • સૌરાષ્ટ્રવાસીઓ પુનરાવર્તન માટે મતદાન કરશે કે પરિવર્તન માટે?
  • સૌરાષ્ટ્રની 48 બેઠકો ગાંધીનગરની ગાદીનું ભવિષ્ય નક્કી કરશે

સૌરાષ્ટ્રવાસીઓ આવતીકાલે ગુજરાતમાં પુનરાવર્તન માટે મતદાન કરશે કે પરિવર્તન માટે? તે ખૂબ જ મહત્વનું છે. કારણ કે ગાંધીનગરની ગાદીનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી નિકળે છે. આવામાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકોમાંથી શક્ય તેટલી વધુ બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષો તથા ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવશે.

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપને માત્ર 23 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ 30 બેઠકો પર વિજેતા બન્યું હતું. આ વખતે સૌરાષ્ટ્રને સર કરવા માટે બન્ને રાજકીય પાર્ટી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રનો મિજાજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો નક્કી કરતું હોય છે. પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્રમાં જો 65 થી 70 ટકા જેટલું મતદાન થાય તેવી સંભાવના હાલ વર્તાય રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતમાં સત્તાના પૂનરાવર્તન માટે મતદાન કરશે કે પરિવર્તન માટે? તે ભરેલા નાળીયેર જેવી સ્થિતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.