Abtak Media Google News

અમેરિકાના સંવેદનશીલ વિસ્તારોમાં ફુગ્ગો જોવા મળતા અમેરિકન સંરક્ષણ વિભાગ એલર્ટ મોડમાં

અમેરિકામાં ત્રણ બસની આકારનો શંકાસ્પદ ફુગ્ગો જોવા મળતા ચકચાર મચ્યો છે. આ ફુગ્ગો ચીનનો જાસૂસી ફુગ્ગો હોવાનું અનુમાન છે. હાલ અમેરિકા આ દિશામાં એલર્ટ મોડમાં આવજ ગયું છે. આ મામલે અમેરિકાએ સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું છે.

અમેરિકામાં એક શંકાસ્પદ ચીની જાસૂસી ફુગ્ગો દેખાયો છે જે તાજેતરના દિવસોમાં કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ઉડતું જોવા મળ્યું છે. સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે તેઓને ખાતરી છે કે આકાશમાં ઉડતો જાસૂસી ફુગ્ગો ચીનનો છે. તે તાજેતરમાં પશ્ચિમી રાજ્ય મોન્ટાનામાં જોવા મળ્યો હતો. જો કે લશ્કરી અધિકારીઓ તેને તોડી પાડવાની તરફેણમાં નથી કારણ કે તેઓ કાટમાળ પડવાના ભયથી ચિંતિત છે. ચીને હાલ આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી કરી નથી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્થિતિ પર નિવેદન જાહેર કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફુગ્ગો મોન્ટાનાના બિલિંગ્સ શહેરમાં દેખાયો તે પહેલાં અલાસ્કાના એલ્યુટિયન ટાપુઓ અને કેનેડાના આકાશમાં દેખાયાનો અહેવાલ બીબીસીએ આપ્યો હતો. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, જો જાસૂસી ફુગ્ગાને તોડી પાડવાનો આદેશ વ્હાઇટ હાઉસ દ્વારા રજૂ કરવામાં આવે છે, તો સરકારે તે સ્થિતિ માટે એફ-૨૨ જેવા ફાઇટર જેટ તૈયાર કર્યા છે. સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને જનરલ માર્ક મિલી જેવા ટોચના લશ્કરી અધિકારીઓ ધમકીનું મૂલ્યાંકન કરવા બુધવારે મળ્યા હતા.

અધિકારીઓ તેને નીચે ઉતારવાની ભલામણ કરતા નથી કારણ કે પડતો કાટમાળ જમીન પરના લોકો માટે જોખમ ઉભો કરી શકે છે. ઓછી વસ્તીવાળા રાજ્ય મોન્ટાના દેશમાં ત્રણ પરમાણુ મિસાઈલ ક્ષેત્રોમાંથી એક ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાસૂસી બલૂન માહિતી એકત્રિત કરવા માટે સંવેદનશીલ વિસ્તારો પર ઉડી રહ્યું હતું. જોકે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ ઇન્ટેલિજન્સ માટે “કોઈ દેખીતો ખતરો” નથી કારણ કે અધિકારીઓ જાણતા હતા કે ફુગ્ગો ક્યાં છે અને તે ક્યાંથી પસાર થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે પેસેન્જર પ્લેનને કોઈ ખતરો નથી કારણ કે બલૂન કોમર્શિયલ એરલાઈન્સ ઉડી શકે તેના કરતા વધુ ઊંચાઈએ ઉડે છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસએ આ મામલો બેઇજિંગ અને વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે. પેન્ટાગોનમાં ગુરુવારની બ્રીફિંગ દરમિયાન અધિકારીઓએ તેનું વર્તમાન સ્થાન જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે તેના કદ અને અન્ય વસ્તુઓ વિશે કોઈ માહિતી આપી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.