Abtak Media Google News

નાના માણસોની ઈમાનદારી મોટા માણસોથી ચડિયાતી નીવડી

રાજયમાં કોરોનાકાળમાં નાના વેપારીઓને અપાયેલી આત્મનિર્ભર લોન 99.80 ટકા ભરપાઈ થઈ ગઈ

બેન્કોને ધૂંબા તો મોટા મગરમચ્છો જ મારે, નાના માણસો તો લોન ભરપાઈ કરવામાં ‘એકડો’ સાબિત થયા છે. કારણકે રાજયમાં કોરોનાકાળમાં નાના વેપારીઓને અપાયેલી આત્મનિર્ભર લોન 99.80 ટકા ભરપાઈ થઈ ગઈ છે. આમ નાના માણસોએ સરકારની વિશ્વસનીયતા ઉપર ખરા ઉતર્યા છે.

રાજ્યમાં કોરોનાકાળ બાદ નાના-વેપારીઓને ધંધામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને પરિણામે સરકારના સહયોગથી રાજયભરની સહકારી બેન્કોએ એક ઉમદા અભિગમથી આ પ્રકારની જરૂરિયાતમંદ વર્ગને રૂા.1 લાખથી રૂા.2.50 લાખ સુધીની લોન કોઈ આપી હતી.

તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની આગવી સૂઝ બુઝથી નાના વેપારીઓના હિતાર્થે આ નિર્ણય લીધો હતો. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાએ વ્યાજમાં પણ રાહત આપી હતી તેમાં હવે નાના-લોનધારકોએ તેનામાં સહકારી બેન્કોએ જે વિશ્વાસ મુક્યો તેમાં ઉની આચ આવવા દીધી નથી અને  99.8% લોનની રકમ ભરપાઈ કરી દીધી છે. એક તરફ મોટા મગરમચ્છો બેન્કોને અને સરકારને ધૂંબા મારી રહ્યા છે. તેવામાં નાના વેપારીઓએ પ્રામાણિકતા દાખવી સૌની નજર ખેંચી છે.

આ યોજનામાં 2.42 લાખ કુટુંબોને આ પ્રકારનું ધિરાણ અપાયુ હતું. જેમાં અત્યંત ઓછુ 0.20% જ એનપીએ થયુ છે. આમ નાના લોકોએ મોટી પ્રમાણીકતા દર્શાવે છે. ગુજરાત અર્બન કોપરેટીવ બેન્ક ફેડરેશનના સીઈઓ જે.વી.શાહના જણાવ્યા મુજબ આ પ્રકારની લોનની શહેરી સહકારી બેન્કોને પણ તેનો ધિરાણ લક્ષ્યાંક જાળવવામાં મદદ મળી હતી. કારણ કે તે સમયે અન્ય મોટા ધિરાણની માંગ નજીવી હતી.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટી ગુજરાતના રીપોર્ટ મુજબ ગુજરાતમાં શહેરી સહકારી બેન્કોનું કુલ ધિરાણ ડિસેમ્બર 2022 કવાટરમાં રૂા.28788.15 કરોડનું રહ્યું છે. જેમાં એનપીએ રૂા.1220.11 કરોડનું છે. જે એનપીએ રેસમાં 4.3%નો છે. અન્ય બેન્કોને તે 5.14% નો છે તે પણ ઉલ્લેખનીય છે. ગુજરાતમાં તો તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના કુલ એનપીએ રેશિયો 13.15% જેટલો ઉંચો રહ્યો છે અને ખાનગી બેન્કોના તે 1.49% છે. કોરોના પછી ગુજરાત સરકારે કોવિડ બાદ સામાન્ય કુટુંબને મદદ કરવા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સહકારી બેન્કોને વ્યાજ સબસીડી આપવા સાથે શહેરી સહકારી બેન્કોને તે અમલમાં મુકવા કહ્યું હતું.

રાજ્યમાં 2.42 લાખ લોકોએ લોનનો લાભ મેળવ્યો!

કોવિડ દ્વારા સર્જાયેલા અત્યંત અનિશ્ચિત સમયમાં, સમગ્ર ગુજરાતમાં સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓએ રાજ્યના લગભગ 2.42 લાખ પરિવારોને રૂ. 1 લાખથી રૂ. 2.5 લાખ સુધીની મોટાપાયે  લોનનું વિતરણ કર્યું હતું. જેમાંથી માત્ર વેઢે ગણ્યા કેસોમાં જ લોનની રકમ ભરપાઈ થઈ નથી. આમ નાના માણસોએ સરકારે જે વિશ્વાસ મુક્યો તેને તોડ્યો નથી.

પ્રામાણિકતા દાખવતા નાના માણસોને વધુ મદદ કરવા માટે સરકારને પણ પ્રોત્સાહન મળ્યું

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ભાગ રૂપે આ અત્યંત સબસિડીવાળી લોન આપવામાં આવી હતી, જેથી નાના વેપારીઓ, સ્વ-રોજગાર અને ઓછા પગાર ધરાવતા નાગરિકોને રોગચાળા દરમિયાન મુશ્કેલ આર્થિક સમયનો સામનો કરવામાં મદદ મળી શકે.  લગભગ ત્રણ વર્ષ પછી, 99% થી વધુ નાના ઋણધારકો સમયપત્રક મુજબ લોનની ચુકવણી કરી રહ્યા છે.આમ સરકારને પણ હવે નાના માણસોની મદદ કરવામાં પ્રોત્સાહન મળ્યું છે.

રાજકોટ નાગરિક બેંકે 40 હજાર લોકોને 522 કરોડની લોન આપી, એનપીએ ઝીરો રહ્યું

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “અમારી બેંકે આત્મનિર્ભર યોજના હેઠળ 40,000 લોકોને 522 કરોડ રૂપિયાની સૌથી વધુ લોનનું વિતરણ કર્યું છે.  લગભગ 60% ઋણધારકોએ પ્રથમ વખત લોન લીધી હોવા છતાં અમે શૂન્ય એનપીએ નોંધ્યું છે.  નાના ઉધાર લેનારાઓ તેમની લોન શિસ્ત સાથે ચૂકવી રહ્યા છે.  નૂતન નાગરિક સહકારી બેંકના સીઈઓ અશોક કાપડિયાએ જણાવ્યું હતું કે, “નાના દુકાનદારોએ આ લોન લીધી અને તેમનો વ્યવસાય ફરી શરૂ કર્યો અને તેઓએ ઈમાનદારીથી લોન ચૂકવી દીધી.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.