Abtak Media Google News

ધ્વજારોહણ, રૂદ્રાભિષેક, અન્નકોટ તેમજ મહાઆરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે

છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરના પ્રસિઘ્ધ એવા શ્રી કાશી વિશ્વનાથ મંદિરના 130 માં વર્ષમાં મંગલ પ્રવેશ દિન નિમિતે ધ્વજારોહણ, રૂદ્રાભિષેક પૂજા, અન્નકોટ દર્શન, દીપમાળા દર્શન અને મહાઆરતીનું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવના કાર્યક્રમ આજથી શ્રી કાશિ વિશ્ર્વનાથ મંદિર જામનગર ખાતે પ્રારંભ થઇ ચુક્યો છે. જેના અંતર્ગત સવારે 10.30 કલાકે ઘ્વજારોહણ, સવારે 1130 કલાકે રૂદ્રાભિષેક, અન્નકોટ સાંજે 5.30 કલાકે તેમજ દીપમાળા અને મહાઆરતી સાંજે 7.30 કલાકે યોજવામાં આવશે.

તમામ દર્શનાથીઓ તેમજ સર્વે ભક્તજનોને આ પવિત્ર-પાવન અને આધ્યાત્મિક પ્રસંગે સામેલ થવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. જેનો સર્વે દર્શનાથીઓ – ભકતજનોએ લાભ લેવા શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આવું એટલા માટે કારણ કે અહીં કાશીની જેમ અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. જામનગરની સાન ગણાતા આ મંદિરની સ્થાપનાને 130 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે આ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રોચક છે જે જાણવા જેવો છે.

જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરતાં આ મંદિરના પુજારી સુખદેવ મહારાજ જણાવે છે કે ભારતમાં માત્ર બે જ આવા મંદિર છે જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ, અને બીજું જામનગરમાં. આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ મંદિર પણ છે.

કાશી વિશ્ર્વનાથનો ઇતિહાસ !!

જામનગરમાં આવેલું આ મંદિર 127 વર્ષ જુનું છે, આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિશ્વાન બ્રાહ્મણો દ્વારા પુજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી. એ સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતી, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર 72 સ્તંભ પર ઉભેલું છે. જેની રચના ચોપાટની જેમ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઇને સાંજ સુધી ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે અને દૂધ અને જળાભિષેક કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.