Abtak Media Google News

ઝેરોક્ષની 3 દુકાનનાં નામ ખૂલ્યાં: લીંબડીના કેસમાં વકીલનો કબ્જો લેવાશે

સુરેન્દ્રનગર શહેર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને લીંબડીના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના નામની ખોટી સહી કરી હાઈકોર્ટમાં મોકલનારા વકીલના 5 દિવસના રીમાન્ડ પૂરા થયા હતા. આથી વધુ 10 દિવસના રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા પણ અરજી નામંજૂર કરાતાં હાલ જેલહવાલે કરાયા છે. પૂછપરછમાં ખૂલેલા 4 ઝેરોક્સ અને ટાઇપિંગની દુકાનોના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી ગાંધીનગર એફએસએલમાં મોકલાયા છે. હવે લીંબડી જજની ખોટા રાજીનામા કેસ અંગે કોર્ટની મંજૂરી લઈ વકીલ સામે કાર્યવાહી હાથ ધરાશે.

સુરેન્દ્રનગનર શહેરની કોર્ટમાં પ્રિન્સિપાલ સિવિલ જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા મહિલા જજ આર. વી. રાજે અને લીંબડી કોર્ટમાં ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રતીક જે. તમાકુવાલાની ખોટી સહી કરીને કોઈએ તમના નામે હાઈકોર્ટને બોગસ રાજીનામું મોકલ્યાના બનાવની લીંબડી અને સુરેન્દ્રનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રાજકોટ એફએસએલની તપાસમાં સહી ખોટી હોવાનું ખૂલતાં એસઓજી ટીમે સુરેન્દ્રનગરના વકીલ મહેન્દ્ર જેંતીલાલ મુલિયાની ધરપકડ કરી 5 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

બાદમાં રાજકોટ એફએસએલમાં લાઇ ડિટેક્શન ટેસ્ટ કરાયો હતો, જેમાં વકીલ શંકાસ્પદોનાં નામ છુપાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યારે પૂછપરછમાં રાજીનામું ટાઇપ થવામાં ટાઇપ અને ઝેરોક્સની દુકાનોનાં નામ ખૂલતાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સામે આવેલી રાજ, અનેરી અને મહાકાલી ટાઇપ અને ઝેરોક્સની દુકાનોનાં કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી ગાંધીનગર એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવી છે. બીજી તરફ એસઓજી ટીમે વધુ તપાસ અને પૂછપરછ માટે આરોપી વકીલ મહેન્દ્ર મુલિયાને કોર્ટમાં રજૂ કરી આરોપી સહકાર ન આપતા હોવાથી સાઇકોલોજી ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરવાની જરૂર હોવાથી 10 દિવસના રીમાન્ડ માગયા હતા પરંતુ કોર્ટે નામંજૂર કરતાં હાલ વકીલને જેલહવાલે કરવામાં આવ્યા છે. વધુમાં હજુ લીંબડીના જજના ખોટા રાજીનામા અંગે આરોપીની ધરપકડ બાકી હોવાથી આરોપીને સોમવારે કોર્ટની મંજૂરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.