Abtak Media Google News

કોરોના કાચિંડાની જેમ રંગ બદલી રહ્યો છે…

કોરોનાની લાંબા ગાળાની અસર કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ તરફ દોરી જનારૂ : અભ્યાસ

કોરોના કાચિંડાની જેમ રંગ બદલી રહ્યો છે. હજુ સુધી કોરોના વિશે સચોટ અહેવાલ મેળવી શકાયો નથી. સમયાંતરે કોરોનાના નવા નવા વેરિયન્ટ અને મ્યુટેશનના અલગ અલગ લક્ષણોથી માંડી અલગ અલગ અસરો પણ જોવા મળી છે. જેના લીધે કોરોના ખરેખર કેટલો સમય શરીરમાં રહે છે? તેની અસરનો કેટલો સમય સુધી સામનો કરવો પડી શકે છે? તેનાથી શરીરમાં શું શું તકલીફો પડી શકે છે? આ તમામ બાબતે ફકત અનુમાન લગાવી શકાય છે પણ ચોક્કસ તાગ મેળવી શકાતો નથી. આ તમામ બાબતો વચ્ચે વધુ એક ચોંકવાનારો અભ્યાસ સામે આવ્યો છે જેમાં એવુ દર્શાવવામાં આવ્યું છે કે, કોરોનાની ભલે હળવી અસર હોય પણ તે હળવી અસર પણ હૃદય પર ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

એક નવા સંશોધન મુજબ હળવા કોરોનાની અસર પણ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની હાનિકારક અસરો કરી શકે છે. જર્નલ ઑફ ક્લિનિકલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા પેપરમાં જાણવા મળ્યું છે કે કોવિડ ચેપ ધમનીઓની વૃદ્ધત્વ સાથે સંકળાયેલ છે. ધમનીની જડતાના કોવિડ-ઇન્ફેક્શન પહેલાના અને પછીના સ્તરની તુલના કરવા માટેનો આ અભ્યાસ પ્રથમ છે જેમાં આ તારણો સામે આવ્યા છે.

કોવિડ ચેપ પછીનું પરિણામ જેને સામાન્ય રીતે લાંબાગાળાની અસર તરીકે ઓળખવામાં આવે છે, તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ઉન્માદ અને આત્યંતિક કેસોમાં મૃત્યુના વધતા જોખમ સાથે સંકળાયેલું છે, તેવું અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર જેમને કોરોનાની હળવી અસર હતી તેમના શરીરમાં પણ ધમની અને કેન્દ્રીય કાર્ડિયોવેસ્ક્યુલર ફંક્શનને ચેપ લાગ્યાના બેથી ત્રણ મહિના પછી આ રોગથી અસર થઈ હતી.  આડ અસરોમાં સખત અને વધુ નિષ્ક્રિય ધમનીઓનો સમાવેશ થાય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગના વિકાસ તરફ દોરી શકે છે, તેવું અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

યુનિવર્સિટી ઑફ પોર્ટ્સમાઉથની સ્કૂલ ઑફ સ્પોર્ટ, હેલ્થ એન્ડ એક્સરસાઇઝ સાયન્સના અભ્યાસના સહ-લેખક ડૉ. મારિયા પેરિસિઉએ જણાવ્યું હતું કે, કોવિડ-19 પછી સમયની સાથે સાથે વધુ બગડતા વેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં આવા ઘટાડાનું અવલોકન કરીને અમને આશ્ચર્ય થયું હતું.  સામાન્ય રીતે તમે અપેક્ષા રાખશો કે ચેપ પછી સમય જતાં અસર ઘટશે અને તમામ શારીરિક કાર્યો સામાન્ય અથવા સ્વસ્થ સ્તર પર પાછા ફરી જશે.  અમે વધુ તપાસ કર્યા વિના ફક્ત આ ઘટનાનું કારણ શું છે તેના પર અનુમાન કરી શકીએ છીએ પરંતુ ઉભરતા પુરાવા સૂચવે છે કે તે કોવિડ -19બી અસર સ્વયં-પ્રતિકારક પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે જે વેસ્ક્યુલેચર બગાડ તરફ દોરી જાય છે.

અભ્યાસમાં ભાગ લેનારાઓનું ઑક્ટોબર 2019 અને એપ્રિલ 2022 વચ્ચે યુનિવર્સિટી ઑફ સ્પ્લિટ સ્કૂલ ઑફ મેડિસિન ખાતે વેસ્ક્યુલર એજિંગ માટેની પ્રયોગશાળામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મોટાભાગના સહભાગીઓ 40 વર્ષથી ઓછી વયના અને સ્વસ્થ હતા. જૂથના માત્ર 9% લોકોને હાઈ બ્લડ પ્રેશર હતું અને કોઈને પણ હાઈ કોલેસ્ટ્રોલ નહોતું.  બે લોકો ડાયાબિટીસના દર્દીઓ હતા અને 78% ધૂમ્રપાન કરતા ન હતા. આ જૂથમાં પુરુષો (56%) અને સ્ત્રીઓ (44%)ની સંખ્યામાં હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.