Abtak Media Google News

ભાઈઓમાં 07.45 મિનિટ સાથે પંચાલ રોહિત અને બહેનોમાં 08.57 મિનિટ સાથે કઠેચીયા અસ્મિતા પ્રથમ ક્રમાંકે વિજેતા

વિજેતાઓને કુલ રૂ. 2,34,000 ના પુરસ્કારો એનાયત  

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી.સંપટ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. આ સ્પર્ધામાં 82 ભાઈઓ અને 60 બહેનો એમ મળી કુલ 142 જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અગાઉના તમામ રેકોર્ડો તોડી ભાઈઓમાં પંચાલ રોહિત પ્રકાશભાઈ 07.45 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે અને બહેનોમાં કઠેચીયા અસ્મિતાબેન રમેશભાઈ 08.57 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમને સંબોધન કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, માં ચામુંડા માતાજીના સાનિધ્યમાં સૌના સહયોગથી આજે આપણે આ સ્પર્ધાના તૃતીય સંસ્કરણમાં પ્રવેશ કર્યો છે. આખા રાજયમાંથી બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવે છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજ્યભરમાં આ પ્રકારની સાહસિક રમતો પ્રત્યે રસરુચિ વધી રહ્યા છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી પૂરવાર થશે. વધુમાં તેમણે બાળકોને પોતાના જીવનમાં ધ્યેય નક્કી કરી પ્રગતિ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

Img 20230105 Wa0015

સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ યોજવા પાછળનો રાજ્ય સરકારનો મૂળભૂત ઉદેશ્ય જીવન ઘડતર કરવાનો છે.જેના થકી બાળકોમાં સાહસ, ખેલદિલી, મહેનત, સતત ઝઝૂમવાની વૃત્તિ, મક્કમ મનોબળ સહિત અતિ અગત્યના કહી શકાય તેવા ગુણો વિકસે છે, અને નવું શીખવાની તકો મળે છે.  સ્પર્ધામાં હાર અને જીત એ રમતનો એક ભાગ છે પરંતુ તેમાં ભાગ લેવો, ખેલદિલી સાથે રમવું અને જે પરિણામ આવે તેનો સ્વીકાર કરતાં શીખવું અને આગળ વધવું એ મહત્વનું છે. આ સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ સ્પર્ધકો ગિરનાર નેશનલ આરોહણ- અવરોહણ સ્પર્ધામાં વિજેતા થઈ પોતાનું નામ રોશન કરી જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ કલેકટર આપી હતી.જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન અને ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનારને રૂ.25,000, દ્વિતિય નંબર મેળવનારને રૂ.20,000 તૃતીય નંબર મેળવનારને રૂ.15,000 એમ કુલ 10 નંબર સુધીના વિજેતાઓને  કુલ રૂ.2,34,000ના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નાથાભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ કુકડીયા, ચોટીલા મહંત ગીરીબાપુ, જિલ્લા રમત ગમત અધિકારી રોહિતસિંહ પરમાર, ચોટીલા મામલતદાર અરુણ શર્મા, ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી.દેવથરા સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.