Abtak Media Google News

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં રહેતા 58 વર્ષિય મહિલા H3N2ના સંકંજામાં સપડાતા એસ.એસ.જી. હોસ્પિટલમાં વેન્ટીલેટર પર હતા: રાજ્યમાં નવા વાયરસથી પ્રથમ મોત નિપજતા લોકોમાં ભારે ફફડાટ

દેશભરમાં હાહાકાર મચાવી રહેલા એચથ્રીએનટુ વાયરસે ગુજરાતમાં પ્રથમ ભોગ લીધો છે. વડોદરાની 58 વર્ષીય મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. રાજ્યભરમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. ટેસ્ટીંગ વધારવા આદેશ આપી દેવામાં આવ્યા છે. એચથ્રીએનટુના ટેસ્ટ મફ્તમાં કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. બાળકો અને વૃધ્ધોમાં ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા સુચના આપી દેવામાં આવી છે.

દેશભરમાં એચથ્રીએનટુ નામના નવા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ આજે સવારે આ નવા વાયરસે પ્રથમ ભોગ લીધો છે. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં રહેતા અને હાઇપર ટેન્શનથી પીડિતા હતા. તાજેતરમાં તેઓ તાવ, શરદી-ઉધરસની બિમારીમાં સપડાયા હતાં. તેઓને એચથ્રીએનટુ જેવા લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવ્યો હતો. તેમને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તબિયત વધુ લથડતા તેમને આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. દરમિયાન આજે સવારે તેઓની તબિયત વધુ લથડી હતી અને જીવનદીપ બુઝાયો હતો.

રાજ્યમાં વડોદરા શહેરમાં એચથ્રીએનટુ વાયરસથી પ્રથમ મોત નિપજતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યુ છે. 2019માં સ્વાઇન ફ્લૂ અને 2020માં કોરોનાના કહેર સમયે લોકોમાં જે રિતનો ડર જોવા મળતો હતો. તેવો જ ડર હાલ આ નવા વાયરસથી જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં એચથ્રીએનટુ વાયરસના કેસ મળી આવતા સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. તમામ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતને ટેસ્ટીંગ વધારવા અને રોજે-રોજના રિપોર્ટ આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યભરમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વિચિત્ર રોગચાળો છે. શરદી-ઉધરસ પણ એક-એક પખવાડીયા સુધી જાતી નથી. બીજી તરફ એચથ્રીએનટુના ટેસ્ટ નિ:શુલ્ક કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. કોરોનાના કેસમાં પણ વધારો નોંધાય રહ્યો છે.

કોરોનાના નવા 45 કેસ નોંધાયા એક્ટિવ કેસનો આંક 233 થયો

રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 45 કેસ નોંધાયા હતાં. એક્ટિવ કેસનો આંક 233 દર્દીઓએ આંબી ગયો છે. જે પૈકી માત્ર એક જ દર્દી વેન્ટીલેટર પર છે. બાકી તમામની હાલત સ્થીર છે. સોમવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 18 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં 1 કેસ નોંધાયો હતો. આ ઉપરાંત સુરતમાં નવા સાત કેસ, વડોદરામાં ચાર કેસ, આણંદ અને કચ્છ જિલ્લામાં નવા ત્રણ-ત્રણ કેસ, પોરબંદર, રાજકોટ અને ગાંધીનગર જિલ્લામાં બબ્બે કેસ, મહેસાણા, સાબરકાંઠા અને બોટાદ જિલ્લામાં નવા એક-એક કેસ નોંધાયા હતાં. ગઇકાલે 25 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતાં. હાલ રાજ્યમાં 233 એક્ટિવ કેસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.